Abtak Media Google News

તમામ પ્રકારની સુવિધા હોવા છતાં જન સેવા કેન્દ્રમાં નવા રાશન કાર્ડ, વિભાજન, સ્થળાંતર, આધાર સાથે લિંક અપ સહિતની કામગીરી થતી ન હોવાથી અરજદારોને ઝોનલના ધક્કા

અબતક, રાજકોટ : કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રમાં રાશન કાર્ડની અધૂરી કામગીરી થતી હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે. તમામ પ્રકારની સુવિધા હોવા છતાં જન સેવા કેન્દ્રમાં નવા રાશન કાર્ડ, વિભાજન, સ્થળાંતર, આધાર સાથે લિંક અપ સહિતની કામગીરી થતી ન હોવાથી અરજદારોને ઝોનલના ધક્કા થતા હોવાનું ધ્યાને આવ્યું છે.

લોકોને એક જ સ્થળે વહીવટી કામની સવલત મળે તે માટે રાજ્ય સરકારે કલેકટર કચેરીઓમાં જન સેવા કેન્દ્રનું નિર્માણ કરાવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર કચેરી સ્થિત જન સેવા કેન્દ્રને લાખોના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. વિશાળ જગ્યા ઉપરાંત અનેક સવલતો હોવા છતાં આ જન સેવા કેન્દ્રમાં રાશન કાર્ડને લગતી તમામ કામગીરી થતી નથી. અહીં માત્ર રાશન કાર્ડમાથી નામ કમી કરવા, નામ ઉમેરવા જેવી પરચુરણ કામગીરી જ થઈ રહી છે.

જન સેવા કેન્દ્રમાં રાશન કાર્ડની કાઉન્ટર બહાર બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. આ બોર્ડમાં અરજદારો જોગ લખવામાં આવ્યું છે કે અહીં નવા રાશન કાર્ડ, વિભાજન, સરનામું ફેરબદલ, સ્થળાંતર, આધારકાર્ડ સાથે લિંક અપ, અનાજના ફોર્મની કામગીરી થતી નથી. આ કામગીરી માટે અરજદારોએ ઝોનલ કચેરીએ જવાનું રહેશે.

મોટાભાગના અરજદારો એવું માને છે કે જન સેવા કેન્દ્રમાં તમામ સવલતો મળે છે. એવું માનીને અહીં આવતા હોય છે. પણ તેઓને ઝોનલ કચેરીએ જવાનું કહેવામાં આવતા ત્યાં બીજો ધક્કો થાય છે. જન સેવા કેન્દ્રમાં વિશાળ જગ્યા અને તમામ સાધન સામગ્રીની વ્યવસ્થા હોવા છતાં પણ પુરવઠા વિભાગ દ્વારા રાશન કાર્ડની તમામ કામગીરીની સેવા ઉપલબ્ધ કરવામાં ન આવી હોય અરજદારોમાં કચવાટ ફેલાયો છે.

રાશનકાર્ડની કામગીરીનું કાઉન્ટર ઠેકાણા વગરનું, ફોર્મની  પૂરતી નકલ પણ રખાતી નથી!!

રાશન કાર્ડની કામગીરી જે કાઉન્ટરમાં થાય છે. તે કાઉન્ટર પણ ઠેકાણા વગરનું છે. જ્યાં ફોર્મની પૂરતી નકલ પણ રાખવામાં આવતી નથી. એકાંતરે અરજદારોને એવું કહી દેવામાં આવે છે કે ફોર્મની નકલ પુરી થઈ ગઈ છે. એક તો આ કાઉન્ટરમાં પરચુરણ કામગીરી કરવામાં આવે છે. તે કામગીરીમાં પણ ઠેકાણા ન હોવાથી ફોર્મ લેવા આવેલ અરજદારોને ધક્કા થાય છે.

આધાર કાર્ડની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ

જન સેવા કેન્દ્રમાં અગાઉ આધાર કાર્ડની કામગીરી ઉપલબ્ધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ છેલ્લા ઘણા સમયથી આ કામગીરી શરૂ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાનું રટણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પણ લાંબા સમયથી આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી નથી. જો આ સવલત શરૂ કરવામાં આવે તો અરજદારોને સરળતા રહે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.