Abtak Media Google News

નવા વર્ષે ભારતનો જીત સાથે શુભારંભ

શિવમ માવીએ ડેબ્યુ મેચમાં ચાર વિકેટ ઝડપી ડેબ્યુંમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ત્રીજો ભારતીય બોલર બન્યો: હૂડાની તાબડતોબ 41 રનની ઇનિંગે મેન ઓફ ધ મેચ બનાવ્યો

ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં શ્રીલંકાને રોમાંચક મેચમાં 2 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે વર્ષ 2023ની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ ટી20 મેચમાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી પોતાના ટી20 કરિયરની પ્રથમ મેચ રમી રહેલ શિવમ માવી જીતનો હીરો રહ્યો હતો. માવીએ ચાર વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. દિપક હુડાએ પણ તાબડતોબ બેટીંગ કરતા 23 બોલમાં શાનદાર 41 રન ફટકાર્યા હતા અને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે હજુ ભારત માટે ડેથ ઓવર માથાના દૂખાવા સમાન બન્યો છે. 19મી ઓવરમાં હર્ષલ પટેલ 16 રન આપ્યા હતા જો કે છેલ્લી ઓવરમાં શ્રીલંકાને 15 રન જોતા હતા અક્ષરે આ પંદર રન રોકી ભારતને મેચ જીતાવી હતી.

Advertisement

ભારતે આપેલા 163 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને બીજી ઓવરમાં ઝટકો લાગ્યો હતો. પથુમ નિસાંકા 1 રન બનાવી શિવમ માવીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શિમવ માવીએ પોતાની બીજી ઓવરમાં ધનંજય ડિ સિલ્વા (8) ને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. શ્રીલંકાએ પાવરપ્લેમાં 2 વિકેટે 35 રન બનાવ્યા હતા.

શ્રીલંકાએ 47 રન પર અસલંકા (12) ના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ કુસલ મેન્ડિસ (28) રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. મેન્ડિસે 25 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. ભાનુકા રાજપક્ષે 10 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. શ્રીલંકાએ 68 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હસરંગા અને શનાકા વચ્ચે 40 રનની ભાગીદારી થઈ હતી. હસરંગા 10 બોલમાં બે સિક્સ અને એક ચોગ્ગા સાથે 21 રન બનાવી આઉટ થયો હતો.

ભારતીય ટીમે 94 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ દીપક હુડ્ડા અને અક્ષર પટેલે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને ભારતનો સ્કોર 160ને પાર પહોંચાડ્યો હતો. દીપક હુડ્ડા 23 બોલમાં 4 સિક્સ અને એક ચોગ્ગા સાથે 41 રન બનાવી અણનમ રહ્યો હતો. તો અક્ષર પટેલે 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ સાથે અણનમ 31 રન બનાવ્યા હતા. બંનેએ 35 બોલમાં 68 રનની ભાગીદારી કરી હતી. શ્રીલંકા તરફથી દિલશન મધુશંકા, મહેશ તીક્ષણા, ચમિરા કરૂણારત્ને, ધનંજય ડિ સિલ્વા અને વનિંદુ હસરંગાએ એક-એક સફળતા મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.