Abtak Media Google News

‘દેર સે આયે દુરુસ્ત આયે’

વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૩માં એક કંપનીએ અમરેલીમાં એરક્રાફટ, હેલીકોપ્ટર અને સ્પેરપાર્ટસ બનાવવા રાજય સરકાર સાથે એમઓયુ કર્યા હતા પરંતુ સરકારી બાબુઓની ઉદાસીનતાના કારણે છ વર્ષથી આ એમઓયુ સાકાર થઈ શકયુ નથી

ગુજરાતમાં ઉડ્ડયન ક્ષેત્રે સ્પેશિયલ ઈકોનોમીક ઝોન (સેઝ)ની સ્થાપના કરવા માટે રાજય સરકારે આખરે કમર કસી છે. આ માટે રૂપાણી સરકારે વર્ષ ૨૦૧૯-૨૦ના તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં ગુજરાતમાં ઉડ્ડયન ક્ષેત્રનાં સેઝના વિકાસ માટે રોકાણોની સંભાવના અહેવાલ તૈયાર કરવાની જાહેરાત કરી છે. ૨૦૧૩માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમ્યાન એક કંપનીએ આ ક્ષેત્રે વિકાસ કરવા રાજય સરકાર સાથે એમઓયુ કર્યા હોવા છતા સરકારી બાબુઓની ઉદાસીનતાના કારણે છ વર્ષ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી. પરંતુ ‘દેર સે આયે દુરસ્ત આયે’તે ન્યાયે રાજય સરકારે આ સેઝ માટે માંડવી, અંકલેશ્વર કે અમરેલીમાં વિકાસન સંભાવના ચકાસી રહી છે.

રાજય સરકારના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગુજરાત સ્ટેટ એવીએશન ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની લીમીટેડ ઉડ્ડયન ક્ષેત્રનાં વિશિષ્ટ સેઝની સ્થાપનાની શકયતાઓનું વિશ્લેષણ કરીને અભ્યાસ કરી રહી છે. આ અંગે રાજય સરકારના સિવિલ એવિએશન ડીરેકટર કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતુ કે સરકાર વિમાન અને અન્ય ઉડ્ડયન સુવિધાઓ સંબંધીત પ્રવૃતિઓમાં ઉત્પાદન, જાળવણી અને રીપેરીંગ કામને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં ઉડ્ડયન ક્ષેત્ર માટે સેઝ સ્થાપવાની યોજના બનાવી છે. તે માટેની સંભવિતતાનો અભ્યાસ કરીને મોડેલ બનાવવામાં આવશે અને મોડેલ સફળ જશે તો ગુજરાત દેશમાં આ ક્ષેત્રમાં પહેલ કરનારૂ પ્રથમ રાજય બનશે ચૌહાણે ગુજરાત એવિએશન કોન્કલેવ ૨૦૧૯માં તેમના સંબોધન દરમ્યાન આ વિગતો આપી હતી.

રાજય સરકારે ઉડ્ડયન ક્ષેત્રે સેઝ બનાવવા અભ્યા માટે બજેટમાં મંજૂરી આપી દીધી છે.તેમ જણાવીને એક ઉચ્ચ સરકારી અધિકારીએ ઉમેર્યું હતુ કે આ સેઝ સ્થાપવા માટે માંડવી, અંકલેશ્વર કે અમરેલી આદર્શ સ્થળો છે અહી આ સેઝ માટે પુરતી જમીન ઉપલબ્ધ છે. આ યોજનાના લાભો અંગે ચૌહાણે જણાવ્યું હતુ કે હાલમાં એરક્રાફટના ફાજલ ભાગો દુબઈ અથવા સીંગાપુર જેવા ટેકસ ફી ઝોનો પર સંગ્રહિત કરવામાં આવે છે. જે વધારે પાર્ટસની આવશ્યકતાહોય તો સંબંધીત એજન્સીને જાણ કરવામાં આવે છે પછી તે પાર્ટસને વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. એકવખત પાર્ટસ વિદેશોમાંથી આવે તે માટે કસ્ટમ્સ કિલયરન્સ સહિતની પ્રક્રિયા કરવી પડે છે. જેથી એરક્રાફટની જાળવણી અને રીપેરીંગની કામગીરીમાં વધારે સમય અને ખર્ચ લાગે છે. આ કામગીરી દરમ્યાન એરક્રાફટ ઉડી શકતુ ન હોય તેનું નુકશાન પણ જાય છે.

ગુજરતામાં ઉડ્ડયન ક્ષેત્રનુ ખાસ સેઝ સ્થાપનાથી સમય પ્રયત્ન અને ખર્ચમા મોટો ઘટાડો થવાની સંભાવના છે. ઉપરાંત વિશેષ સેઝ હોય તો એરક્રાફટના વધારાના સ્પેરપાર્ટસો વેર હાઉસીંગમાં સંગ્રહિત કરી શકાય છે. જેથી સમય પૈસા અને માનવીય પ્રયત્નોને બચાવવામાં મદદ કરશે. આ સેઝની ભારતભરનાં ઉડ્ડયન ક્ષેત્રને મદદ મળશે. તેમ ચૌહાણે અંતમાં જણાવ્યું હતુ ઉલ્લેખનીય છે કે હાલમાં આપણા દેશના એરક્રાફટો માટે ૯૮ ટકા સ્પેરપાર્ટસો દુબઈ અને સીગાપુરથી મંગાવવા પડે છે. તેના કારણે દર વર્ષે અબજો રૂપીયાનું હુંડીયામણ વિદેશોમાં ઘસડાઈ જાય છે. ઉપરાંત આ સ્પેરપાર્ટસો આપવામાં સમય લાગતો હોય સમયનો પણ વેડફાટ થાય છે.

વર્ષ ૨૦૧૩માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત સમીટ વખતે ટ્રાન્સડરેક ઓવરસીઝ પ્રા.લી. કંપનીએ ટુસીટર અને સેવન સીટર એરક્રાફટ, હેલીકોપ્ટર તથા એરક્રાફટના સ્પેરપાર્ટસો બનાવવા રાજય સરકાર સાથે એમઓયુ કર્યા હતા. આ માટે કંપનીએ ૫૦૦ કરોડ રૂ.નું રોકાણ કરવાની તૈયારી દર્શાવીને અમરેલીમાં પડતર પડેલી એરસ્ટ્રીપ તથા તેની આજુબાજુની ૧૦ એકર જમીન ૩૩ વર્ષના લીઝ પર માંગી હતી કંપનીએ આ ઉદ્યોગની સ્થાપના દ્વારા ૧૫૦૦ લોકોને રોજગારી આપવાની પણ તૈયારી દર્શાવી હતી. પરંતુ, સરકારી બાબુઓની ઉદાસીનતાના કારણે છ વર્ષ સુધી આ એમઓયુ થયેલા પ્રોજેકટ પર કોઈ પણ પ્રકારની કામગીરી થઈ શકી ન હતી. જોકે, ‘દેર સે આયે, દુરસ્ત આયે’ તે ન્યાયે રાજય સરકારે ઉડ્ડયન ક્ષેત્રના ખાસ સેઝ માટે યોજના બનાવી છે.ત્યારે અમરેલી આ સેઝ માટે માળખાકીય સુવિધાઓને યોગ્ય સ્થાનહોવાનું મનાય રહ્યું છે.

આ કંપનીએ એરક્રાફટ, હેલિકોપ્ટરનું ઉત્પાદનની સાથે એરક્રાફટના વિવિધ સ્પેરપાર્ટસોનું ઉત્પાદન કરવાની પણ યોજના બનાવી હતી. આ સ્પેરપાર્ટસોને વિવિધ દેશોમાં નિકાસ કીને દર વર્ષે અબજો રૂ.ના વિદેશી હુંડીયામણની આવક મેળવવાની યોજના બનાવી હતી. આમ આ એમઓયુ સાકાર થયું હોય તો ગુજરાતમાં ઉડ્ડયન ક્ષેત્રનાં સ્પેરપાર્ટસનું ઉત્પાદન કરવામાં ભારતભરમાં અગ્રેસર રહીને પ્રથમરાજય બન્યું હોત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.