Abtak Media Google News

વ્હીકલ સ્ક્રેપ પોલિસી હેઠળ રાજ્ય સરકારના 5000 વાહનો ‘ભંગાર’ થઈ જશે!!

 

પહેલી એપ્રિલથી રાજ્યમાં 15 વર્ષ જૂના લગભગ 20 લાખ જેટલાં ભારે કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. આ ફિટનેસ ટેસ્ટ દરમિયાન બે વાર ટેસ્ટમાં નિષ્ફળ જશે તો તેને સ્ક્રેપ કરવામાં આવશે. રાજ્યના પરિવહન વિભાગે ત્રણ વાહન સ્ક્રેપિંગ સુવિધાઓને મંજૂરી પણ આપી દીધી છે. આ સિવાય રાજ્યમાં હાલ માત્ર ચાર જ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન છે. જે સુરત, મહેસાણા, ભરુચ અને અમરેલીમાં છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી વ્હીકલ સ્ક્રેપ પોલિસી હેઠળ 15 વર્ષથી જુના ભારે વાહનોએ ફિટનેશ ટેસ્ટમાંથી પસાર થવું પડશે અને જો વાહન ફિટનેશ ટેસ્ટમાં બે વાર નાપાસ થાય તો વાહનને સ્ક્રેપ કરી દેવું પડશે. ત્યારે રાજ્યમાં કુલ 2.50 કરોડ વાહનો પૈકી 1.1 કરોડ વાહનો 15 વર્ષ જુના હોય તેવી માહિતી મળી રહી છે. જે પૈકી આશરે 20 લાખ જેટલા ભારે વાહનો કે જે 15 વર્ષ જુના છે તે હાલ રોડ પર દોડી રહ્યા છે. હવે આ તમામ વાહનોએ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

હવે આ દિશામાં નજર કરવામાં આવે તો ભારે વાહનોનો ઉપયોગ મોટાભાગે ટ્રાન્સપોર્ટર દ્વારા કરવામાં આવે છે. જ્યારે વાત 20 લાખ ભારે વાહનોની આવશે ત્યારે ચોક્કસ ટ્રાન્સપોર્ટર એસોસિએશન પણ મેદાનમાં આવશે. કદાચ આ બાબતે એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર સાથે ગોષ્ઠી કરીને અમુક છૂટછાટ આપવા માટે માંગ પણ કરવામાં આવી શકે છે ત્યારે આ ’વહીવટ’ પાર પડશે કે કેમ? તે પણ સવાલ છે.

બીજી બાજુ જો આટલી મોટી સંખ્યામાં વાહનો કદાચ સ્ક્રેપ કરવામાં આવે તો હાલ માલ પરિવહનમાં 85% રોડ પરિવહન મારફત કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં ભારે વાહનોની જરૂરિયાત ઉભી થશે ત્યારે તેની સીધી જ અસર ઓટોમોબાઇલ ક્ષેત્રને પડશે અને કહી શકાય કે, આ બાબત કદાચ ઓટોમોબાઇલ ક્ષેત્રને ’બુસ્ટર ડોઝ’ સમાન સાબિત થશે.

પ્રદુષણને ચકાસવા માટે અને રસ્તાઓ પર ભીડભાડ ઓછી કરવાના હેતુથી 1 એપ્રિલથી 15 વર્ષ જૂના લગભગ 20 લાખ ભારે કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત સ્વચાલિત ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. જો એ બે વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સ્ક્રેપ કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2021માં વાહન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. આ સિવાય લગભગ 5000 રાજ્ય સરકારના વાહનો કે જેઓ 15 વર્ષથી જૂના છે, તેઓ ટેસ્ટમાંથી પસાર થયા વિના જ સીધા સ્ક્રેપિંગ એકમોમાં જશે. આવતા વર્ષે જૂનથી ભારે અને મધ્યમ વાહનો સહિત તમામ કોમર્શિયલ વાહનોએ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. જો રાજ્ય ત્યાં સુધીમાં 100 ટેસ્ટ સ્ટેશન સ્થાપિત કરે છે તો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ એ તમામ વાહનો માટે વધારવામાં આવી શકે છે કે 15 વર્ષનું રજીસ્ટ્રેશન સાયકલ પૂરુ કરી ચૂક્યા હશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

એક વાર અયોગ્ય વાહનની નોંધણી રદ્દ થઈ જાય પછી માલિકે તેને રાખવાનું અથવા તેને સ્ક્રેપ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ રસ્તા પર કરી શકશે નહીં. એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં સર્વિસ સ્ટેશનો ધરાવતા શોરુમ્સ કોમર્શિયલ વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપે છે, પછી ભલે ને તે ફિટ ન હોય. રાજ્યના પરિવહન વિભાગે ખેડામાં બે અને ભાવનગરમાં એક એમ ત્રણ વાહન સ્ક્રેપિંગ સુવિધાઓને પહેલેથી જ મંજૂરી આપી છે. દરેક સુવિધા દીઠ આશરે રુપિયા 17 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. દરેક એક એકર જમીન પર બનશે. ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ મંજુએ જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સ્ક્રેપિંગ પોલિસી સાથે આગળ વધી રહ્યા છીએ.

 

રાજ્યના કુલ 2.50 કરોડ વાહનો પૈકી 1.1 કરોડ વાહનો 15 વર્ષ જુના!!

 

એપ્રિલ 2024 સુધીમાં રાજ્યના માર્ગો પર લગભગ 40 લાખ ભારે અને મધ્યમ કોમર્શિયલ વાહનો દોડશે. રાજ્યમાં રજીસ્ટર થયેલાં 2.50 કરોડ વાહનોમાંથી 2021-22ની સામાજિક-આર્થિક સમીક્ષા મુજબ 1.1 કરોડ વાહનો 15 વર્ષ જૂના છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં ખાનગી વાાહનોનો હિસ્સો 43 ટકા છે. નવી નીતિ મુજબ, ભારે પરિવહન વાહનોને કમ્પ્યુટરાઈઝ્ડ ઓટોમેટેડ ટેસ્ટમાંથી પસાર થયા બાદ પ્રમાણિત કરવામાં આવશે અને તેમના રિપોર્ટ કાર્ડ કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના પરિવહન સેવાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.

 

રાજ્યમાં 100 ટેસ્ટિંગ સ્ટેશન સ્થાપવાના લક્ષ્યાંક વચ્ચે હાલ સુધી ફક્ત 4 સ્ટેશનનું જ અસ્તિત્વ!!

 

ગુજરાતમાં માત્ર ચાર ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન છે. જે સુરત, મહેસાણા, ભરુચ અને અમરેલીમાં છે. જો કે, રાજ્ય પાસે મર્યાદિત સંખ્યામાં ટેસ્ટિંગ સ્ટેશન હોવાથી કેન્દ્રએ તેમને તમામ કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત ટેસ્ટમાંથી ખાનગી વાહનોની છોડી દેવા માટે જણાવ્યું છે, જે જૂન 2024માં શરુ થશે. જો કે, જો ગુજરાત આવા ઓછામાં ઓછા 100 ટેસ્ટિંગ સ્ટેશનો સ્થાપે પછી રાજ્ય ટુ વ્હીલર વાહનો માટે ફિટનેસ ટેસ્ટનો વિસ્તાર પણ કરી શકે છે, એવું પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

 

હવે આરટીઓને લગતા મોટાભાગના કામ ઘરે બેઠા થઈ જશે!!

 

આરટીઓની સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર ’સ્માર્ટ આરટીઓ’ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જ્યાં વધુ પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થશે અને રાજ્યભરના આરટીઓની કામગીરીનું રીઅલ-ટાઇમ કમાન્ડ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ આરટીઓ-સંબંધિત તમામ કાર્ય અને નાગરિકો માટે પ્રશ્નો માટે સિંગલ-વિન્ડો સોલ્યુશનની દરખાસ્ત કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં તમામ આરટીઓ સંસ્થાનોમાં પારદર્શક વેઇટિંગ પિરિયડ અને રાહ જોવાની વ્યવસ્થા પણ હશે. સરકાર આરટીઓ કચેરીઓને મુલાકાતીઓ માટે વધુ આરામદાયક બનાવવાની દરખાસ્ત પણ કરે છે.સરકાર તરફથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સશક્ત બુદ્ધિશાળી અને સ્માર્ટ કાયદા અમલીકરણ ઉકેલો અમલમાં મૂકવામાં આવશે.  પ્રોજેક્ટ હેઠળ સરકાર એક ‘સિટીઝન એપ’ લોન્ચ કરશે, જેના દ્વારા લોકો આરટીઓ સંબંધિત મોટા ભાગના કામ ઓનલાઈન પૂર્ણ કરી શકશે.  અન્ય એપ્લિકેશન, ‘લો એન્ફોર્સમેન્ટ એન્ડ રેવન્યુ મેક્સિમાઇઝેશન એપ’ પણ

વિકસાવવામાં આવશે જે આરટીઓ અધિકારીઓને વીમા, ફિટનેસ પ્રમાણપત્રો, પીયુસી, કર અનુપાલન અને અન્ય વાહન વિગતોની ચકાસણી કરવામાં મદદ કરશે. વાહનોના રજીસ્ટ્રેશન નંબરો સ્કેન કરીને આરટીઓ અધિકારીઓ પણ વાહનો દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનો ઈતિહાસ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.