Abtak Media Google News

જયાં જૂનાગઢના છેલ્લા નવાબને પાકિસ્તાનનો રસ્તો બતાવનાર સોરઠ સિંહનો અંતિમ વિસામો છે

જુનાગઢના છેલ્લા નવાબ મહોબતખાન ત્રીજાને પાકિસ્તાનનો રસ્તો બતાવનાર આરઝી હુકુમતના સરસેનાપતિની કર્મભૂમિ અક્ષયગઢ આજે સ્વ.રતુભાઈ અદાણીના ક્રાંતિ સ્થળની દુર્દશા અને જર્જરીત સ્થિતિ જોઈ સૌ કોઈ દેશપ્રેમીની આંતરડી કકડી ઉઠે છે. અક્ષયગઢના સમારકામ રીનોવેશન પાછળ એકાદ કરોડ રૂપિયા વપરાયા હોવાનું જણાવાય છે. પરંતુ આ સ્મારક પાછળ નાણા વાપરવા તો બાજુ રહ્યા પણ છેલ્લા કેટલાક વર્ષોથી કોઈએ સાફ સફાઈ પણ કરી ન હોય તેમ અવાવ‚ સ્થિતિમાં જોતા જણાઈ આવે છે. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭માં દેશ આઝાદ થયો દેશના તમામ રજવાડાઓનું વિલિનીકરણ થયું હતું પરંતુ હૈદરાબાદ અને જુનાગઢ સ્ટેટે ઈન્કાર કર્યો આથી જુનાગઢમાં સ્વ.રતુભાઈ અદાણીના સરસેનાપતિ પદ હેઠળ આરઝી હુકુમતની રચના કરવામાં આવી અને એકાદ વર્ષની લડતના અંતે આ આરઝી હુકુમતે જુનાગઢ સ્ટેટના ત્રીજા અને છેલ્લા નવાબને કેશોદ વિમાનઘર ઉપરથી પાકિસ્તાનનો રસ્તો બતાવવામાં ઐતિહાસિક સફળતા મેળવી છે.

Advertisement

આરઝી હુકુમતના આ સરસેનાપતિ સ્વ.રતુભાઈ અદાણીએ રાજય સરકારમાં મહત્વની રચનાત્મક કામગીરી કરી ક્ષયરોગને દેશવટો આપવાના ભાગ‚પે ૧૯૬૪માં ૨૭૫ વિઘા જમીન ઉપર અક્ષયગઢ અર્થાત ટીબી હોસ્પિટલની સ્થાપના કરી આ હોસ્પિટ માટે ભવિષ્યમાં કયારેય કોઈની પાસે લાંબો હાથ ન કરવો પડે એ માટે હોસ્પિટલની આ ૨૭૫ વિઘા જમીન સાથે ૭૦૦ વિઘા જમીન ખેતી માટે રાજય સરકાર પાસેથી મેળવી આ હોસ્પિટલમાં ૨૫૦ દર્દીઓની સારામાં સારી સારવાર થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરી આ અક્ષયગઢને પોતાના જીવનની આખરી કર્મ ભૂમિ બનાવી ૧૯૯૮માં સ્વ.રતુભાઈ અદાણી અનંતની યાત્રાએ નિકળી ગયા રતુભાઈ અદાણીના જીવનની અંતિમ ઈચ્છા મુજબ તેમના નશ્ર્વર દેહનો અગ્નિ સંસ્કાર ૨૭૫ વિઘા જમીનનાં ૧૦૦+૬૦ ફુટના અક્ષયનાથ મંદિરની નજીકમાં જ કરવામાં આવેલ ત્યારે આ જગ્યાએ આરસનું મોટુ પગથીયાવાળું સ્ટેજ બનાવી ઉપર થાંભલી અને રતુભાઈની યાદ આપતુ બોર્ડ મુકવામાં આવેલ કમ્પાઉન્ડનો વોલ બનાવી લોખંડની સાંકળની ડીઝાઈન બનાવી બે દરવાજા મુકી આ સ્થળને સ્વ.રતુભાઈ અદાણીની કાયમી સ્મૃતિરૂપે ક્રાંતિ સ્થળ એવું નામ આપવામાં આવ્યું. જે રતુભાઈ અદાણી સ્મારક ક્રાંતિ સ્થળનું તા.૧૯/૨/૨૦૦૦ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સંસ્થાનો પ્રથમથી જ સંપૂર્ણ વહિવટ સોરઠ ક્ષય નિવારણ સમિતિ હસ્તક હતો પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુ એચ.ઓ.) છેલ્લા સંશોધન મુજબ ક્ષયના દર્દીઓને સારવાર હોસ્પિટલમાં નહીં પરંતુ ઘરબેઠા આપી શકાય છે. એ અનુસંધાને આ હોસ્પિટલને મળતી સરકારી ગ્રાન્ટ બંધ થઈ અને વહિવટ માટે નાણાકીય કટોકટી થતા આખરે આ સંસ્થાનો કબજો છેલ્લા પાંચેક વર્ષથી સુરત સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળને સોંપાયો અને ત્યારથી આ ક્રાંતિ સ્થળની કહો કે માઠી બેઠી આ સંસ્થાના અલગ અલગ વિભાગોના સમારકામ પાછળ આશરે એકાદ કરોડનો ખર્ચ થયો હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ આ સંસ્થાના શિલ્પીનના અંતિમ વિસામા પાછળ ખર્ચ તો બાજુ પર રહ્યો સાફ સફાઈ કરવાની પણ કોઈ દરકાર કરતું નથી ક્રાંતિ સ્થળની અંદર ઝાળ ઝાંખરાનું સામ્રાજય વ્યાપેલું છે. સ્ટેજ ઉપરથી થાંભલીઓ તુટેલી ફાટેલી છે તુટલા ફુટલા બુટ ચંપલ વણજોઈતો કચરો જયાં ત્યાં નજરે પડે છે. પિલોર નમી ગયા છે. સાંકળ કટાઈ ગયેલી છે. અમુક સાંકળ તુટેલી હાલતમાં છે બહારથી નજર કરીએ તો કોઈને માનવામાં ન આવે કે સંસ્થાના શિલ્પી અને સોરઠી સાવજનો આ અંતિમ વિસામો જે તેની જ કર્મ ભૂમિમાં છે. અત્યારે આ સ્થળને જોઈને કોઈપણ વ્યકિતને અંદર જવાની ઈચ્છા જ ન થાય તેવી દુર્દશા થઈ ગયેલ છે અને જાણે કે આંસુ ભીના રે હરીના લોચનીયા મેં દિઠા એવી સ્થિતિ દરેકની થાય છે.સ્મારકની નિયમિત સફાઈ કરવાની લોકમાંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.