Abtak Media Google News

એક સપ્તાહ પૂર્વે સ્કુલ બસ ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત નિપજતા એક જ બસનો વિમો ભરી બે બસ ચલાવવાનો ભાંડો ફૂટયો

ભેસાણની  સ્કૂલ બસને તાજેતરમાં નડેલ અકસ્માતમાં ડ્રાઇવરના થયેલ મોત બાદ વીમો પકાવવા માટે બીજી બસના નંબર પ્લેટ લગાવી, ખોટા દસ્તાવેજો ઉભા કરી, શાળાના  પિતા-પુત્ર સંચાલકોએ ગુન્હો કર્યાની  પોલીસે ફરિયાદ નોંધાવતા ભેસાણ પંથકમાં આ બાબત ચર્ચાને ચકડોળે ચડી છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ભેંસાણ ખાતે આવેલી માધવ સ્ક્ુલના સંચાલક પ્રિતેશ પરષોતમ કોઠીયા અને તેના પિતા પરષોતમ કુરજી કોઠીયા બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી પુરાવાનો નાશ કર્યા અંગેની પીએસઆઈ ડી.કે. સરવૈયા ફરિયાદી બની ફરિયાદ નોંધી છે.

આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર, ભેસાણ ખાતે આવેલ માધવ સ્કુલનું સંચાલન કરતા પ્રીતેશભાઇ પરષોતમભાઇ કોઠીયા તથા પરષોતમભાઇ કુરજીભાઇ કોઠીયાની સ્કૂલ બસનો ગત તા. 11/03/2023ના રોજ અકસ્માત થયેલ અને તેમાં બસ ડ્રાઇવર હનીફભાઇ હુશેનભાઇ જુણેજા મરણ ગયેલ હતા ત્યારે તેના પુત્ર ફરીયાદી અહેસાનભાઇ હનીફભાઇ જુણેજા પાસે ખરેખર અકસ્માત થયેલ બસનો નંબર જીજે 16 વી 9516 હોવાનુ તેમજ આ બસનો વીમો પુરો થઇ ગયેલ હોવાનુ જાણવા છતા બસ નં. જીજે 16 વી 9516 ની જગ્યાએ બસના નં. જીજે 11 ટીટી 4289 લખાવડાવી અને બનાવના સ્થળે બસના નંબર યેન કેન પ્રકારે ભુસી પુરાવાનો નાશ કરી, તેની બીજી બસ રજી નં. જીજે 11 ટીટી 4289 વાળીનો વીમો ચાલુ હોય તે નંબર પ્લેટ લગાવી વીમો પાસ કરવા ઠગાઇ કરવાના ઇરાદાથી ખોટા દસ્તાવેજ ઉભો કરી અને ખરા તરીકે ઉપયોગ કરી ખોટો પુરાવો ઉભો કર્યો હોવાની ભેસાણ પો.સ.ઇ. ડી.કે. સરવૈયા એ ફરિયાદી બની ગુન્હો  દાખલ કરેલ છે.

ભેસાણમાં શાળા સંચાલકો દ્વારા વીમો પકાવવા માટે સાચીની જગ્યાએ ખોટી બસના નંબર પ્લેટ લગાવી, ખોટા પુરાવાઓ ઉભા કરતા ભેસાણ પોલીસમાં દાખલ થયેલા ગુના બાદ આ બાબત ચર્ચાનો વિષય બની છે. પોલીસ દ્વારા ધરપકડ  કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.