Abtak Media Google News

હેમુગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલામહાકુંભનો શુભારંભ: 7 જિલ્લાના 900થી વધુ કલાકારોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, તેમજ જિલ્લા વહીવટી તંત્ર રાજકોટના માર્ગદર્શન હેઠળ હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલામહાકુંભ 2022-23 નો દિપપ્રાગટય વડે શુભારંભ મેયર ડો. પ્રદિપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, સાંસદ રામભાઈ મોકરીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી રાસ, લોકગીત ભજન, ભરતનાટ્યમ, વકતૃત્વ, લોકવાર્તા, તબલા અને ગીટાર તેમજ મોહીનીઅટ્ટમ સ્પર્ધાના 900 થી વધુ કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે.

મેયર ડો. પ્રદિપભાઈ ડવએ જણાવ્યું હતું કે, રાજય સરકારે વિકાસના વિજયમાર્ગ ઉપર સાંસ્કૃતિક અજવાળા પાથર્યા છે. કલાકારો સાંસ્કૃતિક ધરોહરના સાચા પ્રહરીઓ છે. કલાની ઉપાસનાથી અનેકવિધ સિધ્ધિઓ મેળવીને અનેક કલાકારોએ  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગણનાપાત્ર પ્રદાન કર્યુ છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો તે મહત્વનું છે.જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

15

ઢોલ, શરણાઈ, મંજીરા, પખવાજ, હારમોનીયમના સુરે ક્રૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારીકાને વાટે, તાતણીયા ધરા વાળામાં ખોડલ માં, આટલો સંદેશો મોકલો ગીતના શબ્દો પર મહાનુભાવો તથા ઉપસ્થિતોની તાલીઓથી નાટ્યગૃહ ગુંજી ઉઠ્યું હતું. આ સ્પર્ધામાં રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત રાજકોટ, જામનગર, જુનાગઢ અને ભાવનગર મહાનગરપાલીકા સહિતના 900 થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈ રહ્યા છે.

કલા મહાકુંભ થકી પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તક મળે છે: સાંસદ રામભાઈ મોકરીયા

આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે,”સૌનો સાથ સૌનો વિકાસ” અભિયાન હેઠળ સાંસ્કૃતિક વારસાનું પણ જતન થાય તે ઉદ્દેશને પરિપુર્ણ કરવા છેવાડાના  ગામડાઓથી માંડીને શહેરોમાં કલાને ઉત્તેજન આપતા વાતાવરણનું નિર્માણ થાય, પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તક મળે, અને કલાકારોની આંતરિક શક્તિઓને પુરસ્કૃત કરવાનો અભિગમ કેળવાય, તે હેતુથી કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. કલામહાકુંભ માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ શિક્ષકો અને કલાગુરુઓની આવડતનો પણ સત્કાર સમારંભ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.