Abtak Media Google News

દિલ્લી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમની મેડિકલ કોલેજની મુલાકાત દરમિયાન ડીન ડો. સામાણીની સફળ રજૂઆત

સૌરાષ્ટ્રની મેડિકલ કોલેજમાં એમબીબીએસની સીટો વધતા રાજકોટ મેડિકલ કોલેજમાં માસ્ટર ડિગ્રીની સીટો વધશે

દિલ્લી એમ.સી.આઇ.ટીમ દ્વારા રેડીયોલોજી, પેથોલોજી, માઇક્રો બાયોલોજી અને એનેસ્થેસિયાલોજી વિભાગની સમીક્ષા કરી

રાજકોટ મેડિકલ અને સારવાર ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે તેનું જીવતું જાગતું ઉદાહરણ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ છે. પરંતુ તેની સાથોસાથ રાજકોટની સીવીલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પણ સારવારની વ્યવસ્થા અને સીટમાં વધારો કરવામાં આવી થયો છે. જેના કારણે રાજકોટ સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં મેડિકલ ક્ષેત્રનું હબ બનીને ઉભરી આવશે.

તેના એંધાણ હાલ જોવા મળી રહ્યા છે. રાજકોટ પીડિયું મેડિકલ કોલેજ દ્વારા કેન્દ્ર સરકારમાં જુદા જુદા વિભાગોમાં મેડિકલ સીટ વધારવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જેના પરિણામે દિલ્લીથી મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની ટીમ રાજકોટ મેડિકલ કોલેજની મુલાકાત માટે પહોંચી હતી. દિલ્લીના જુદા જુદા વિભાગના વડાઓ ગઇ કાલે મેડિકલ કોલેજ ખાતે ઇન્સ્પેકસન માટે પહોંચ્યા હતા.

રાજકોટ મેડિકલ કોલેજ દ્વારા રેડિયોલોજી વિભાગમાં હાલ 4 સીટ કાર્યરત છે જેમાં વધુ 6 સીટ વધારવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે એનેસસ્થેસિયા વિભાગમાં વર્તમાન સમયમાં 8 સીટ કાર્યરત છે જેમાં વધુ 8 સીટનો વધારો કરી 16 સુધી લઈ જવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. તેવી જ રીતે પેથોલોજી વિભાગમાં 8 સીટ કાર્યરત છે જેને 14 સુધી લઈ જવા માટે વધુ 6 સીટનો ઉમેરો કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. જ્યારે માઇક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટમાં હાલ 4 સીટ છે જેમાં વધુ બે સીટનો ઉમેરો કરી કુલ 6 સીટ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.

આ તમામ દરખાસ્તોને ધ્યાનમાં રાખી દિલ્લીથી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચારેય વિભાગોના અધિકારીઓ ઇન્સ્પેકસન માટે ગઇ કાલે રાજકોટ પિડિયુ મેડિકલ કોલેજ ખાતે આવ્યા હતા. જ્યાં મેડિકલ કોલેજના ડીન ડો.મુકેશ સામાણીની સફળ રજૂઆતને પગલે એમ.સી.આઇ.ની ટીમ દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો હતો.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા ચારેય વિભાગોમાં ચકાસણી કરવામાં આવી હતી. જેના પગલે ચારેય વિભાગોમાં દિલ્લી એમ.સી.આઇ.ની ટીમે સર્વે મુદ્દાઓ પર ઇન્સ્પેકસન કરીને પોતાના રિપોર્ટ મેળવ્યા હતા. આ સાથે મેડિકલ કોલેજના ડીન ડો.મુકેશ સામાણી દ્વારા પણ સફળ રજૂઆતને પગલે વધારાની સીટો ટૂંક સમયમાં જ રાજકોટ મેડિકલ કોલેજને મળી જશે તેવો વિશ્વાસ દાખવવામાં આવ્યો છે.

મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસ બાદ એમ.ડી. અને એમ.એસ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રાજકોટમાં જ સારું ભણતર મેળવે તે હેતુસર મેડિકલ કોલેજની સીટમાં વધારો કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારના સકારાત્મક અભિગમ બાદ દિલ્લી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તુરંત મેડિકલ કોલેજની મુલાકાત લઈ તાગ મેળવ્યો હતો. જેમાં દિલ્લીથી આવેલા અધિકારીઓએ તમામ વિભાગમાં જરૂરી મુદ્દાઓ સાથે તબીબોની સંખ્યા સહિતના તમામ મુદ્દા પર એચ.ઓ.ડી. અને મેડિકલ કોલેજના ડીન સાથે ચર્ચા વિચારણા કરી હતી.

પીડીયુ મેડિકલ કોલેજમાં બે સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો શરૂ કરવા દરખાસ્ત

રાજકોટની મેડિકલ કોલેજમાં દિલ્લીથી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ ઇન્સ્પેક્શન કરી રેડિયોલોજી, પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને એનેસસ્થેસિયાલોજીમાં સીટો વધારવા અંગે ચર્ચા વિચારણા કરી હતી. જેની સાથે રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો.મુકેશ સામાણીએ કેન્દ્ર સરકાર પાસે મેડિકલ કોલેજમાં બે સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો શરૂ કરવા માટે પણ દરખાસ્ત કરી છે.

રાજકોટને મેડિકલ ક્ષેત્રે હબ બનાવવા માટે કેન્દ્ર સરકાર પાસે મેડિકલ કોલેજમાં બર્ન્સ/પ્લાસ્ટિક સર્જરી અને ન્યુરોસર્જરી વિભાગોમાં સુપર સ્પેશિયાલિસ્ટ અભ્યાસ શરૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. વર્તમાન સમયમાં રાજકોટ મેડિકલ કોલેજમાં એમબીબીએસની સાથે સાથે એમડી અને એમએસ વિભાગોમાં મેડિકલ છાત્રા અભ્યાસ કરે છે. જેની સીટમાં વધારો કરવાની સાથે સાથે નવા બે સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો શરૂ કરવા માટે રાજકોટ મેડિકલ કોલેજે સરકારની સામે માંગ રાખી છે.

હાલ મેડિકલ ક્ષેત્રે સુપર સ્પેશિયાલિસ્ટ અભ્યાસ માટે ગુજરાતમાં અમદાવાદ અને બરોડામાં વિદ્યાર્થીઓને જાઉં પડતું હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સુપર સ્પેશિયાલિસ્ટ અભ્યાસક્રમ શરૂ કરવા માટે અને તેની સીટો ઉમેરવા માટે રાજકોટ મેડિકલ કોલેજ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. હાલ એમ.સી.આઇ.ની ટીમ દ્વારા મેડિકલ કોલેજના એમડી અને એમએસ વિભાગના ચાર ડિપાર્ટમેન્ટમાં સીટો વધારવા માટેની દરખાસ્ત અને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. ત્યારે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર મુકેશ અંબાણીને સુપર સ્પેશિયાલિસ્ટ અભ્યાસ પણ શરૂ થઈ જશે તેવો વિશ્વાસ દાખવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.