Abtak Media Google News

ચોમાસા ઋતુમાં સિંહનો મેટિંગ પીરીયડ શરુ થવાને કારણે ગઈકાલ તા. 15 જૂનથી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને ફરી 16 ઓક્ટોબરથી સિંહોનો મેટિંગ સમય પૂરો થતાં પ્રવાસીઓ માટે સિંહ દર્શનના દ્વાર ખુલ્લા મુકવામાં આવશે.

ચોમાસાના 4 મહિના દરમિયાન સિંહનો મેટિંગ પીરીયડ હોય છે. જેમાં સિંહ અને સિંહણ વધુ એગ્રેસિવ હોય છે. અને મેટિંગ દરમિયાન જરા પણ ખલેલ પહોંચાડવામાં આવે તો, સિંહ  અને સિંહણ છંછેડાઇ જઈ ગમે તે સમયે ગમે તેના પર હિંસક હુમલો કરી શકે છેે, જેને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સિહોના મેટિંગ પીરિયડ દરમિયાન સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચોમાસાના ચાર મહિના સિંહોનો મેટિંગ પીરિયડ હોય જેને લઇને વનવિભાગ દ્વારા ગઈકાલ તા. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગિરના ડાલામથ્થા દુનિયા ભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને જંગલના રાજા સિંહના દર્શન કરવા એ હરકોઈ પ્રવાસીના દિલનું અરમાન હોય છે. સૌ કોઈને એક વખત સિંહના દર્શન થઈ જાય તેવા અરમાનો સાથે દેશ વિદેશના દર વર્ષે 5 લાખથી વધુ પ્રવાસીઓ સોરઠના ગીર અને ખાસ કરીને સાસણની મુલાકાતે આવતા હોય છે અને સિંહ દર્શનનો લાહ્વો લેતા હોય છે.

પરંતુ કોરોના મહામારીના કારણે લાખો પ્રવાસીઓને સિંહ દર્શનનો લાહ્વો મળ્યો નથી. કારણ કે, સરકારની ગાઇડલાઇન અને વન વિભાગના પરિપત્ર મુજબ જુનાગઢ જિલ્લાના સફારી પાર્ક, કેવડીયા અને સાસણ  સિંહ દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે હજુ ચાલુ જ હોય ત્યાં જ સિંહના મેટિંગ પીરીયડ શરુ થવાને કારણે વનવિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઈકાલ તા. 15 જુનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. અને હવે તા. 16 ઓકટોબરથી ફરી સિંહ દર્શન માટેના દ્વાર ખુલ્લા મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.