Abtak Media Google News

પુરવઠાનું સર્વર ઠપ્પ : જન્માષ્ટમી ઉપર ગરીબો અનાજથી વંચિત રહેવાની ભીતિ

એકસામટા તમામ વેપારીઓએ ચલણ ભરવાના પ્રયત્ન કરતા ટેક્નિકલ ખામી સર્જાઈ, હવે કાલે ચલણ ભરાય અને સાતમે માલ મળે તો મોટાભાગના રેશનકાર્ડ ધારકો માલ લેવા જ ન આવે તેવી શકયતા

સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ સમેટાયા બાદ હવે સર્વર ઠપ્પ થયાનું નવું વિઘ્ન આવ્યું હોય ગરીબોને સસ્તા અનાજનો જથ્થો જન્માષ્ટમી ટાણે જ ન મળે તેવી ભીતિ સેવાઈ રહી છે. જોકે આ મામલે વેપારીઓએ જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત પણ કરી છે.

રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોએ મિનિમમ રૂ.20,000 વેતન અને માલમાં આવતી ઘટના પ્રશ્ને અસહકાર આંદોલન ચલાવ્યું હતું. જેમાં તેઓએ સપ્ટેમ્બર મહિનાનો માલ ઉપાડવાની મનાઈ ફરમાવી દીધી હતી. જોકે સરકાર તુરંત આ મામલે હરકતમાં આવી હતી અને એસોસિએશનના બંને પ્રમુખો સાથે તાકીદે બેઠક યોજી મિનિમમ રૂ. 20,000 નું વેતન આપવાને મંજૂરી આપી હતી. પરિણામે આ હડતાલનો સુખદ અંત આવ્યો હતો.

ત્યારબાદ આજરોજ તમામ વેપારીઓએ ચલણ ભરવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ એક સામટા તમામ વેપારીઓએ ચલણ માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરી હોય પુરવઠા વિભાગનું સર્વર ઠપ થઈ ગયું હતું. જેના કારણે વેપારીઓ ચલણ કરી શક્યા ન હતા આજરોજ સસ્તા અનાજના દુકાનદારો હડતાલનો સુખદ અંત આવવા બદલ જિલ્લા પુરવઠા અધિકારીનો આભાર વ્યક્ત કરવા આવ્યા હતા. આ વેળાએ વેપારીઓએ સર્વર ઠપ્પ થવા મુદ્દે રજુઆત પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે તા. 6 થી સાતમ આઠમનો પર્વ શરૂ થઈ રહ્યો હોય તે પહેલા જ ગરીબો દર વર્ષે સસ્તા અનાજનો જથ્થો મેળવી લેતા હોય છે. ઉપરાંત તહેવાર નિમિત્તે વધારાના તેલ અને ખાંડ પણ રેશનકાર્ડ ધારકોને મળતા હોય છે. પરંતુ આ વખતે આજે બપોર સુધી ચલણ જ ભરાયું ન હોય હવે જો આવતીકાલે કદાચ સર્વર બરાબર રીતે ચાલવા લાગે અને વેપારીઓના ચલણ ભરાઈ જાય તો પણ તેઓને સસ્તા અનાજનો જથ્થો તા. 6ના રોજ મળવાનો હોય મોટાભાગના ગરીબો સુધી આ રાશનનો જથ્થો ન મળે તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.