Abtak Media Google News

ભાસ્કર અપહરણકાંડ, જીઇબીના બોગસ સીલ અને આંગડીયા પેઢીની લૂંટ સહિતના અનેક ગુનામાં આગવી કુનેહથી ભેદ ઉકેલવામાં મહત્વની કામગીરી 

શહેરમાં તમામ પોલીસ મથક અને જુદા જુદા સ્કવોડમાં ૩૭ વર્ષ સુધી પોલીસમાં ફરજ બજાવી ભક્તિનગર પોલીસ મથકના જાબાઝ એએસઆઇ ઇન્દુભા રાણા તા.૩૦ એપ્રિલ વય મર્યાદાના કારણે નિવૃત થતા ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે વિદાયમાન આપ્યું છે.

પોલીસ ડિપાર્ટમેન્ટના ગૌરવ ગણાતા કર્તવ્ય નિષ્ઠ નટુભા રાણાના પુત્ર ઇન્દુભા રાણા પિતાની જેમ પોલીસ ડીપાર્ટમેન્ટમાં આગવી ઓળખ બનાવી છે. ૧૯૮૨માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા બાદ સૌ પ્રથમ પ્ર.નગર પોલીસ મથકમાં ફરજ બજાવી સમગ્ર શહેરના મહત્વના તમામ પોલીસ મથક, ક્રાઇમ બ્રાન્ચ, એન્ટી થેપ્સ અને ગામા સ્કવોડમાં પ્રસંશનીય કામગીરી કરી ઇન્દુભા રાણાની ગુનેગારો પર સારી એવી ધાક હતી તે રીતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગુડબુકમાં રહ્યા છે.

૨૦૦૮માં હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન બાદ ૨૦૧૪માં એએસઆઇ તરીકે પ્રમોશન મળ્યા હતા. ભક્તિનગર પોલીસ મથક અને પ્ર.નગર પોલીસ મથક વિસ્તારમાં ચોરી અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા ઉપરાંત દારૂ અને જુગારની બદી સામે સખ્ત કાર્યવાહી કરી છે.

દેશભરમાં ચકચારી બનેલા ભાસ્કર અપહરણકાંડની મહત્વની તપાસમાં દિલ્હી, કલકતા અને મુંબઇ સહિતના શહેરોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની મદદમાં રહેલા ઇન્દુભા રાણાએ ભક્તિનગર પોલીસ મથકની આંગડીયા લૂંટ અને જીઇબીના બોગસ સીલનો ભેદ ઉકેલતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પીઠ થાબડી શાબાસી આપી હતી. ઇન્દુભા રાણાને અત્યાર સુધીમાં સારી અને યાદગાર કામગીરી બદલ ૩૦૦થી વધુ ઇનામ મેળવ્યા છે. તેઓને ભક્તિનગર પોલીસ સ્ટાફ અને કોઠારિયા રોડ પરના વેપારીઓ દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.