Abtak Media Google News

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદએ દેશની શ્રેષ્ઠ સંસ્થા

કેન્દ્રીય મંત્રીએ સંસ્થાની મુલાકાત લઇ શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સાથે વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરી

જામનગર ખાતે આવેલી ભારત દેશની સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) ખાતે તાજેતરમાં ભારત સરકારના આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી ત્યારે તેઓને સત્કારવા એક અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો ત્યારે મંત્રીએ આઈ.ટી.આર.એ.ના તમામ શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો. આ વેળાએ તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુષ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં જે નવી દિશામાં જાહેર આરોગ્ય મજબૂત કરવા જે પગલાંઓ લેવામાં આવ્યા છે તેનાથી સૌને અવગત કાર્ય હતા.

મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય રાજ્યકક્ષાના આયુષ મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા પોતે એમ.બી.બી.એસ. તબીબ છે અને લોક સ્વાસ્થ્ય બાબતે ખૂબ ઊંડાણપૂર્વક કાર્ય કરી ચૂક્યા છે ત્યારે તેઓને આયુષ મંત્રાલયનો પદભાર સોંપવામાં આવ્યો તેથી તેઓ ખંતપૂર્વક આયુષ સાથે જનઆરોગ્ય બાબતે અવિરત કાર્યશીલ છે. તેઓએ આઇ.ટી.આર.એ.ની મુલાકાત સમયે જણાવ્યું હતું કે મારા માટે ખૂબ આનંદ, ખુશી અને ગૌરવની વાત છે કે હું હાલ આયુર્વેદના કાશી ગણાતા છોટી કાશી શહેરમાં અને તેમાં પણ આયુર્વેદની જનની ભૂમિ પર છું.

આયુર્વેદ દ્વારા સ્વાસ્થ્ય વિકાસ એ આજના સમયની તાતી માંગ છે ત્યારે ભારત સરકારે આ બાબતે ગહન ચિંતન કરી આ બાબતે નક્કર પગલાંઓ લીધા છે! વર્ષ 2014માં આયુષ મંત્રાલયનું વર્ષનું બજેટ 400 કરોડ હતું. જે આજે વર્ષ 2023માં 2500 કરોડનું થયું છે. આજે ઇન્ટીગ્રેટેડ મેડિસિનનો જમાનો છે ત્યારે આયુર્વેદ અન્ય ચિકિત્સા પદ્ધતિ સાથે તાલમેલ કરી ઉત્તમોત્તમ કાર્ય કરી રહ્યું છે. આજે રોગ કૂદકે ને ભૂશકે વધી રહ્યા છે ત્યારે તેનો રામબાણ ઈલાજ એ આયુર્વેદ છે, હતો અને કાયમી રહેશે. પંચકર્મ થાકી દેહ શુદ્ધિ એ કોઈ નવી વાત નથી પરંતુ લોકો માટે એ શ્રેષ્ઠ સારવાર પદ્ધતિ છે.

આયુષ મંત્રાલય દ્વારા કુલ 32 દેશો સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે અને અનેક દેશોમાં વિવિધ યુનિવર્સીટી અને શૈક્ષણિક સંસ્થાનોમાં એકેડમિક ચેર પણ સ્થાપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિન આજે સમગ્ર વિશ્ર્વમાં હોંશ ભેર ઉજવામાં આવે છે ત્યારે શરૂઆતી તબક્કામાં આયુષ મંત્રાલય હસ્તક તેની ઉજવણીમાં 35 હજાર લોકો જોડાયા હતા. જયારે ગતવર્ષે સમગ્ર વિશ્ર્વમાં યોગ દિનની ઉજવણીમાં વિક્રમી રીતે 23 કરોડ લોકો જોડાયા અને ઇતિહાસ રચ્યો છે. વર્તમાન સમયની જરૂરિયાતને પહોંચી વળવા  મોદી દ્વારા હીલ ઈન ઇન્ડિયા એન્ડ હીલ બાય ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે જે દેશની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ માટે ખૂબ જ ઉપયુક્ત છે.

આજે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની માંગ સમગ્ર વિશ્ર્વમાં વધતા સર્વત્ર સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો ઉપલબ્ધ છે પરંતુ હવેનો સમય એ ફેમેલી ફિઝીશ્યનનો છે જે પરિવારના પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક બાબતો અંગે સચોટ અને અસરદાર નિદાન કરે. આ બાબતને ગંભીરતાથી લઇ વડાપ્રધાનની પ્રેરણાથી આયુષ વિભાગ નજીકના ભવિષ્યમાં “ફેમેલી ફિઝીશ્યન” નવો કોર્ષ શરૂ કરવા જઈ રહ્યું છે જે ભારત દેશના લોકોના સ્વાસ્થ્યને નિરોગી બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાશે. આ કોર્ષ પણ નીટના આધારે પ્રવેશપાત્ર બનશે.

આયુષ મંત્રાલય દ્વારા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવે છે ત્યારે આયુર્વેદનું ભવિષ્ય સોનેરી છે તેના કોઈ બે મત નથી! આઈ.ટી.આર.એ. ખાતે મુલાકાત દરમિયાન કેન્દ્રીય રાજ્ય આયુષ મંત્રીનું આ તકે સાલ ઓઢાડી વિશેષ સન્માન સંસ્થાના નિયામક પ્રો. વૈદ્ય અનૂપ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથે ભગવાન ધન્વંતરિજીની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. વૈદ્ય હિતેશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.