Abtak Media Google News

રાજયમાં લોકો સાથે ઠગાઈ કરવાના અલગ-અલગ કીમિયા અપનાવતા હોય છે. ડીજીટલ યુગમાં ઠગો પણ ડીજીટલ બનીને લોકો સાથે છેતરપીંડી કરતા થયા છે ત્યારે સુરતમાં આવી જ છેતરપીંડીની ઘટન બની હતી જેમાં શિક્ષિકાનો શાદી ડોટ કોમના આધારે સંપર્ક કરી ઇન્ડિયા આવી તેની સાથે લગ્ન કરવાની વાત કરી 17.48 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે શિક્ષિકાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નાઈજીરિયન ગેંગને ઝડપી પાડી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતની છે જ્યાં એક મહિલા શિક્ષિકાએ લગ્ન માટે પોતાનો બાયોડેટા શાદી ડોટ કોમ પર અપલોડ કર્યો હતો. દરમિયાન 11 જાન્યુઆરીના રોજ શિક્ષિકા પર ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ પ્રશાંત પીટર તરીકે આપી હતી અને પોતે મૂળ ચેન્નઈનો વતની હોવાનું અને હાલ લંડનમાં ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકની ડીગ્રી ધરાવતો હોવાનું જણાવીને પોતે તેની સાથે લગ્ન કરવા ભારત આવવાનું હોવાનું જણાવી આ શિક્ષિકાને ફસાવી હતી.

ચાર્જીસ ભરવાના બદલે પડાવ્યા 17.48 લાખ

શિક્ષિકાને 19મીએ ફોન કરનારી યુવતીએ પોતાનું નામ નતાશા અને તે દિલ્હી એરપોર્ટ ઉપરથી એડમિન ઓફિસમાંથી બોલતી હોવાનું જણાવ્યું હતું અને પ્રશાંત પીટર અને તેના પિતા તથા બહેન લંડન કરન્સી સાથે ડીડી લાવ્યો હોવાથી અને તેમને દંડ તથા ચાર્જીસ ભરવો પડશે એમ જણાવી મહિલા શિક્ષિકા પાસેથી ટુકડે-ટુકડે 17.48 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આખરે પોતાની સાથે લગ્ન કરવાના બહાને છેતરપીંડી થઈ હોવાનું માલૂમ પડતાં આ મામલે મહિલા શિક્ષિકાએ સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી સુરત સાયબર સેલની ટીમે પાંચ નાઇજીરિયન સહિત બે ભારતીયની ધરપકડ કરી હતી. પોલીસે આ તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.