Abtak Media Google News

૧૯૮૪માં જયારે કોંગ્રેસને ૪૦૪ બેઠકો મળી હતી ત્યારે વોટ શેર હતો ૪૯ ટકા, ૨૦૧૯માં ભાજપનો વોટ શેર અધધધ ૫૮ ટકા

સતત બીજી વખત સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહેલા ભાજપે ૨૦૧૯માં વોટ શેર મામલે પણ સાડા ત્રણ દાયકા જુના રેકોર્ડને ઘ્વસ્ત કરી દીધો છે. વર્ષ ૧૯૮૪માં યોજાયેલી લોકસભાની ચુંટણી કોંગ્રેસ રાજીવ ગાંધીનાં નેતૃત્વમાં લડી હતી. ઈન્દિરા ગાંધીનાં નિધન બાદ પ્રથમ વખત યોજાયેલી લોકસભાની આ ચુંટણીમાં કોંગ્રેસને દેશભરમાંથી સહાનુભૂતિ પ્રાપ્ત થઈ હતી અને રેકોર્ડબ્રેક ૪૦૪ બેઠકો પર ઐતિહાસિક જીત હાંસલ કરી હતી ત્યારે કોંગ્રેસનો વોટ શેર ૪૯ ટકા હતો આ રેકોર્ડ છેલ્લા ૩૫ વર્ષથી યથાવત છે. ૨૦૧૪ની ચુંટણીમાં ભાજપને એકલા હાથે ૨૮૨ બેઠકો પ્રાપ્ત થઈ હતી છતાં વોટ શેરનો કોંગ્રેસનો રેકોર્ડ તુટયો ન હતો.

Advertisement

વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં ભાજપ તોતીંગ બહુમતી સાથે ફરી સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે ભાજપે વોટ શેરનાં રેકોર્ડને પણ બ્રેક કર્યો છે. હાલ ભાજપને ૨૯૪ બેઠકો મળી રહી હોય તેવા ‚ઝાન મળી રહ્યા છે. ભાજપને ૫૮ ટકા મત મળે છે જે આઝાદી કાળથી અત્યાર સુધી યોજાયેલી લોકસભાની ચુંટણીમાં સૌથી વધુ છે. આનો મતલબ એવો થાય છે કે, પ્રત્યેક ૧૦૦ મત માંથી ૫૮ મત એકલા ભાજપને પ્રાપ્ત થાય છે જયારે બાકીનાં ૪૨ મતમાં તમામ રાજકીય પક્ષો આવી જાય છે. જે રીતે દેશભરમાં મોદીની સુનામી ફરી વળી છે તેનાં પ્રચંડ આક્રમણમાં વિપક્ષોનાં સુપડા રીતસર સાફ થઈ ગયા છે. વિપક્ષોની એકતા હવે કેટલા દિવસ ટકે છે તે પણ કડવું અને કહેવું મુશ્કેલ બની ગયું છે.

કોંગ્રેસની કઠણાય: રાજયોમાં ખાતુ પણ ખુલ્યું

ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉતરાખંડ, ઓરીસ્સા, દિલ્હી અને આસામમાં કોંગ્રેસને સમ ખાવા પુરતી એક પણ બેઠક નહીં

પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેવા છતાં કોંગ્રેસને વર્ષ-૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં નિષ્ફળતાથી વિશેષ કશું જ હાથ લાગ્યું નથી. ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી છે. આ વખતે આ આંક ૫૦ થી પાર થાય તેવું વર્તાય રહ્યું છે. દેશની સૌથી જુની રાજકીય પાર્ટીની જાણે કઠણાઈ માંડી હોય તેમ દેશનાં ૨૯ રાજયો પૈકી ૬ રાજયોમાં કોંગ્રેસને સમ ખાવા પુરતી એકપણ બેઠક મળી નથી જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનાં હોમ સ્ટેટ ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

લોકસભાની ચુંટણી પહેલા અને મતદાન બાદ પણ કોંગ્રેસનાં અનેક દિગ્ગજ નેતાઓએ એવી કબુલાત કરતા હતા કે કોંગ્રેસને ૧૨૫થી વધુ બેઠકો એકલા હાથે નહીં મળે જોકે તેઓની આ વાતને જનતાએ બમણું સમર્થન આપ્યું હોય તેમ ૧૨૫ બેઠકોની વાત તો દુર રહી કોંગ્રેસ હાલ ૬૦ બેઠકો સુધી પહોંચે તેવું પણ લાગતું નથી. ૬ રાજયો એવા છે જયાં કોંગ્રેસ ખાતું ખોલવામાં પણ નિષ્ફળ ગઈ છે જેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉતરાખંડ, ઓડિસ્સા, દિલ્હી અને આસામનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં હાલ કસમકસ ચાલી રહી છે અહીં કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને આ એક જ બેઠક મળે તેવું હાલ વર્તાઈ રહ્યું છે તો મધ્યપ્રદેશમાં પણ પોતાની સરકાર હોવા છતાં કોંગ્રેસની હાલત કફોડી છે. અહીં ૨૯ બેઠકો પૈકી ૨૭ બેઠકો ભાજપને ફાળે જતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસને માત્ર ૨ બેઠકો પ્રાપ્ત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.