Abtak Media Google News

મુખ્યમંત્રી કક્ષાએથી અગ્રસચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં એક મહિલા અધિકારીઓની કમિટીની રચના કરી તપાસ કરવાનો હુકમ : આણંદ કલેકટરનો ચાર્જ ડીડીઓ મિલિંદ બાપનાને સોંપી દેવાયો

આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમના સ્થાને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ડીએસ ગઢવીની એક કથિત વિડીયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં તેઓ એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે. ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવતા ગુજરાતના વહિવટી તંત્રમાં ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં તેમની સામે તપાસ પણ કરવામાં આવશે. અગ્રસચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી તપાસ કરવાનો હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં થોડા સમય અગાઉ એક ઘટના બની હતી. એક વિડીયો વાયરલ થયો હતો જેમાં જોવા મળે છે કે કલેક્ટર કચેરીમાં જ નિવૃત્તિની આરે આવેલા આ ઉચ્ચ અધિકારી એક મહિલા સાથે અંગત પળો માણતા જોવા મળે છે. આ વિડીયો જાન્યુઆરી મહિનાનો છે. આ વિડીયો વાયરલ થયા બાદ કલેક્ટર ડીએસ ગઢવી સામે પગલા લેવામાં આવ્યા છે. આ અંગે મુખ્યમંત્રી કક્ષાએથી આદેશ આપવામાં આવ્યા છે અને એક સમિતિની રચના કરવામાં આવી છે.

આ સમિતિમાં મહિલા અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષ ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે. આ સમિતિ આ ઘટના અંગેની તપાસ કરશે. આણંદના કલેક્ટર ડીએસ ગઢવી 2008ની બેચના આઈએએસ અધિકારી છે. તેઓ સુરત ડીડીઓ સહિત ઘણી જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે. તેમને સસ્પેન્ડ કરતાં આણંદ કલેકટરનો ચાર્જ ડીડીઓને સોપાયો છે. જોકે, કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં સન્નાટો છવાઈ ગયો છે.

20 જીએએસ અધિકારીઓના પે મેટ્રિક્સમાં વધારો

જનરલ એડમિનિસ્ટ્રેટિવ વિભાગ દ્વારા રાજ્યના 20 જીએએસ અધિકારીઓના પે મેટ્રિક્સ લેવલ 12 ( રૂ.78,800થી 2,09,200) થી વધારીને લેવલ 13 ( રૂ.1,23,000 થી 2,15,900) કર્યા છે. જેમાં જામનગર ડીઆરડીએ ડાયરેકટર એન.એફ.ચૌધરી, કચ્છ-ભુજના એડિશનલ કલેકટર એમ.પી. પંડ્યા, અમરેલી એડિશનલ કલેકટર આર.વી.વાળા, અરવલ્લી એડિશનલ કલેકટર એન.ડી. પરમાર, નર્મદા એડિશનલ કલેકટર સી.એ.ગાંધી, અમદાવાદ રીજનલ કમિશનરના એડિશનલ કલેકટર કે.એસ. ઝાલા, અરવલ્લી ડીઆરડીએ ડાયરેકટર આર.એન. કુચારા, ચીફ મિનિસ્ટરના સ્પે.ઓફિસર આર.વી.વ્યાસ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.