Abtak Media Google News

ગિરનારની ગિરીમાળાઓનું અહલાહક દ્રશ્યોની પ્રવાસીઓ મોજ માણી શકશે

ખરાબ વાતાવરણ અને ભારે પવનના લીધે છેલ્લા 20 દિવસથી બંધ રહેલા ગિરનાર પર્વત પરનો રોપવે શ્રાવણ માસ અને નજીક આવતા તહેવારો ઉપર ઉષા બ્રેકો કંપની દ્વારા પૂર્વવત કરવામાં આવતા પ્રવાસીઓમા ખુશીની લહેર ઉઠી છે. તે સાથે આગામી તહેવારોને લઈને પ્રવાસીઓ મોટી સંખ્યામાં આ રોપવેનો લાભ લેશે અને શ્રાવણ માસ નિમિત્તે રોપવેનું સંચાલન કરતી કંપની દ્વારા સ્કીમ પણ મુકાશે તેવું મનાઈ રહ્યું છે. હાલમાં ચોમાસાનો સમય ચાલી રહ્યો હોય અને વારંવાર વાતાવરણમાં પલટો આવતો હોવાની સાથે ભારે પવન પણ ફુકાતા હોવાથી છેલ્લા 20 દિવસથી ગિરનાર રોપવે સેવા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને ઉષા બેંકો કંપની દ્વારા બંધ રાખવામાં આવી હતી. પરંતુ ગઈકાલથી પવનની ગતિ ઘટવાની સાથે હવામાન સ્વચ્છ થતા અને વિઝીબલીટી પણ ઓકે છતાં રોપવે સેવા ફરી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ઉષા બ્રેકો કંપની દ્વારા જાણવા મળી રહ્યું છે.

જૂનાગઢના જગવિખ્યાત ભવનાથ શ્રેત્રમાં આવેલ ભવનાથ મંદિરમાં બિરાજતા ભવનાથ મહાદેવ સહિતના મંદિરો, આશ્રમ અને અહીંના સંતો, મહંતોના દર્શન કરવા માટે શ્રાવણ માસમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે. તે સાથે શ્રાવણ માસમાં આવતા ગણેશ ચતુર્થી, રક્ષાબંધન, સાતમ – આઠમ જેવા તહેવારોમાં પણ પ્રવાસીઓ મોટા પ્રમાણમાં ભવનાથની સાથે ગિરનાર પર્વત પર બિરાજતામાં અંબાજી અને ગુરુદત્તાત્રેયના દર્શન કરવા આવતા હોય છે ત્યારે ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવેલ  રોપવે પૂર્વવત્ કરવામાં આવતા પ્રવાસીઓ જૂનાગઢના ગરવા ગિરનાર પરના એશિયાના સૌથી લાંબા અને ઊંચા રોપવેની સફર માણી શકશે.

જો કે એક વાત એવી પણ સંભળાઈ રહી છે કે, આગામી તહેવારોને લઈને ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રવાસીઓ વધુ પ્રમાણમાં સફર કરી શકે તે માટે  પ્રવાસીઓને આકર્ષવા નવી સ્કીમની પણ જાહેરાત કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.