પોરબંદરના જળપ્લાવિત વિસ્તારોમાં યુરોપના પક્ષીઓ મહેમાન બન્યા

સમગ્ર પોરબંદર જીલ્લો દેશી-વિદેશી પક્ષીઓને લીધે પક્ષી નગરી બની ગયો

શિયાળાની ઋતુમાં યુરોપમાં ઠંડીની પ્રમાણ વધી જતા અને ખોરાક માટે મુશ્કેલીઓ સર્જાતા દર શિયાળે પોરબંદરના મહેમાન બનતા વિદેશી પક્ષીઓથી પોરબંદરના જળપ્લાવિત વિસ્તારો આ શિયાળે પણ ઉભરાઇ રહ્યા હોય પક્ષીપ્રેમીઓને મોજ પડી ગઇ છે અને સમગ્ર પોરબંદર જીલ્લો દેશી-વિદેશી પક્ષીઓને લીધે પક્ષી નગરી બની ગયો છે.

યુરોપમાં શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ પડતું હોય અને જળાશયોમાં બરફ જામી જતો હોવાથી પક્ષીઓને ખોરાક ન મળતો હોવાના કારણે વિદેશી પક્ષીઓ દરિયાઈ માર્ગે પોરબંદરના મહેમાન બને છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં સુરખાબી નગરી પોરબંદર ખાતે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પક્ષીઓ અહીં ઉતરી આવ્યા છે.

પોરબંદર શહેર અને જિલ્લાભરમાં આવેલ જળાશયોમાં શિયાળાના સમયમાં વિદેશી પંખીઓનું આગમન થતા પક્ષી પ્રેમીઓ ગદગદિત બને છે. આ પંખીડાઓ પોરબંદર શહેરની મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય, છાંયાનું રણ, મોકર સાગર, કુછડીનું રણ, બરડા સાગર સહિ‌તના અલગ-અલગ 21 જેટલા ખારા અને મીઠા જળપ્લાવિત વિસ્તારોમાં વિહરતા નજરે પડે છે.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે લાખોની સંખ્યામાં પેલીકન, કોમન ક્રેઈન, ડેમોસાઈલ ક્રેઈન, સોવેલીયર, મલાર્ડ, વ્હાઈટ સ્ટોક તેમજ દુર્લભ ગણાતા માર્બલ ટીલ, બ્લેક સ્ટોક, બાર હેડેડ ગુશ સહિ‌તના પક્ષીઓ અરબી સમુદ્રના કિનારે વસેલા અને સુરખાબ નગર તરીકે વિશ્વ વિખ્યાત પોરબંદરના મહેમાન બન્યા છે.