Abtak Media Google News

અમુલ તાજા મિલ્ક, અમુલ ટી સ્પેશ્યલ, કુલ ક્રિમ અને સ્ટાન્ડર્ડ મિલ્કના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા: સંતુષ્ઠી આઈસ્ક્રીમમાંથી લેવાયેલા અંજીર પેશન આઈસ્ક્રીમ અને આનંદનગરમાંથી પકડાયેલું નકલી માખણનો નમુનો ફેઈલ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના દ્વારા ચોમાસાની સીઝનમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે આજે શહેરના દૂધસાગર રોડ પર આવેલા રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી)માંથી અમુલ બ્રાન્ડ દૂધના અલગ અલગ ચાર નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાજય સરકારની સુચના અન્વયે રાજયની તમામ સહકારી તથા ખાનગી દૂધ ઉત્પાદક સેન્ટરોમાં દૂધ-દહીંની પ્રોડકટની ગુણવતા તથા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડને અમલીકરણ માટે કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેના સંદર્ભે આજે રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગની ટીમ દ્વારા શહેરના દૂધસાગર રોડ પર આવેલી રાજકોટ જિલ્લા સહકારી દૂધ મંડળી ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી)માં ઉત્પાદનની પ્રક્રિયા, પેકીંગ, સ્ટોરેજ અને ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટની જોગવાઈ અન્વયે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ અમુલ તાજા, મિલ્ક (પેકેડ), અમુલ ટી સ્પેશ્યલ મિલ્ક (પેકેડ), પાશ્ર્વરાઈઝડ કુલ ક્રિમ મિલ્ક અને પાશ્ર્વરાઈઝડ સ્ટાન્ડર્ડ મિલ્કના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગત ૧૫મી મેના રોજ આરોગ્ય શાખા દ્વારા આનંદનગર કોલોનીમાં હનુભા રાઠોડ દ્વારા નકલી માખણ બનાવવાનું જે કારસ્તાન ચલાવવામાં આવતું હતું તે પકડી પાડવામાં આવ્યું હતું અને ૨૫૦ કિલો માખણનો નાશ કરી નમુના લેવામાં આવ્યા હતા. જેમાં હનુભા રાઠોડને ત્યાંથી લેવામાં આવેલા માખણના નમુનામાં માખણમાંથી વેજીટેબલ ઓઈલ અને ઘીનું પ્રમાણ મળી આવ્યું હતું. આ ઉપરાંત રાજલક્ષ્મી સોસાયટીમાં રસિકભાઈ લીંબાસીયાને ત્યાંથી પણ માખણનો નમુનો લેવામાં આવ્યો છે. જેમાં પરીક્ષણ દરમિયાન માખણમાંથી વેજીટેબલ ઓઈલ અને વેજીટેબલ ઘીનું પ્રમાણ મળી આવ્યું હતું. બંને નમુના પરીક્ષણમાં નાપાસ થયેલા જાહેર કરવામાં આવ્યા છે. રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા સંતુષ્ઠી શેઈક એન્ડ મોર માંથી અંજીર પેશન આઈસ્ક્રીમનો નમુનો લેવામાં આવ્યો હતો. જેનો રીપોર્ટ પણ ફેઈલ થયાનું જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.