Abtak Media Google News

જાહેર મિલકતને નુકશાન પહોંચાડી સંરક્ષણ દિવાલ ચણી નાખી : કેટલાય એકરોમા પર્યાવરણને નુકસાન

ગૌચર બચાવવા માટે વિવિધ સંગઠનો સરકારનું  ધ્યાન દોરી કડક કાર્યવાહી કરવા માટે લડત કરી રહ્યાં છે ત્યારે હળવદના લીલાપુર પાસે આવેલી ખાનગી પેપર મિલે ખેડૂતોને પિયત માટે પાણી લેવા બનાવેલો સરકારી ચેકડેમ તોડી સરકારી ગૌચર  જમીન પર કબજો જમાવી સંરક્ષણ દિવાલ ખડકી દીધી હોવાનું સ્થાનિક ખેડુતોએ જણાવ્યું હતું.

Advertisement

હળવદમાં લીલાપુર રોડપર આવેલી એસ્ટ્રોન પેપરમિલના માથાભારે માલિકે સરકારી જમીનમાં કબજો જમાવી દીધો હોવાનો આક્ષેપ સ્થાનિક ખેડુતોએ કર્યો છે તો વધુમાં જણાવ્યું હતું કે આ પેપરમિલના સંરક્ષણ દિવાલની અંદર ચેકડેમ આવેલો હતો જેમાં મિલનો વિસ્તાર વધારવા માટે નાશ કરવામાં આવ્યો છે અને વરસાદી પાણી નિકાલ માટે મોટું ઓકળુ તેમાંથી પસાર થાય છે જેના પર બાંધકામ કરી પાણી જતું અટકાવી દેતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને અમને નુકસાન પહોંચાડી રહ્યાં છે.

હળવદ પંથકમાં દિનપ્રતિદિન ગૌચર જમીન પચાવી પાડવાના કિસ્સામા નોધપાત્ર વધારો થઈ રહ્યો છે જેમાં એસ્ટ્રોન પેપરમિલની આજુબાજુ આવેલી સરકારી ગૌચરની જમીન પચાવી પાડવાનો કારસો રચવામાં આવી રહ્યો છે.સંરક્ષણ દિવાલના નામે સરકારી જમીન પર કબજો જમાવી ખુલ્લામાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે જેના કારણે આજુબાજુના લીલાછમ વૃક્ષો સુકાઈ રહ્યાં છે અને પર્યાવરણને મોટું નુકસાન થયું છે ત્યારે જવાબદાર તંત્ર આળસ મરડીને કંઈક નક્કર પગલાં લે તેવી સ્થાનિક ખેડુતોએ માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે હળવદના લીલાપુર રોડપર આવેલી એસ્ટ્રોન પેપરમિલના માલિક રાજકીય વગ ધરાવતા હોવાથી જવાબદાર અધિકારીઓને પેપરમિલના પગથિયાં ચડવામાં પણ પગ થરથર કાંપે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જાહેર જીવનને નુકશાન પહોંચાડી ખુલ્લામાં છોડતા કેમિકલ યુક્ત પાણી, ચેકડેમ તોડી જાહેર મિલકતોને નુકસાન,સરકારી ગૌચર જમીન પર બિન અધિકૃત કબજો અને પર્યાવરણ નુકસાન વગેરે જેવા કાર્યો કર્યા હોવાનુ સ્થાનિક ખેડુતોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.