Abtak Media Google News

રાજય સરકારના આદેશ મુજબ ડિઝાઈનમાં ફેરફાર થતા બંને બ્રીજ હવે રૂ.૬૩.૬૩ કરોડમાં બનશે: કારપેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિ માટે દર અને નિયમો નકકી કરવા સહિતની ૫૧ દરખાસ્તો અંગે શનિવારે લેવાશે સ્ટેન્ડિંગમાં નિર્ણય.

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી અને રૈયા ચોકડી પાસે બ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. મહાપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઈનમાં રાજય સરકારે ફેરફાર કરતા હવે બ્રીજની ડિઝાઈનમાં ૨૦૦ મીટર જેટલો વધારો થયો છે. દરમિયાન મવડી અને રૈયા ચોકડી બ્રીજ માટે વધારાનો રૂ.૧૫.૧૭ કરોડનો ખર્ચ મંજુર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આગામી શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિમાં દર અને નિયમો નકકી કરવા સહિતની ૫૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી રોડ જંકશન પર ૪૭૫ મીટરનો ફોરલેન ફલાય ઓવરબ્રીજ બનાવવા માટે અગાઉ રૂ.૨૨.૬૬ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. જયારે રૈયા ચોકડી ખાતે ૫૨૬ મીટરનો બ્રીજ બનાવવા માટે રૂ.૨૫.૮૦ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. મહાપાલિકાએ તૈયાર કરેલી ડિઝાઈન મંજુરી અર્થે રાજય સરકાર સમક્ષ મોકલવામાં આવી હતી. જેમાં સરકારે બંને બ્રીજની ડિઝાઈનમાં ફેરફાર સુચવ્યો હતો. મવડી બ્રીજની લંબાઈ ૪૭૫ મીટરથી વધી ૫૬૫ મીટર જેવી થવા પામે છે અને બ્રીજ હવે મુનલાઈટ માર્બલથી સોપાન એમ્પાયર સુધી જયારે ઉતર-દક્ષિણના પશ્ર્ચિમ ભાગ તરફ મહાદેવ ઓટો કેરથી પટેલ બેકરી સુધી બનશે. બ્રીજની લંબાઈમાં વધારો થતા વધારાનું રૂ.૭.૬૧ કરોડનો ખર્ચ થશે.

તેઓએ ઉમેર્યું હતું કે, રૈયા ચોકડીએ ૫૨૬ મીટર ફોરલેન બ્રીજ બનાવવા માટે અગાઉ રૂ.૨૫.૮૦ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં રાજય સરકારે ડિઝાઈનમાં ફેરફાર કર્યો છે.

બ્રીજ હવે ઉતર-દક્ષિણના પૂર્વ ભાગે નાણાવટી ચોકથી મોદી સ્કૂલ સુધી અને ઉતર-દક્ષિણના પશ્ર્ચિમ ભાગ તરફ નાગરીક બેંકથી નાણાવટી ચોક સુધીના વિસ્તારમાં ૬૨૨ મીટરનો બનશે. જેના માટે વધારાનો રૂ.૭.૫૬ કરોડનો ખર્ચ મંજુર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. અગાઉ આ બંને બ્રીજ માટે અનુક્રમે રૂ.૨૨.૬૬ કરોડ અને ૨૫.૮૦ કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. હવે ડિઝાઈનમાં ફેરફાર થતા અને લંબાઈમાં વધારો કરાતા રૂ.૧૫.૧૭ કરોડનો વધારાનો ખર્ચ મંજુર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે. હવે બંને બ્રીજ રૂ.૬૩.૬૩ કરોડમાં બનશે.

આ ઉપરાંત આગામી શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કારપેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિ હેઠળ વેરાના દર નકકી કરવા અને નિયમો બનાવવા સહિતની અલગ-અલગ ૫૧ દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.