Abtak Media Google News
  • જેમ સફાઇ સહિતના એવોર્ડ લેવા માટે મોટા અધિકારીઓ જાય છે તેમ આવી જીવલેણ દુર્ઘટના બને ત્યારે પણ ઉચ્ચ અધિકારીઓએ જવાબદારી સ્વીકારવી જોઇએ: પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ‘અબતક’ની મુલાકાત દરમિયાન મુક્તમને વાતચિત
  • એકનેએક ઘટના વારંવાર બની રહી છે છતાં રાજ્ય સરકાર તેમાંથી કોઇ જ સબક લેતી નથી
  • રાજકોટમાં ફાયર એનઓસી મેળવવા બેફામ રૂપિયા આપવા પડતા હોવાની ફરિયાદો છેલ્લા બે દિવસમાં મારી સમક્ષ આવી: શક્તિસિંહ

સત્તા મળે ત્યારે કોઇપણ રાજકીય પાર્ટીએ વિનમ્ર બનવું જોઇએ. ભાજપને ગુજરાતની જનતાએ રેકોર્ડબ્રેક 156 સીટો આપી છે. જેના કારણે હવે સત્તાધીશો અહંકારમાં આવી ગયા છે. ગુજરાતમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ધમધમી રહ્યો છે. તેમ આજે ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

સરકારની સિસ્ટમ ફેઇલ થઇ રહી છે. તંત્ર રોજીંદી કામગીરી કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે. આ અંગે આપનું શું કહેવું છે? તેવા સવાલના જવાબમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ખરેખર સરકારે વિવાદ ટાળવા જોઇએ. પરંતુ અલગ-અલગ સરકારી યોજનાઓના કારણે નવા-નવા વિવાદ ઉભા થઇ રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોનની જીવલેણ અગ્નિકાંડ દુર્ઘટના અંગે તેઓએ ઉમેર્યું હતું કે જ્યાં કલેક્ટર, મ્યુનિ.કમિશનર, પોલીસ કમિશનર, ધારાસભ્યો અને ભાજપના નેતાઓ જતા હોય તે સંસ્થા સામે નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવાની હિંમત નાના કર્મચારી કે અધિકારીઓ શું કરી શકે. સિસ્ટમ ફેઇલ થઇ ગઇ છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે રાજકોટ ખરેખર સ્માર્ટ સિટી નહિં પરંતુ સ્મોલ સિટી હોય તેવું લાગી રહ્યું છે. જેમ શહેરને સફાઇ સહિતના એવોર્ડ મળે ત્યારે આ એવોર્ડ સ્વિકારવા માટે ઉચ્ચ અધિકારીઓ જતાં હોય તેજ રીતે જ્યારે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને ત્યારે પણ ઉપલા અધિકારીઓએ પોતાની જવાબદારી સ્વિકારી લેવી જોઇએ. ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં એકપણ કામ ભ્રષ્ટાચાર વિના થતો ન હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ધમધમી રહ્યો છે. હું બે દિવસથી રાજકોટમાં છું મને અનેક લોકોએ એવી ફરિયાદ કરી છે કે ફાયર સેફ્ટી અંગે એનઓસી મેળવવા માટે તમામ પૂરાવા અને સાધનો હોવા છતાં જો કોર્પોરેશનના અધિકારીઓને પૈસા આપવામાં ન આવે તો ફાયર એનઓસી મળતું નથી. બીજી તરફ જો કોઇ વ્યક્તિ કે સંસ્થા પાસે ફાયરના પૂરા સાધનો ન હોય અને તે પૈસા આપી દે તો તેને આસાનીથી એનઓસી મળી જાય છે. ટૂંકમાં જેની પાસે નિયમ મુજબ બધું ઉપલબ્ધ છે. તે નાગરિક વધુ હેરાન થાય છે અને જે પૈસાના જોરે કામ કરાવે છે તેને કોઇ જ અગવડતા ભોગવવી પડતી નથી.

ગુજરાતની ભાજપ સરકાર પાસે ભલે 156 બેઠકોની તોતીંગ બહુમતી હોય કોંગ્રેસ એક સબળ વિપક્ષ તરીકેની જવાબદારી નિભાવવામાં ક્યારેય પાછીપાની કરશે નહિં. ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સાથે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઇ વસોયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.