Abtak Media Google News

અંજાર સમાચાર

અંજારના મેઘપર બોરીચીની મંગલમ્ રેસિડેન્સીમાંથી સોમવારે ભેદી સંજોગોમાં અપહરણ થયેલાં 19 વર્ષિય યુવક યશ તોમરનો કોઈ અતોપત્તો મળ્યો નથી. તે દરમિયાન, યશે છેલ્લે જે બાવળની ઝાડીમાંથી ચા૨ સેકન્ડનો વીડિયો  શૅર કરીને ‘ફસ ગયા’ લખેલું તે જગ્યાથી તેનું બૂટ મળી આવ્યું છે. અંજારના મેઘપરની મંગલમ્ રેસિડેન્સીમાં રહેનાર યશ સંજીવકુમાર તોમર નામના યુવાનનું અપહરણ અને સવા કરોડની ખંડણી પ્રકરણમાં પોલીસે સર્વગ્રાહી રીતે તપાસ હાથ ધરી છે.

છેલ્લે આ યુવાન આદિપુરના ડી.સી. પાંચ બાજુ જતો હોવાનું બહાર આવતાં પોલીસે આ વિસ્તારના તમામ સી.સી.ટી.વી. કેમેરા તપાસ્યા હતા. તેમજ કોઈનાં ઘરમાં તેનું પ્લેઝર મોપેડ નંબર જી.જે.-12-ઈ.એફ.-8832વાળું કોઈએ સંતાડયું છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અંજાર, આદિપુર, ગાંધીધામ એ-બી ડિવિઝન, એલસીબી, એસ.ઓ.જી.ની ટીમોએ આ વિસ્તારને ખુંદી નાખ્યો હતો.

આ યુવાને ડી.સી. પાંચ પાછળ ઝાડી વિસ્તારમાં જઈ વીડિયો ઉતારી `ફસ ગયા’ તેવું લખાણ લખી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. તેણે જે જગ્યાએ વીડિયો શૂટ કર્યો હતો તે જગ્યાથી તેનું બૂટ મળી આવ્યું છે. પોલીસે આજે સતત બીજા દિવસે આદિપુરના પંચમુખી હનુમાન મંદિરથી લઈ એસપી ઑફિસ પાછળ આવેલી ઝાડીમાં સર્ચ ઓપરેશન જારી રાખ્યું હતું. મોડી સાંજે ઝાડીમાંથી યશનું બૂટ મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. જ્યાંથી બૂટ મળ્યું તેની નજીક ખાડો ખોદીને કંઈક દાટી દેવાયું હોવાનું ધ્યાને આવતાં ખુદ એસપી સાગર બાગમાર ઘટનાસ્થળે દોડી ગયાં છે.

પોલીસને આશંકા છે કે કોઈકની હત્યા કરી લાશ દાટી દેવાઈ હોઈ શકે છે. જો કે, રાત્રિનો અંધકાર હોઈ તેમજ નિયમ મુજબ દાટેલી લાશ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કાઢવી ફરજિયાત હોઈ પોલીસે કાલે સવારે ખાડો ખોદી અંદર શું દાટવામાં આવ્યું છે તે વિશે વધુ તપાસ કરશે.ઉલ્લેખનીય છે કે યશ સોમવારે સવારે કૉલેજ જવાનું કહીને દ્વિચક્રી ૫૨ નીકળ્યો હતો અને સાંજે તેનું અપહરણ કર્યું હોવાનું તથા તેને છોડાવવા માટે મુંબઈ આવી સવા કરોડ રૂપિયા આપી જવા અજાણ્યા નંબર પરથી યશની માતાને ફોન આવ્યો હતો.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.