Abtak Media Google News

સગર્ભા પ્રેમીકા પર પ્રેમીએ પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દેતા બંને ગંભીર રીતે દાઝયા : પિતાની ઉમરના પરિણીત પ્રેમી સાથેના આડાસંબંધનો કરૂણ અંજામ: પ્રેમિકાના પતિએ બંનેને હોસ્પિટલ પહોચાડયા

પ્રેમના વહેમમાં રહેલા પરિણીત યુગલ વચ્ચે ગમે તે વાંધો પડતા પરિણીત પ્રેમીએ સગર્ભા પ્રેમિકા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવ્યા બાદ પોતે પણ અગ્નિસ્નાન કરતા બંને ગંભીર રીતે દાઝતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા રાણી ટાવર પાછળ રહેતા આરએમસીના કવાર્ટરમાં રહેતા ચેતન વનમાળીદાસ પલાણ નામના ૪૦ વર્ષના વિપ્ર યુવાન અને એરપોર્ટ રોડ પર આવેલા ચંદ્રનગરમાં રહેતી એકતાબેન હિતેશભાઇ મોટવાણી નામની ૨૨ વર્ષની સિંધી પરિણીતાને ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એકતાબેન મોટવાણી પરિણીત છે અને તેણીના પિતાની ઉમરના ચેતન પલાણ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને એકતાએ પ્રેમ સંબંધ તોડી નાખતા બંને વચ્ચે થયેલી બોલાચાલીના કારણે ચેતન પલાણ ઉશ્કેરાયો હતો અને બાઇક પર ચંદ્રનગર પહોચ્યો હતો અને પોતાના શરીરે પેટ્રોલ છાટી દિવાસળી ચાંપી દીધા બાદ ત્યાં ઉભેલી પોતાની પ્રેમીકા એકતા મોટવાણીને બથ ભરી લેતા બંને ગંભીર રીતે દાઝયા હતા.

એકતાબેનના પતિ હિતેશ હસમુખદાસ મોટવાણી પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંનેને સારવાર માટે ૧૦૮ની મદદથી હોસ્પિટલ ખસેડયા છે. જયાં બંનેની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. એકતાબેન મોટવાણી સગર્ભા હોવાનું જાણવા મળે છે. ચેતન પલાણ રિક્ષા ચલાવે છે. બંને વચ્ચે દોઢેક વર્ષથી પ્રેમ સંબંધ હતો અને છ માસ પહેલાં એકતાએ પ્રેમ સંબંધ તોડી નાખતા અ્ગ્નિસ્નાન કર્યાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.