Abtak Media Google News
  • છોકરાના ડખ્ખામાં સમાજના અગ્રણીને માર મારતાં વચ્ચે પડેલા આધેડ સહિત બેનાં મોત નીપજતાં બનાવ ડબલ મર્ડરમાં પલટાયો
  • બંદૂકનો કુંદો માથામાં મારી દેતા કોમામાં રહેલા આધેડનું મોત નિપજ્યું: 35’દિ પહેલા સમાજ અગ્રણીનું મોત થયું’તું

ઊનાના સીમાસી ગામે થયેલા જૂથ અથડામણમાં ઘવાયેલા વધુ એક આધેડની લોથ ઢડતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો છે. છોકરાવના ડખ્ખામાં સમાજના અગ્રણી પર થયેલા હુમલામાં વચ્ચે પડેલા આધેડને પણ મોતને ઘાટ ઉતારી દેતાં ગામમાં ચકચાર મચી ગયો છે. 35 દિવસ પહેલા સમાજના અગ્રણીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે આધેડને પણ માથામાં બંદૂકનો કૂંદો મારતા લાંબા સમયથી કોમામાં રહેલા આધેડે આજ વહેલી સવારે દમ તોડ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઊના તાલુકાના સિમાસી ગામે ગત તા.23મી એપ્રિલના રોજ થયેલી માથાકૂટમાં બે હત્યા નીપજતાં નાના એવા ગામમાં માતમ છવાયો છે. સિમાસી ગામે રહેતા અને ખેત મજૂરી કરતા અબ્બાસભાઈ ભીખુભાઈ જુણેજા નામના 43 વર્ષના આધેડ પર તેના જ ગામના હુસૈન દાઉદ વાકોટ અને રહીમ ઉર્ફે બીડી સહિતના 100 જેટલા શખ્સોના ટોળાએ બંદૂક, તલવાર, છરી અને કુહાડી જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં લાંબા સમયથી કોમામાં રહેલા અબ્બાસ ભાઈનું આજ રોજ વહેલી સવારે મોત નીપજ્યું હતું. અગાઉ 35 દિવસ પહેલા સમાજના અગ્રણી હાજીભાઈ નુરુભાઈ કોરેજાનુ મોત થયું હોય જેના કારણે આ બનાવ ડબલ મર્ડરમાં પલટાયો છે.

આ અંગે વધુ મળતી માહિતી મુજબ સિમાસી ગામમાં 23મી એપ્રિલના રોજ છોકરાવની માથાકૂટમાં હુસૈન અને રહીમ સહિતના શખ્સોએ સંધી સમાજના આગેવાન હાજીભાઈને સમાધાન માટે બોલાવ્યા હતા. જ્યાં અગાઉથી તૈયાર 100 જેટલા શખ્સોના ટોળાએ બંદૂક, તલવાર, કુહાડી જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં અબ્બાભાઈ અને જુસેબભાઈ હાજીભાઇને બચાવવા વચ્ચે પડ્યા હતા. આ માથાકૂટમાં હાજીભાઇને માથામાં કુહાડીનો ઘા ઝીંકી દેતા તેને સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.

જયારે અબ્બાસભાઈને માથાના ભાગે બંદૂકનો કુંદો અને જુસેબભાઈને પગના ભાગે તલવારના આડેધડ ઘા મારતાં તેમને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજરોજ વહેલી સવારે કોમામાં રહેલા અબ્બાભાઇએ દમ તોડયો હતો. જેથી બનાવ બેવડી હત્યામાં પલટાયો છે. પોલીસે જે તે સમયે ફરિયાદ નોંધી 22 જેટલા હત્યારાઓની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.