Abtak Media Google News
  • 100 એકર જમીન ઉપર રૂ. 250 કરોડના ખર્ચે હાથ ધરાશે પ્રોજેક્ટ
  • એરોસ્પેસ ટ્રેનીંગ, રીસર્ચ તથા નાના ઉત્પાદન કેન્દ્ર  ઉપરાંત લોકો અવકાશી ઉડ્ડયન અંગે જાણી શકે તે હેતુથી અહી ખાસ એક મનોરંજન પાર્ક પણ બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ બાદ વધુ એક ભેટ આપી છે. રાજકોટમાં ભવ્ય એવિએશન પાર્ક બનાવવાને લીલીઝંડી મળી હોવાનું જાણવા મળ્યું છે. સરકાર દ્વારા અંદાજે 100 એકર જેટલી જમીન ઉપર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે.

રાજ્ય સરકાર દ્વારા અગાઉ આ એવિએશન પાર્કનો પ્રોજેક્ટ માટે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર બગોદરા પાસેનું સ્થન પસંદ કરવામાં આવ્યું હતું. જો કે આ જમીન સમથળ ન હોવાના કારણે ત્યાં પ્રોજેક્ટ કરવાનું માંડી વાળવામાં આવ્યું હતું. વધુમાં અહીથી હેવી ટ્રાન્સમીશન લાઈન પણ પસાર થતી હોવાની તે સ્થળ નક્કી કરાયું ન હતું.

બાદમાં આ મહત્વના પ્રોજેક્ટ માટે રાજકોટની પસંદગી કરવામાં આવી છે. રાજકોટની ભાગોળે હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. ત્યારે તેની નજીકમાં જ 100 હેકટર જમીનમાં એવીએશન પાર્ક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ એવિએશન પાર્કમાં નાના વિમાનો અને હેલિકોપ્ટરનું મેન્યુફેક્ચરિંગ ઉપરાંત તેનું મેઇન્ટેનન્સ પણ હાથ ઘરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. એવિએશન પાર્ક રૂા.250 કરોડના ખર્ચે ઉભો કરવામાં આવશે. જેમાં એરોસ્પેસ ટ્રેનીંગ, રીસર્ચ તથા નાના ઉત્પાદન કેન્દ્ર પણ ઉપરાંત લોકો અવકાશી ઉડ્ડયન અંગે જાણી શકે તે હેતુથી અહી ખાસ એક મનોરંજન પાર્ક પણ હશે જયાં લોકો એવીએશન, એરોસ્પેસ વિષે જાણી શકશે. આ એવીએશન પાર્કમાં વિશાળ, એર સ્ટ્રીપ, હેલીપેડ, એરોનોટીકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના ઉત્પાદન એકમો તથા આ ક્ષેત્રના સંશોધન કેન્દ્ર પણ હશે. ખાસ કરીને આ પાર્કમાં નાના વિમાનોની મરામત જાળવણી પણ થઈ શકશે.

રાજકોટના ઓટો એન્જીનીયરીંગ ઉદ્યોગને મળશે વેગ

ગુજરાતના નાગરિક ઉડ્ડયન સચીવ હરીત શુકલાએ આ માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાત સ્ટેટ એવીએશન ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની આ પાર્ક પ્રોજેકટ લોન્ચ કરશે. રાજકોટ એ ઓટો તથા એન્જીનીયરીંગ ઉત્પાદનમાં હબ છે. અહી દુનિયાભરની ઓટો તથા વિમાની કંપનીઓ માટે નાના પાર્ટસ ધરાવતા એકમો છે અને તેની આ ઉદ્યોગને પણ નવી તક મળશે. ઉપરાંત અહી ફલાઈટ સીમ્યુલેટર્સ એવીએશન એન્ડ એરોસ્પેસ મેનેજમેન્ટ સ્કુલ વિ. સ્થાપવામાં આવશે. નાના વિમાનો અહી લેન્ડ થઈ શકશે. આ પાર્ક આગામી બે વર્ષમાં કાર્યરત થઈ જશે.

એવિએશન પાર્ક વન સ્ટોપ ડેસ્ટિનેશન સમાન પુરવાર થશે

એવિએશન પાર્કમાં મ્યુઝિયમ, એરસ્ટ્રિપ, ટ્રેનિંગ સ્કૂલ, હેલિપેડ જેવી એવિએશનને લગતી સુવિધાઓ હશે. તેનાથી વિદ્યાર્થીઓ, પ્રોફેશ્નલ, પોલિસી મેકર્સમાં એવિએશન સેક્ટર અંગેની જાગૃતિમાં વધારો થશે. એરોસ્પેસ ટ્રેનિંગ, રીસર્ચ, મેન્યુફેક્ચરિંગ માટે આ એવિએશન પાર્ક વન સ્ટોપ ડેસ્ટિનેશન સમાન પુરવાર થઇ શકે છે. આગામી સમયમાં ગુજરાતમાં વધુ ફ્લાઇંગ સ્કૂલ શરૃ કરવા પણ વિચારણા કરી રહ્યા છીએ. ’

એવિએશન ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છુંકોને ઘરઆંગણે મળી શકશે તાલીમ

આ એવિએશન પાર્કમાં ફ્લાઇટ સિમ્યુલેટર, એરોસ્પેસ મેનેજમેન્ટ સ્કૂલ, એરક્રુ ટ્રેનિંગ સ્કૂલ પણ આ એવિએશન પાર્કમાં રાખવામાં આવે તેની સંભાવના છે. એર-શો થઇ શકે તેના માટેની જગ્યા પણ એવિએશન પાર્કમાં ફાળવાશે. આ એવિએશન પાર્કથી એરોસ્પેસ અને એવિઓનિક્સ સાથે સંકળાયેલાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીનો ફાયદો મળી શકે છે. આ એવિએશન પાર્કમાં એરક્રાફ્ટના સ્પેર પાર્ટ્સ બનાવવા માટેનું નાનકડું મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવામાં આવશે.

પ્લેન મેઇન્ટેનન્સની ઘરઆંગણે સવલત મળતા વિદેશી હૂંડિયામણ બચશે

નાના વિમાનોનું મેઇન્ટેનન્સ સિંગાપોર અને દુબઇ જેવા દેશોમાં થઈ રહ્યું છે. આપણે ત્યાંથી મોટાભાગના વિમાનોને ત્યાં મેઇન્ટેનન્સ માટે જવું પડે છે. જેના કારણે વિદેશી હૂંડિયામણનો વ્યય થાય છે. હવે આ સવલત ઘરઆંગણે મળશે એટલે વિદેશી હૂંડિયામણની બચત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.