Abtak Media Google News

કોર્પોરેશનની ઇંગ્લીશ મિડિયમ સ્કૂલમાં 75 બાળકોને નર્સરીમાં અપાયો પ્રવેશ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટની એસએનકે ગૃપના અને જેએચપી ફાઉન્ડેશનના સહયોગથી ચાલતી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વર્ષ 2023-24 માટે નર્સરીમાં પ્રવેશ માટે આજે ડ્રો કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વડીલો તેમના સંતાનો અંગ્રેજી માધ્યમમાં સારું શિક્ષણ મેળવે તેવી લાગણી ધરાવતા હોય છે. તેઓની આ ઈચ્છા પૂર્ણ કરવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળાઓઆશીર્વાદરૂપ ભૂમિકા ભજવે છે. ગરીબ હોવું એ પાપ કે ગુનો નથી તેનું બાળક પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે.

વાલીઓ અને શિક્ષકો બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે. વાલીઓએ વ્યસનથી દુર રહેવું જોઈએ.જો વાલીઓ વ્યસન ધરાવતા હશે તો જાણ્યે અજાણ્યે તેમના બાળકોમાં પણ તેમણે અનુસરીને વ્યસનની કુટેવ આવી જશે.

તાજેતરમાં જીલ્લા ફેરબદલી પ્રક્રિયા મારફત 201 શિક્ષકોની નિમણૂક કરી શાળાબોર્ડનું મહેકમ પૂર્ણ થયેલ છે. જેના કારણે શિક્ષણને વેગ મળશે.

આ અવસરે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે શિક્ષણના માધ્યમથી આજનું બાળક શિક્ષિત અને આદર્શ નાગરિક તરીકે પ્રસ્થાપિત થાય અને દેશનું નામ રોશન કરે તેવી અપીલ કરેલ હતી. લોકો જુદા જુદા ક્ષેત્રોમાં જોડાયેલા છે ત્યારે સમાજમાં વિશ્ર્વનિયતા હોય તો એક શિક્ષક પર છે અને શિક્ષકને લોકો ભગવાન સ્વરૂપે માને છે.

આ પ્રસંગે સૌ પ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરેલ. ત્યારબાદ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત સાથે સૌને આવકારેલ હતા તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોને શાળાની બાળાઓ દ્વારા પુસ્તક અને ખાદીના રૂમાલ આપી સ્વાગત કરેલ કાર્યક્રમના અંતે ત્રણેય ઝોનમાં આવેલી અંગ્રેજી શાળાઓમાં નર્સરીમાં પ્રવેશ માટે ડ્રો કરવામાં આવેલ. આ ઉપરાંત જીલ્લા ફેરબદલીની પ્રક્રિયાથી 201 શિક્ષકોની નિમણૂક થયેલ છે.આ શિક્ષકોને ટોકનરૂપે મહાનુભાવોના દ્વારા આવકારેલ અને નિમણૂંકપત્ર એનાયત કરાયા હતા.

વેસ્ટ ઝોનમાં આવેલ શ્રી રવિન્દ્રનાથ ટાગોર, પ્રાથમિક શાળા નં.64, ઇસ્ટઝોનમાં આવેલ ડો.હોમી જહાંગીર ભાભા શાળા નં.78 અને સેન્ટ્રલ ઝોનમાં આવેલ શ્રી નર્મદ શાળા નં.79માં દરેક સ્કુલમાં નર્સરી માટે 25 બાળકોની પસંદગી કરાયેલ જેમાં દરેક સ્કુલમાં 12 બોયઝ અને 13 ગર્લ્સનો સમાવેશ કરાયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ધર્મેન્દ્રભાઈ દવેએ કર્યું હતું.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઈ દવે, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નીતિનભાઈ રામાણી, નિરૂભા વાઘેલા, ડો.દર્શનાબેન પંડ્યા, રસીલાબેન સાકરીયા, કંકુબેન ઉઘરેજા, દક્ષાબેન વસાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવનિયુક્ત સભ્ય ઈશ્ર્વરભાઈ જીતિયા, વિક્રમભાઈ પૂજારા, હિતેશભાઈ રાવલ, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, રસિકભાઈ બદ્રકિયા, પ્રવિણકુમાર નિમાવત, અજયભાઈ પરમાર, સુરેશભાઈ રાઘવાણી, જયદીપભાઈ જલુ, જગદીશભાઈ ભોજાણી, રાજેશભાઈ માંડલીયા, સંગીતાબેન છાયા, જાગૃતિબેન ભાણવડીયા ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.