Abtak Media Google News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ અમિત ચાવડાના રાજીનામાના

ભાજપ માત્ર 24 કલાકમાં નવા મુખ્યમંત્રી શોધી કાઢે છે, કોંગ્રેસ મહિનાઓ સુધી પ્રદેશ પ્રમુખ પણ શોધી શકતી નથી: નવા સુકાનીની રેસમાં પણ જૂના જ મુરતીયા: કાર્યકારી પ્રણાલીમાંથી કોંગ્રેસ ક્યારે બહાર આવશે ?

ગુજરાતમાં ગત ફેબુ્રઆરી માસમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામુ આપી દીધુ હતું. રાજીનામાના આઠ-આઠ માસ બાદ હવે કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂક માટે ઢોલ ટીપ્યા છે. જો કે સૌથી મોટી આશ્ર્ચર્યની વાત એ છે કે, અગાઉ જેના નેતૃત્વમાં કોંગ્રેસે પરાજયના ઘા સહન કરવા પડ્યા હતા. ફરી તે નેતાઓના નામો પ્રમુખ પદની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે. ભાજપ માત્ર 24 કલાકમાં નવા મુખ્યમંત્રી શોધી કાઢે છે. જેની સામે કોંગ્રેસ આઠ-આઠ મહિનાઓ સુધી પ્રદેશ પ્રમુખ પણ શોધી શકતી નથી. ક્ાર્યકારી નેતૃત્વની પ્રણાલીમાંથી કોંગ્રેસે હવે બહાર નિકળવાની તાતી જરૂરિયાત છે.

સત્તાધારી પક્ષ ભાજપે ગુજરાતમાં ફરી રેકોર્ડબ્રેક બેઠકો જીતી સત્તા હાસલ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. મુખ્યમંત્રી સાથે આખુ મંત્રી મંડળ ગણતરીની કલાકોમાં ફેરવી નાખ્યું હતું. બીજી તરફ છેલ્લા અઢી દાયકાથી રાજ્યમાં સત્તાથી વિમુખ કોંગ્રેસને ગુજરાતમાં સત્તાસુખ પામવાનો અભરખો પુરો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામુ આપી દીધુ છે. છતાં તેઓનું રાજીનામુ સ્વિકારવાના બદલે પ્રમુખ તરીકે ચાલુ રાખવામાં આવ્યો છે. હાઈ કમાન્ડ દ્વારા ગુજરાતના પ્રભારી તરીકે રઘુ શર્માની વરણી બાદ હવે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની વરણી માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

પરંતુ સૌથી મોટી વાત એ છે કે અગાઉ જેના નેતૃત્વમાં કોંગ્રેસ વિધાનસભાથી લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હારી ચૂકી છે તેવા ભરતસિંહ સોલંકી, અર્જૂનભાઈ મોઢવાડીયા અને શક્તિસિંહ ગોહિલના નામો પ્રમુખ પદ માટે ચાલી રહ્યાં છે. આ ઉપરાંત હાર્દિક પટેલનું નામ પણ ચર્ચામાં છે. ભાજપને હરાવવાની વાત દૂર રહી થોડી-ઘણી ટક્કર પણ આપવી હશે તો કોંગ્રેસ કોઈ નવા નેતાને ગુજરાતની કમાન સોંપવી પડશે અને વર્ષોથી ઘર કરી ગયેલી કાર્ય પ્રણાલીને નાબૂદ કરવી પડશે.

અનેક શહેરોમાં હજુ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખના સહારે પોતાનો વહિવટ ચલાવી રહી છે. હજી વિધાનસભાની ચૂંટણીના આડે એક વર્ષનો સમયગાળો બાકી છે. ચૂંટણી જીતવા માટે પાયાનો સિદ્ધાંત છે કે, પક્ષનું સંગઠન મજબૂત હોવું જોઈએ. કોંગ્રેસમાં હાલ સંગઠનના નામે શુન્ય છે. બોટમથી લઈ ટોપ બધુ સુમસામ છે. હવે શક્ય તેટલા ઝડપી નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવે તે જ કોંગ્રેસના હિતમાં છે.

નવા નેતૃત્વ પર જો ભરોસો નહીં કરવામાં આવે તો કોંગ્રેસની સ્થિતિ સતત કથળતી રહેશે. ગુજરાતમાં હવે કોંગ્રેસ કંઈ ગુમાવવા જેવું નથી. નવા ચહેરાને તક આપી પક્ષને મજબૂત કરવાની આવશ્યકતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.