Abtak Media Google News

પરંતુ પોલીસની પાછી પૂર્વ તૈયારીને કારણે ત્રણ દિવસ સુધી જયુભાની ઉલટ તપાસ થવા છતાં કાંઈ કારી ફાવી નહીં !

એક દિવસ સવારે અગીયાર વાગ્યે ફોજદાર જયદેવ રાબેતા મુજબ ઓફીસ કામ કરતો હતો અને એક કાર પોલીસ સ્ટેશનના દરવાજા સામે જ આવી ને ઉભી રહી મુળી ફોજદારની ચેમ્બર અને ટેબલ ખૂરશી એવી રીતે હતા કે રોડ ઉપર કોઈ વ્યકિત કે વાહન આવે તો પણ ફોજદાર બેઠા બેઠા જોઈ શકે. કારમાંથી એક કાળાકોટ વાળા વકીલ નીચે ઉતર્યા જયદેવે જોયું તો તે રાજકોટના એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ હતા. આવ્યા સીધા ફોજદાર ચેમ્બરમાં, જયદેવે આવકારો આપ્યો ખબર અંતર પૂછયા અભયભાઈ અને જયદેવને છેલ્લા પાંચ વર્ષનો પરિચય હતો જયદેવ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હતો તેથી પોત પોતાની કાર્ય શૈલીને કારણે બંને બરાબર પરિચિત હતા.

Advertisement

બંને જણાએ સાથે ચા-પાણી પીધા તથા અભયભાઈએ જ જણાવ્યું કે આ પોરબંદર વાળા દારૂના કેસમાં પોતાના ઉપરાંત સુરેન્દ્રનગરના વકીલ મહેન્દ્રકુમાર હિંમતલાલ તથાપોરબંદરનાં મધુભાઈ મહેતા પણ રોકાયા છે. જયદેવને મનમાં પેલી ભરતભાઈએ લીધેલી સલાહ યાદ આવી ગઈ. મધુભાઈ મહેતાનો પરિચયતો જયદેવ જયારે પાંચ વર્ષ પછી પોરબંદર બદલાઈ ને ગયો ત્યારે થયો. ત્રણે વકીલોની તેમના ક્ષેત્રમાં ઉચ્ચ કૌશલ્ય અને બુધ્ધીજીવીમાં ગણતરી થતી હતી. ફોજદાર જયદેવ તથા તેના સાથીઓએ આ ત્રણ મહારથી વકીલો સામે કોર્ટમાં બુધ્ધીની રમત કે યુધ્ધમાં લડવાનું હતુ. જે પણ એક કસોટી ઉપરાંત લ્હાવો પણ હતો.

જયદેવે આ પાંચ વર્ષની નોકરીમા ઘણા સેશન્સ કેસોમાં સાક્ષી તરીકે કે તપાસ કરનાર તરીકે પૂરાવો આપ્યો હતો. તેને અનુભવ હતો કે સરકારી વકીલ દ્વારા થતી સરતપાસ યાદ શકિતની કસોટી હતી તો બચાવ પક્ષના વકીલ દ્વારા થતી ઉલટ તપાસએ પોતે કરેલ કાર્યવાહીનું ઉંડાણ પૂર્વકનું જ્ઞાન અને તર્ક શકિતની કસોટી હતી અને પૂર્વ તૈયારીની પરિક્ષા હતી. ઉલટ તપાસમાં બુધ્ધીજીવી વકીલો કલ્પના પણ ન કરી હોય તેવા શોધી શોધીને પ્રશ્ર્નો કાઢે વળી અમુક પ્રશ્ર્નો તો એવા હોય કે જવાબ હા માં આપો કે નામાં તેમાં તેમને જ ફાયદો હોય તેવા દ્વિઅર્થી પ્રશ્ર્નો હોય પણ જયદેવ ના મીત્રો જ વકીલો હતા તેમની સાથે ચર્ચા કરી કરીને આવા પ્રશ્ર્નોના જવાબો કેમ આપવા તેની કળા મેળવી લીધેલી વકીલ મીત્રોમાં ખાસ તો બળવંતસિંહ રાઠોડ રાજકોટના પ્રખ્યાત ફોજદારી વકીલ ઉપરાંત જયદેવના પડોશી અને ખાસ મિત્ર હોઈ જયદેવ જયારે રાજકોટમાં હોય ત્યારે બંને સાથેજ હોય.

વળી બળવંતસિંહે રાજકોટ સેશન્સ કોર્ટમાં સાત વર્ષ સુધી સરકારી વકીલ તરીકે પણ કામ કરેલું તેથી તેમણે પ્રસંગોપાત મળી આવતા અગત્યના હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના રૂલીંગો ખાસ કરીને પ્રોસીકયુશન ફેવરના જેમાં આરોપીની રીમાન્ડ માટેના એફ.આઈ.આર. પંચનામા, આગોતરા જામીન અંગેના ખાસ ખાસ રૂલીંગોની તો જયદેવે ફાઈલ બનાવેલી અને ઉલટ તપાસમાં કોઈ બાબત શંકાસ્પદ રીતે રજૂ થઈ હોય તો ફેર તપાસ માટે પણ જયદેવ તૈયાર રહેતો. આમ આ ત્રણ મહારથી વકીલો સામે ફોજદાર જયદેવ પણ ગાંજયો જાય તેમ નહતો. પરંતુ આ હરીફાઈ કે સ્પર્ધામાં કદાચ રાયટર જયુભાને આ ત્રણ મહારથીઓ ગુલટી ખવરાવી દે તેવી શકયતા હતી.

જયદેવે તેનો પણ રસ્તો કાઢ્યો ચારેય એફ.આઈ.આર. અને પંચનામું લઈ જયારે જયારે સમય મળે ત્યારે જયુભાને સામે બેસાડી તેમની ઉલટ તપાસના સંભવીત પ્રશ્ર્નો કાઢી કાઢીને પૂછતો, મુંજવતો અને પછી પંચનામા એફ.આઈ.આર. જોઈ તેનો જવાબ આપવા કહેતો તથા દ્વિઅર્થી કે અસંદીગ્ધ પ્રશ્ર્નોના જવાબ કઈ રીતે આપવા તેની પણ કેસ કાગળો મુજબ પરિસ્થિતિને અનુ‚પ જ જવાબો આપવા સલાહ આપતો ટુંકમાં જીવંત રીહર્સલ ચાલતું. જો કે જયુભાને પણ મજા પડતી. જયુભાએ પણ કોલેજનાં ત્રણ વર્ષ સુધી અભ્યાસ કરેલો તેમણે તો આખુ પંચનામું અને ચારેય એફ.આઈ.આર. ડીટો ટુ ડીટો સંપૂર્ણ પણે યાદ રાખી લીધી. અર્ધી રાત્રે પણ કોઈ આ બાબતે પ્રશ્ર્ન પુછે તો પણ જવાબમાં કોઈ ભુલ કાઢી શકે નહિ. જયદેવ તો સેનાપતી હતો તેણે તો તૈયારી કરવી જ પડે.

જયારે મુળી કોર્ટમાં આ દારૂનો કેસ ચાલ્યો ત્યારે સહજ રીતે જે રાજકારણ દ્વારા શામ દામ અને ભેદની નીતિ રીતિ અપનાવવામાં આવે તેમ તેનો ઉપયોગ થયો. પંચો ઉપર દબાણ આવ્યું. પ્રથમ પંચ મહિપતસિંહ જકાતનાકા વાળા જયદેવ પાસે આવ્યા અને મુકત મને વાત કરીને પૂછયું કે હું શું કરૂ? જયદેવે તેમને કહ્યું હું તમને હોસ્ટાઈલ (ફરી જવાનું) થવાનું તો કયારેય ન કહુઆ બાબત હવે તમારે પોતાને વિચારવાની છે. ત્યાર બાદ મુળી ગામમાં મોટો ધર્માદો થયો એક વર્ષની કબુતરની ચણ માટે દાન થયા અને મહાભારતના કુરૂક્ષેત્રના યુધ્ધમાં યુધ્ધીષ્ઠિરના ઉચ્ચારણો ‘અશ્ર્વસ્થામા મરાયો નરોવા કુંજરોવા’ મુજબ પંચો કોર્ટમાં બોલ્યા. પરંતુ ખરૂ કૌશલ્ય પૂર્વકનું અને સામસામેનું યુધ્ધ તો હવે કોર્ટમાંચાલુ થવાનું હતુ. હવે મેદાનમાં ઉતરવાનો વારો આવ્યો જયદેવના ‘ભીમ’ રાયટર જયુભાનો!

કોન્સ્ટેબલ જયુભાએ જાતે જ સરતપાસ કડકડાટ લખાવી દીધી સરકારી વકીલને વધુ તસ્દી આપી જ નહિ અડધી કલાકમાં સહતપાસ પુરી થતા હવે ઉલટ તપાસનો દોર આવ્યો બચાવ પક્ષના ત્રણ મહારથી વકીલો રાયટર જયુભાની કોર્ટના કઠેરામાં સતત ત્રણ દિવસ સુધી સવારથી સાંજ સુધી ઉલટ તપાસો કરી વિવિધ પ્રકારે ઉલટ સુલટ પ્રશ્ર્નો પૂછાયા પરંતુ જયદેવ તથા જયુભાએ અગાઉ કરેલી તૈયારી અને મહેનત રંગ લાવી. ત્રણે વકીલો એ જયુભાને ખેલદીલી પૂર્વક શાબાશી આપી.

હવે વારો આવ્યો જયદેવનો. જયુભાની ત્રણ દિવસ સાહેદી ચાલી તે દરમ્યાન જયદેવ દરરોજ સાંજે જયુભાને દિવસ દરમ્યાન આવેલ ઉલટ તપાસના પ્રશ્ર્નો અંગે પુછપરછ કરી લીધી હતી. ચોથે દિવસે જયદેવે સરતપાસ વિગતે લખાવી લીધી અને જજ સાહેબે બચાવ પક્ષના વકીલોને તેની ઉલટ તપાસ કરવા કહ્યુંં પરંતુ બચાવ પક્ષના વકીલે કહ્યું કે સાહેબ ‘જે ઈમારત (જયદેવ)નો પાયો (કોન્સ્ટેબલ જયુભા) આટલો મજબુત હોય તો તે ઈમારત કેટલી મજબુત હશે.તેમને માટે એક જ પ્રશ્ર્ન છે કે ‘આ કેસ ખોટો કર્યો છે અને પંચોની તૈયારી કરેલા પંચનામામાં સહીઓ લીધી છે’ જયદેવે જવાબ આપ્યો ‘ના એ વાત ખોટી છે.’ આમ ઉલટ તપાસ ફકત પાંચ મીનીટ જ માં પૂરી થઈ ગઈ. પછીની મુદતે આ કેસની દલીલો પણ થઈ ગઈ અને હવે ફકત કેસનું જજ મેન્ટ આવવા ઉપર જ બાકી હતુ.

પરંતુ તે પહેલા આ અગાઉ જયદેવે જે ‘ભીંડીપા’માં જુગારધારા ક ૧૨ આ મુજબ પાંચ જણા ઉપર જાહેરમાં જુગાર રમવાનો કેસ કરેલો (પ્રકરણ ‘કાયદાની વ્યૂહાત્મક અમલવારી’) તેની ટ્રાયલ પણ મુળી કોર્ટમાં પુરી થઈ ગયેલ અને તેમાં પણ પંચો હોસ્ટાઈલ (ફરી ગયેલા) થઈ ગયેલા. અને તે કેસની ટ્રાયલમાં પણ આ દારૂના કેસની માફક જ કોન્સ્ટેબલ જયુભાની સાહેદી ફીટ ગયેલી અને જયદેવે પણ સપાેર્ટીંગ એવીડન્સ રૂપે પૂરી સાહેદી આપેલી તેથી આ કેસનાં જજમેન્ટમાં જજ સાહેબે મદ્રાસ હાઈકોર્ટનાં એક રૂલીંગનો આધાર લીધેલો કે જેમાં મદ્રાસ હાઈકોર્ટે નિરીક્ષણ કરેલું કે પંચો ભલે હોસ્ટાઈલ થયા પરંતુ પોલીસને ખોટુ બોલવાનું કોઈ કારણ નથી અને તે કેસ સાબીત માનેલો. તે જ પ્રમાણે આ ‘ભીંડીપા’ વાળા કેસમાં પણ ‘ટાયા’ ઓને મુળી જજ સાહેબે એક એક મહિનાની સજા અને રૂપિયા ૨૦૦૦ના દંડની સજા જાહેર કરી. આ સજા થતા જ ચારે બાજુ તરખાટ મચી ગયો મુળી કોર્ટમાં જેટલા કેસો ખાસ કરીને ફોજદાર જયદેવે કરેલા તેના આરોપીઓ ધ્રુજી ગયા કે આ જયદેવ તો ખરો છે.

આ સજાનાં જજમેન્ટના સમાચારોએ વળી પાછુ મુળીને પ્રસિધ્ધીમાં લાવી દીધું અને ચારે બાજુ ચકચાર ફેલાઈ ગઈ. ખાસ તો મુળી તાલુકા પંચાયત અને પોરબંદરથી લઈ સુરેન્દ્રનગર સુધી તોફાન મચી ગયું તમામના કાન બુઠ્ઠા થઈ ગયા પરંતુ વધારે અસર મુળી તાલુકા પ્રમુખ બનારાજાને થઈ હતી. તેઓએ તો જાહેરમાં કહ્યું કે જો આમ ને આમ ચાલે તો આ ફોજદાર અમને પણ બકરો બનાવી દેશે. આમ કાંઈ ચાલે? વળી પેલા ‘ધ ગ્રેટ ગેમ્બલર’ પ્રકરણ વાળા કલબના જુગારના કેસ વાળા ‘શાહભાઈ એન્ડ કાું’નો કેસ પણ બોર્ડ ઉપર ચાલવા ઉપર આવી ગયો હતો. આ સજા હુકમ વાળુ જજમેન્ટ આવતા જ ચારે બાજુ અફડા તફડી મચી ગઈ. ચક્રોગીતમાન થયા દૂરબીનો, રડારો હવે મુળી પોલીસ સ્ટેશનને બદલે મુળી કોર્ટ ઉપર મંડરાણારૂ પરંતુ તેમાં કાંઈ મળતું નહતુ.

પરંતુ મુળી કોર્ટના કોઈ એક કલાર્કે ગમે ત્યાં ગમે તે કોઈને જાણ કરી કે મુળીના જજ સાહેબ આ દારૂના કેસોની ફાઈલો જ સાથે વાંચવા લેતા ગયા છે કોર્ટ બિલ્ડીંગમાં નથી તે સમયે સાયલા-મુળી લીંક કોર્ટ હતી અને કોર્ટનું સીટીંગ સાયલા ચાલતું હતુ અને સોમવારે સવારે સાડા દસ વાગ્યાથી મુળી કોર્ટનું સીટીંગ ચાલુ થવાનું હતુ.

તે સોમવારે જયદેવ પોલીસ સ્ટેશનમાં હાજર હતો અને દસેક વાગ્યે મુળી કોર્ટનો પટ્ટાવાળો જયદેવ પાસે આવ્યો અને કહ્યું કે સુરેન્દ્રનગરથી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબ પધાર્યા છે. અને તમને રૂબરૂ જ બોલાવ્યા છે. આમ તો જયદેવ તૈયાર જ હતો. પણ મનમાં શંકા કુશંકા થઈ કે વળી શું હશે? જયદેવ કોર્ટના પરિસરમાં આવતા પગથીયા ચડતા જ ઓંસરીમાં બહારના ભાગે ડીસ્ટ્રીકટ જજ સાહેબ ખુરશી નાખીને બેઠા હતા જયદેવે તેમને સલામ કરી માન આપ્યું આથી જજ સાહેબે પાસે પડેલી બીજી ખુરશી ઉપર બેસવા જયદેવને કહ્યું જયદેવ સાથે સામાન્ય વાતચીત કરી પરંતુ ખાસ કોઈ ચર્ચા કરી નહિ.

સાડા દસ વાગ્યે મુળીના જજ સાયલાથી એસ.ટી.બસમાં મુળી અને મુળીબસ સ્ટેન્ડથી ચાલી ને સિધ્ધા જ કોર્ટમાં આવ્યા. અહી ડીસ્ટ્રીકટ જજ અને ફોજદાર જયદેવ કોર્ટ પરિસરમાં જ બેઠા હતા. મુળી જજે હાસ્ય સાથે ડીસ્ટ્રીકટ જજ ને ગુડમોર્નીગ કહ્યું અને તેનો પ્રત્યુતર પણ તેવો જ આવ્યો મુળી જજ ના હાથમાં એક નાની બ્રીફકેસ હતી. તે જોઈને ડીસ્ટ્રીકટ જજે પૂછયું કે આ બેગમાં શું છે? આથી મુળી જજે કહ્યું કે જજમેન્ટ ઉપરના કેસોની ફાઈલો વાંચવા માટે સાથે લઈ ગયો હતો. ડીસ્ટ્રીકટ જજે તે કાગળો માગ્યા અને વાંચ્યા તથા જયદેવને કહ્યું હવે તમે જઈ શકો છોતમે છૂટા. ડીસ્ટ્રીકટ જજ આ દારૂના કેસોની ફાઈલ સાથે લઈ સુરેન્દ્રનગર જવા રવાના થયા પરંતુ હુકમ આવી ગયો કે સંસદ સભ્ય વાળા દારૂનો કેસ સુરેન્દ્રનગર ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

થોડા સમયમાં આ કેસનું જજમેન્ટ પણ આવી ગયું. સુપ્રિમકોર્ટનાં છેલ્લા તાજા ચૂકાદા મુજબ ફકત પોલીસની સાહેદી ઉપરથી જ આરોપીઓને સજા કરી શકાય નહિ.જેઓ નારાજ હતા જેમને ભય વ્યાપી ગયો હતો તે પાછા નિર્ભય થઈ ગયા. પરંતુ પેલા ‘ભીંડીપા’ વાળા જુગારના સજા પામેલા આરોપી ઓ એતો અપીલમાં જવું જ પડયું શાહભાઈ એન્ડ કું. વાળા જુગારના કેસમાં પણ શાહભાઈના પિતા અને વિદ્વાન વકીલે પુરી તાકાતથી જયુભા અને જયદેવની ઉલટ તપાસ લઈ પરસેવો પાડયો પણ પોલીસની જુબાનીનું પૂરાવાકીય મૂલ્ય કાંઈ નહિ હોય પરિણામ પણ તેવું જ આવ્યું. પરંતુ શાહભાઈ એન્ડ કુંનાપિતા એ જયદેવને છેલ્લે એટલું તો કહ્યું કે ‘મારી જીંદગીમાં મારા કેસમાં પોલીસ વિરૂધ્ધ ફરિયાદ અરજી વગર કોઈ ખાલી ગયું નથી.

પરંતુ તમે તો મારા પુત્રને જ પકડીને ઉપરા છાપરી બે કેસો થતા બુટલેગર જેવી હાલત કરેલી છતા તમે એવી ચોકસાઈ અને તકેદારી રાખી કાબેલીયત વાપરેલી કે અમારી હાલત તો ‘ચોરનીમાં કોઠીમાં માથુ નાખીને રડે’ તેવી થયેલી તેથી તમારી વિરૂધ્ધ ફરિયાદ તો ઠીક પણ હજુ સુધી અમે કાંઈ બોલી શકીએ તેમ પણ નથી તમે ચારે બાજુ એવા પાકા સીલ અને રેણ મારી દીધા છે. કે અમો તમારી વિરૂધ્ધ કાંઈ કરી પણ શકયા નથી!

જયદેવ કોર્ટમાં જ આ શબ્દો નિર્લેપ ભાવે સાંભળતો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.