રાજકોટ શહેર તથા જિલ્લામાં 104 સ્થળો પર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુનું જાહેરનામું

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વાઈટલ ઈન્સ્ટોલેશન, વી.વી.આઈ.પી. રહેણાક, અગત્યની સરકારી કચેરીઓ/સબ સ્ટેશન, મંદિરો, મસ્જીદો, ડેમ/ડેમ સાઈટ, પુલ તથા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અભ્યારણ્યો સહિત 104 જગ્યાઓમાં જાનમાલની સુરક્ષા અને સુલેહ-શાંતીનું વાતાવરણ જળવાઇ રહે તે હેતુસર રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા રીમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલ ડ્રોન કે રીમોટ કંટ્રોલ સંચાલીત એરીયલ મીસાઇલ, હેલીકોપ્ટર, કે પેરાગ્લાઇડર, રીમોટ કંટ્રોલ સંચાલીત માઇક્રોલાઇટ એરક્રાફટ ચલાવનાર સંચાલક તથા વ્યાવસાયીકો માટે નિયંત્રણ મુકતા હુકમો જારી કર્યા છે.

જે મુજબ સંચાલકો કે માલીકોએ આ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવી કે મોડેલ નંબર, વજન, ક્ષમતાની વિગતો વગેરે સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે તેમજ તેનો ઉપયેાગ કરતા પહેલા જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો હોય તે વિસ્તારના સંબંધીત અધિકારીની પૂર્વ મંજુરી લેવાની રહેશે. આ આદેશોનો અમલ રાજકોટ જિલ્લામાં આજ થી તા. 30 જૂન સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.