Abtak Media Google News

વહીવટી તંત્ર સુચારૂ વ્યવસ્થાઓ ઊભી કરી પ્રજાને કોઈ સમસ્યા ન પડે તેની ખાસ કાળજી રાખે-રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ભારે વરસાદ તેમજ ખાસ કરીને જિલ્લામાં જાહેર થયેલ રેડ એલર્ટના અનુસંધાને જિલ્લા વહીવટ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મંત્રી બ્રીજેશભાઇ મરજાએ મોરબી નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ, ગ્રામ્ય વિસ્તારનાં અગ્રણીઓ તેમજ સંબંધિત અધિકારીઓ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી વરસાદી કામગીરી તેમજ પ્રજાના પ્રશ્નો સાંભળી તેમને તાત્કાલિક નિવારવા તાકીદ કરી હતી.બેઠકમાં પ્રિ-મોન્સુન તેમજ વરસાદ બાદની કામગીરીની સમીક્ષા કરતાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વરસાદી સીઝન છે એટલે પાણી ભરાય એ સ્વાભાવિક છે પરંતુ એ પાણીનો નિકાલ તરત થઈ જાય એ અત્યંત જરૂરી છે. ઉપરાંત મોરબી શહેરના ચકિયા હનુમાન પાસેનો વિસ્તાર, નવા તેમજ જૂના બસસ્ટેશનના વિસ્તાર વગેરે તમામ જગ્યાએ પાણી ભરાઈ ન રહે તે માટે કાયમી ઉકેલ લાવવા અને અત્યારે પાણી કાઢવા પમ્પીંગની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. નેશનલ હાઇવે પર લક્ષ્મીનગર, ભરતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારો પાસે ડ્રેનેજ ચોક-અપ થવાથી તેમજ અન્ય કારણોસર પાણી ભરાવાની સમસ્યાને પણ નિવારવા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર  સંદીપસિંહ ઝાલા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા,  મોરબી નગરપાલિકા કારોબારી  સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, અગ્રણી દેવાભાઈ અવાડીયા, પી.જી.વી.સી. એલ,માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને સ્ટેટ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.