Abtak Media Google News
ગાંધીગ્રામ વિસ્તારમાં પશુ પાલકો અને ઢોર પકડ પાર્ટી વચ્ચેની માથાકૂટ રોજીંદી બની: બે કલાક બાદ ફરી કોર્પોરેશનનો કાફલો ભારતીનગરમાં ત્રાટક્યો પરંતુ ખોટો હાઉ ઉભો કરી પાછો ફર્યો

કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા શહેરના રાજમાર્ગો પરથી રખડતા-ભટકતા ઢોરને પકડવામાં આવે છે. જો કે, આ પાર્ટીમાં કેટલાક માણસો ફૂટેલા હોવાના કારણે જે વિસ્તારમાં ત્રાટકવાના હોય તેના કલાકો અગાઉ માલધારીઓને જાણ કરી દેવામાં આવતી હોવાના કારણે ઢોર પકડી શકાતા નથી. દરમિયાન ગઇકાલે સાંજે શહેરના વોર્ડ નં.1માં ગાંધીગ્રામ વિસ્તારમાં ઉદય હોલ પાસે આવેલા ભારતીનગર વિસ્તારમાં રામજી મંદિર પાસે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીનો કાફલો ત્રાટક્યો હતો. આ વેળા મોટું ટોળુ ભેગું થઇ જતા માથાકૂટ સર્જાઇ હતી અને એકપણ ઢોર પકડ્યા વિના વિલા મોંઢે પરત ફર્યો હતો.

Advertisement

અગાઉ પણ ઢોર પકડ પાર્ટીના સ્ટાફ અને માલધારીઓ વચ્ચે ભારતીનગર વિસ્તારમાં માથાકૂટ સર્જાઇ હતી અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ગઇકાલે સાંજે ઢોર પકડ પાર્ટી આવે તે પહેલા જ ભારતીનગરમાં ટોળુ એકત્રિત થઇ ગયું હતું.જેના પરથી એક ફલ્લીત થાય છે કે ઢોર પકડ પાર્ટીમાં કોઇ એક ફૂટેલું છે જે માલધારીઓ સુધી ચેકીંગની વાત પહોંચાડી દે છે. ભારતીનગરમાં માથાકૂટ થવાના કારણે ઢોર પકડ પાર્ટી વિલા મોંઢે પરત ફરી હતી. જો કે બે કલાક બાદ ફરી આ કાફલો આ વિસ્તારમાં ત્રાટક્યો હતો. પરંતુ તે માત્ર માલધારીઓ પર ખોટો હાવ ઉભો કરવા માટે જ ગયો હોય તેમ એકપણ ઢોર પકડ્યું ન હતું.

રાજમાર્ગો પર રખડતા ભટકતા 211 ઢોર પકડાયા

ઢોર પકડ પાર્ટી દ્વારા રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. એક સપ્તાહમાં શહેરના વિસ્તારો મોટા મૌવા, કાલાવાડ રોડ, અંબિકા ટાઉનશીપ સોસાયટી, કણકોટ પાટીયા, તથા આજુબાજુમાંથી 26 પશુઓ, જે. કે. ચોક, ઉમા પાર્ક, પંચાયતનગર ચોક, વિગેરે વિસ્તારોમાંથી 12 પશુઓ, શાસ્ત્રીનગર, જે. કે. પાર્ક, સુંદરમ ગોલ્ડ સીટી નાગેશ્વર, રૈયાધાર તથા આજુબાજુમાંથી 36 પશુઓ,  આજી ડેમ, માનસરોવર, વેલનાથ, કોઠારીયા સોલવન્ટમ તથા આજુબાજુમાંથી 31 પશુઓ, મનહરપુર તથા આજુબાજુમાંથી 7 પશુઓ, ખોડીયારનગર, આંબેડકરનગર, નવલનગર તથા આજુબાજુમાંથી 12 પશુઓ, નરસિંહનગર, ગ્રીનલેન્ડ ચોકડી, શિવમ પાર્ક તથા આજુબાજુમાંથી 11 પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 211 પશુઓ પકડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.