Abtak Media Google News
  • આ દુલર્ભ અવસરના સાક્ષી થવા પૂ. ભાવેશબાપુ તથા સીતારામ પરિવારની અપીલ: ત્રણ દિવસ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની આસ્થાભેર ઉજવણી થશે

પાટડી ખાતે  પૂ. જગાબાપા પ્રેરિત  ઉદાસી આશ્રમમાં  ત્રીદિવસીય   મહોત્સવ તા. 20-21-22 માર્ચના રોજ   ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર  મહોત્સવની વિગત આપવા રાજકોટની પેટ્રીયા સ્યુટસ હોટેલ ખાતે  એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પાટડીના મહંત શ્રી પૂ. ભાવેશબાપુ અને ‘અબતક’ મીડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

ઝાલા વાડના જોગી અને દુ:ખિયાના બેલી એવા પૂજ્ય જગાબાપા એ પાટડીને ધર્મભૂમિ બનાવી શિવ અને ગુરુ ભક્તિમાં લીન થઈ શાસ્ત્રોત યજ્ઞ થકી લોકોના દુ:ખડા હર્યા. આવા પૂજ્ય જગાબાપા ની 11 મી પુણ્યતિથિ નિમિત્તે ઉદાસી આશ્રમ ખારાગોઢા રોડ, પાટડી મુકામે જગદીશ્વર મહાદેવનું તારીખ 20, 21,22 ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન,ભોજન અને ધર્મભક્તિ દ્વારા યોજાશે જેમાં ભાવિકોને લાભ લેવા ગાદીપતિ પૂજ્ય ભાવેશ બાપુ ની સર્વે ધર્મપ્રેમી લોકોને જોડાવાનું જાહેર આમંત્રણ પાઠવેલ છે.

Screenshot 1 2 5

દુ:ખિયાના બેલી એવા પૂજ્ય જગાબાપાએ લગભગ 30 વર્ષ પહેલા પૂજ્ય ઉદાસીબાપુની પરમ સેવા કરી અને તેમની કૃપા પ્રાપ્ત કરી હતી. ગુરુની કૃપા અને ભગવાન મહાકાળ એવા શિવજીમાં અનન્ય શ્રદ્ધાનો સમન્વય કરીને લોકોના દુ:ખો નિ:સ્વાર્થ ભાવે સેવા થકી દૂર કરવાનું શરૂ કરેલ અને આજે હજારો ભાવિકો ગુરુ ભક્તિમાં લીન થઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલ ખારાગોઢા રોડ પર હનુમાનજી તથા કાલભૈરવનું મંદિર આવેલ છે જ્યાં દર અમાસે ભજન, ભોજન અને યજ્ઞ દ્વારા હજારો સિતારામ પરિવારના લોકો લાભ લઈ રહ્યા છે “ગુરુકૃપા હી કેવલમ” સૂત્ર સાથે પૂજ્ય જગાબાપા એ કોઈ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપ્યા વગર યજ્ઞયાત્રાદી ક્રિયાક્રમ થકી લોકોના કામો કર્યા અને લોકોની શ્રદ્ધામાં ઉતરોતર વધારો થતો ગયો. આજથી બરાબર 11 વર્ષ પહેલાં પૂજ્ય જગાબાપાએ કૈલાશગમન કર્યું ને તેમના દૈહિક અને આધ્યાત્મિક વારસદાર બની ગાદીપતિ ભાવેશ બાપુ એ સેવાનો વારસો આગળ ધપાવ્યો અને આજે હજારો ભાવિકો દુ:ખમાંથી મુક્ત થયા હોવાનું સંતોષ મેળવી ઉદાસી આશ્રમના સેવક બની ગયા છે.

પૂજ્ય જગાબાપા ની સ્મૃતિને જીવંત રાખવા ગત પુણ્યતિથિ એટલે કે 22-3-2023 ના રોજ આશ્રમમાં જગદીશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટેનો સંકલ્પ લેવાયો અને આજે એક વર્ષમાં જગદીશ્વર મહાદેવ મંદિર નું કાર્ય પૂર્ણ થઈ જતા આગામી તારીખ 20- 21- 22 ના ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જેમાં ખાસ કરીને પ્રથમવાર 1111 કળશ દ્વારા પ્રતિષ્ઠાની મૂર્તિઓ ઉપર સ્નપન વિધિ થશે. જે સ્નપન વિધિ અનેકવિધ ઔષધીઓને પવિત્ર જળમાં પલાળી તમામ મૂર્તિઓને અભિષેક કરાશે જગદીશ્વર મહાદેવ મંદિર ધ્વજા દંડ સહિત 108 ફૂટની ઊંચાઈ ધરાવે છે અઢી ફૂટ નું શિવલિંગ, સાડા પાંચ ફૂટ ના નંદી, અઢી ફૂટના કૂર્મ (કાચબો) બિરાજમાન છે 60ડ્ઢ80 જગ્યા પર સુશોભિત મંદિર વૈદિક પરંપરા અને ભારતીય વાસ્તુકલા નો આધાર લઈ નિર્મિત કરાયું છે. મંદિરમાં પ્રવેશતા જ આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થાય છે ને પ્રાણ પ્રતિષ્ઠા થતા જ એની દિવ્યતામાં ઓર વધારો થશે એ નિ:શંક બાબત છે.

તા. 20મી એ સવારે 8:00 વાગ્યે યજ્ઞનો શુભારંભ, 8:45 વાગ્યે પ્રાયશ્ચિત વિધિ, 9:15 કલાકે પંચાંગ વિધિથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે. ત્રણે દિવસ બપોરે તથા સાંજે મહાપ્રસાદનું આયોજન છે. તારીખ 21 મીના સવારના શોભા યાત્રા પાટડી નગરમાં ફરશે. જે શોભાયાત્રામાં કિંજલ રબારી, રવિ ખોરજ, સંજય ભાંડુ, વિપુલ સુસરા, રાયમલ પાડીવાડા, સુરેશ ડુમાણા, રાકેશ બારોટ, દિવ્યાબેન ચૌધરી, રાહુલ આંજણા, વિશાલ ઠાકોર, વિજય જોરણંગ, ગમન મેરવાડા રાસ ગરબાની કલા પ્રસ્તુત કરશે.

22મીએ સાંજે સંતવાણી કલાકારો રમઝટ બોલાવશે

તા. 22 મીએ પૂ .જગાબાપા ની પુણ્યતિથિ હોવાથી રાત્રે 9:00 વાગ્યાથી સંતવાણી-ડાયરો થશે જેમાં સુપ્રસિદ્ધ કલાકારો કિર્તીદાન ગઢવી, દેવરાજ ગઢવી (નાનો ડેરો), બ્રિજરાજદાન ગઢવી, જીગ્નેશ બારોટ, ગમન સાંથલ, વિજય સુવાળા, હકુભા ગઢવી, ઉમેશ બારોટ, સાગરદાન ગઢવી, જયમંત દવે, મેરુ રબારી, કુસા મહારાજ, દાદુભાઇ રબારી અને સાજીંદાઓ જીતુ બગડા એન્ડ ગ્રુપ, બબલુ પાનસર, એચ.વી. સાઉન્ડના સંગાથે રંગત કરશે. ત્રણેય દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય જનકભાઈ દવે તથા નયનભાઈ ભટ્ટ ની નિશ્રામાં વિદ્વાન પુરોહિતો દ્વારા સંપન્ન થશે. ધર્મ પ્રેમી જનતાને આ મહોત્સવ નો લાભ લેવા પૂ. ભાવેશબાપુ અને સીતારામ પરિવારે અપીલ કરી છે.

ત્રિદિવસીય  મહોત્સવમાં આશરે 1 લાખ ભકતો ઉમટશે

ઉદાસી આશ્રમ, પાટડી ખાતે જગદીશ્વર મહાદેવ મંદિરના ત્રિદિવસીય  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આશરે 1 લાખથી વધુ ભકતો ઉમટશે તા.20-21-22એ ભજન-ભોજન અને સંતવાણીનો લાભ લેવા તમામ ધર્મપ્રેમી જનતાને   આમંત્રણ  અપાયું છે. સાથોસાથ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણેય દિવસ  બપોરે -સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  તા.21મીએ સવારે નગરયાત્રા નીકળશે. જેમાં અલગ અલગ જગ્યાએ  શિવલિંગ પર રૂદ્રાભિષેક  કરવામાં આવશે. ત્યારબાદ  22મએ બપોરે 12.39 કલાકે અભિજીત મૂહૂર્તમાં શિવજીનાં બેસણા થશે. ત્યારબાદ સાંજે નાની દીકરીઓ માટે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  મહાપ્રસાદ અને  રાત્રે ભવ્ય સંતવાણી યોજાશે.

પૂ.જગાબાપાના કૈલાસગમન બાદ  પૂ.ભાવેશબાપુએ પરંપરા આગળ ધપાવી

પાટડીના મહંત શ્રી પૂ. ભાવેશબાપુએ જણાવ્યું હતુ કે, મારા ગુરૂ મહારાજે જે કાર્ય અધુરૂ મુકયું હતુ તે પૂર્ણ કરવાનો અવસર  મને મળ્યો છે. જગાબાપા  હૈયાત હતા અને તેમની ઈચ્છા હતી કે મારા આંગણે  મહાદેવનું મંદિર બને બાપાના  કૈલાસગમન બાદ એ સપનું પૂર્ણ કરવાનો  અવસર મને મળ્યો અને માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ  108 ફૂટ ઉંચુ શિખર ધરાવતુ જગદીશ્વર મહાદેવ મંદિર  તૈયાર થયું છે તેનો મને આનંદ છે.

1111 કળશ દ્વારા  મૂર્તીઓ પર સ્નપન વિધી થશે

ગુજરાતમાં કયારેય ન  બની હોય એવી  ધાર્મિક  ઘટના પાટડીના ઉદાસી આશ્રમે સર્જવા જઈ રહી છે. જેમાં 1111 કળશ  દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મૂર્તિઓ પર સ્નપન વિધિ થશે. સ્નપન વિધિ એટલે અનેક વિધ ઔષધિઓ થકી જળને પવિત્ર  કરી એ પવિત્ર જળથી તમામ મૂર્તિઓનો વૈદિક  મંત્રોચ્ચાર  સાથે અભિષેક થશે ભૂતકાળમાં અંબાજી મંદિરે  1011 કળશથી સ્નપન વિધિ થઈ હતી તે ઉલ્લેખનીય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.