Abtak Media Google News

પશુમાં લમ્પી વાયરસના  લક્ષણો દેખાય તો 1962 હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરવો

હાલ ચોમાસાની ઋતુમાં ગાય/ભેંસમાં નવો રોગ લમ્પી સ્કીન ડીસીઝ-ગાંઠદાર ચામડીનો રોગનું પ્રમાણ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. જેથી આ નવા રોગનો જિલ્લામાં વધુ ફેલાવો ન થાય તે માટે જરૂરી પગલાં લેવા આવશ્યક બની જાય છે.

આ રોગ વાયરસ(વિષાણુ)થી ફેલાતો ચેપી રોગ છે. માખી અને મચ્છર આ ત્વચાનો રોગ ગાય અને ભેંસમાં ફેલાવવામાં મુખ્ય પરિબળ તરીકે કામ કરે છે. ઇતરડીને પણ રોગનો ફેલાવ કરવામાં જવાબદાર ગણવામાં આવે છે. સામાન્ય રીતે લોહી પીતા પરોપજીવી દ્વારા રોગિષ્ટ પશુમાંથી તંદુરસ્ત પશુમાં આ રોગ ફેલાય છે. આ એક ચેપી રોગ છે જે અસર કરતા તરત જ ચામડીને જાડી કરે છે અને પશુ માંદુ પડે છે.

આ રોગમાં પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા, દૂધ ઉત્પાદન ઘટવું, ખાવામાં તકલીફ પડવી, ગાભણ પશુ તરવાઈ જાય વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.આ રોગને અટકાવવા તેમજ નિયંત્રણ માટે રોગીષ્ટ પશુઓને સૌપ્રથમ અલગ કરવું, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું, યોગ્ય દવાઓ દ્વારા માખી મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, પ્રથમ છ મહિનાની ઉંમરે અને ત્યારબાદ દર વર્ષે રસીકરણ દ્વારા રોગ નિયંત્રણ કરવું, રસી ન મૂકેલી તેવા મોટા પશુને ગમે ત્યારે પણ રસી મુકાવવી વગેરે પગલાંઓ લેવા જરૂરી છે.પશુમાં લમ્પી સ્કિન ડીસીઝના લક્ષણો જણાય તો તરત જ 1962 હેલ્પ લાઈન નંબરનો કે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા મોરબી જિલ્લા વહિવટીતંત્ર તેમજ નાયબ પશુપાલન નિયામક કટારા દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરાઈ છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.