Abtak Media Google News

જે દેશ પૂરેપૂરો ભેળસેળિયો મટી જાય તે મહાન, જે સમાજ ભેળસેળિયો મટી જાય તે મહાન અને જે મનુષ્ય મન, વિચાર અને કર્મથી પૂરેપૂરો ભેળસેળિયો મટી જાય તે બધી જ રીતે લાયક!

હમણા હમણા ‘ભેળસેળ’ અંગેના સનસનીખેજ અહેવાલો લગભગ રોજિંદા બની ગયા છે. ભેળસેળને રોકવા અને તેને નાબૂદ કરવા ખાસ કચેરીઓ કામગીરી બજાવે છે.

ભ્રષ્ટાચાર સામેનું યુધ્ધ આપણા રાજકર્તાઓ હારી ગયા છે. મતિભ્રષ્ટતાને દેશવટો આપવામાં પણ આપણો દેશ જીત મેળવી શકયો નથી.

હવે ભેળસેળને નાબુદ કરવાની આપણી લડાઈમાં પણ પરાજિત થવું આપણને પોસાય તેમ નથી.

આપણો દેશ મહાભારત અને પાણીપતના યુધ્ધને ઈતિહાસના સૌથી મોટા યુધ્ધ માનીએ છીએ. એ પછી બે વિશ્ર્વ યુધ્ધો ખેલાઈ ગયા અને તેની વિનાશકર્તા વિષે આપણે ઘણું બધું જાણી ચૂકયા છીએ!

યુધ્ધો અને લડાઈઓમાં પણ ભેળસેળની દુષ્ટતા રહી હોવાની ગંધ આપણા યોધ્ધાઓ તથા સેનાપતિઓએ પારખી લીધી હોવાનું આપણો ઈતિહાસ કહે છે.

ભેળસેળ સામે જીતીને એને કાયમી દેશવટો આપવાનું યુધ્ધ ઓછું અટપટું નથી.

ખાવાપીવાની ચીજોમાં વ્યાપક ભેળસેળ સામેની લડાઈ આરોગ્ય ખાતા દ્વારા લડાય છે. એના અધિકારી અને તેમની ટીમે સૈનિકો જેવી ભૂમિકા ભજવવી પડે છે! ભેળસેળની આશંકા ધરાવતી ચીજો વેચનારાઓને ત્યાં અચાનક દરોડા પાડવા, સંબંધિત ચીજોના નમુના લેવા, એની શુધ્ધિ-અશુધ્ધિની તપાસ કરવી અને અશુધ્ધિ કે ભેળસેળ હોય એવી ચીજોનો નાશ કરવો અને ધારાધોરણ મૂજબ દંડની સજા કરવી, એ બધું અટપટું તો બને જ, તો પણ એની ભયંકરતાને લક્ષમાં લઈને તમામ જરૂરી પગલાં લેવાનું અનિવાર્ય બને છે.

આરોગ્ય, તંદુરસ્તી, સ્વાસ્થ્ય, નિરામયતા, એ બધુ માત્ર પ્રજાજનની, જ નહિ, પણ સમગ્ર સમાજની સુખાકારીના મુખ્ય અંગો છે.

સહુ કોઈને એ વાતની જાણ છે કે, આરોગ્યને અને સફાઈ સ્વચ્છતા અને અંશુધ્ધિને ગાઢ સંબંધ છે. જયાં સફાઈ નથી હોતી ત્યાં અનારોગ્યનાં મૂળ કારણો ખદબદે છે.

અસ્વચ્છતા પણ કોઈને કોઈ પ્રકારની ભેળસેળ જ છે.

પ્રદૂષણ પણ કોઈને કોઈ પ્રકારની ભેળસેળ છે.

દવામાં પણ ભેળસેળ..

હવામાં પણ ભેળસેળ…

વાણીમાં પણ ભેળસેળ…

પાણીમાં પણ ભેળસેળ…

7537D2F3 4

આચાર-વિચારમાં અને વાણી -વર્તનમાં પણ ભેળસેળ, અહી બીજી એક ભેળસેળ તો અજબ જેવી છે ! વણીક સમાજના આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં બોગસ કાર્ડ કાઢી આપવામાં આવતા હોવાની બાતમી આધારે દરોડો પાડયા બાદ પોલીસે વણીક સમાજના બે આગેવાન સહિત ૬ શખ્સોને ઝહપી લઈ જેલ હવાલે કરી દીધા હતા આ ગુનામાં તમામ આરોપીઓ જેલ હવાલે થયાબાદ ભરૂચના હેલ્થ સેન્ટરના ડોકટર અને તેના જ મહિલા કર્મચારીને રાજકોટ લઈ આવી એસઓજી દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

ભેળસેળિયા પરિબળો નિજી સ્વાર્થ માટે, પૈસાની કમાણી માટે, અસામાજીક આદાન પ્રદાન માટે, ચારિત્ર્ય ભ્રષ્ટતા માટેના વાર્તાલાપ માટે, અરે ભગવાનને કરવામાં આવતી પ્રાર્થનામાં પણ સત્ય અસત્યની ભેળસેળ કરે છે. ગીતાની સાક્ષીએ આપવાની થતી જુબાનીમાં, ન્યાયાલયમાં કે બીજે, સમજણ પૂર્વકની ભેળસેળ કરે છે.

જુદા જુદા સામાજીક, કે રાજકીય, કે ધાર્મિક કે આર્થિક વ્યવહારો અંગેની વાતચીતમાં, લખાણમાં, બાંહેધરીઓમાં, સગાઈ-વેવિશાળને લગતી માહિતીનાં આદાન-પ્રધાનમાં પણ સત્ય-અસત્યની ભેળસેળ કરે છે. લખાણોમાં ભેળસેળ કરે છે, સાહિત્યીક લખાણોમાં પણ ભેળસેળ કરે છે.

વ્યાપારિક- વ્યવહારોમાં પણ સત્યની ભેળસેળ કરે છે. દસ્તાવેજી લખાણોમાં પણ ભેળસેળ કરે છે.

નાની નાની લારીઓથી માંડીને મોટા વેપારીઓ, જુદી જુદી ખાણીપીણીની ચીજોમાં, ઔદ્યોગિક આદાનપ્રદાનમાં, પેટ્રોલ-ડિઝલ અને ઓઈલ કે પેટ્રો. ચીજોમાં ભેળસેળ કરે છે. ઘી, દૂધ, છાસ તેમજ તેલોમાં પણ ભેળસેળ કરે છે, જેને આરોગ્ય સાથે સીધો સંબંધ છે. પાન-સોપારી જેવી ચીજો પણ ભેળસેળથી મુકત નથી રહી.

રાજસત્તા અને ધર્મસત્તાની કેટલીક ગતિવિધિઓ પણ ભેળસેળ મુકત નથી રહી શકયા.

ડ્રાયફૂટ અને તીખા, તજ, લવિંગ, એલચી જેવી તેજાનાની ચીજો સુધી ભેળસેળ પહોચી ગયો છે.

પુરૂષો-મહિલાઓની જીવન જરૂરની તમામ ચીજો ભેળસેળની જાળમાં આવી ગઈ છે. વર્તમાન પત્રો, સોશિયલ મિડિયા પણ ભેળસેળ મૂકત રહી શકયા નથી.

7537D2F3 4

શહેરોમાં કચરાના ઢગલા અને ઉકરડાઓ અસ્વચ્છતાનાં ઢગ સર્જે છે. અને તેને લીધે જ અનારોગ્યના રાફડા ફાટે છે.

આવી ભેળસેળ અનેક પાપોનું અને અનાચારોનું મૂળ પણ બને છે. અને પોષક પણ બને છે.

દેવાલયો, વિદ્યાલયો, ન્યાયાલયો, ચિકિત્સાલયો અને ખૂદ સરસ્વતીનાં મંદિરો, તિર્થધામો, આપણી સંસ્કૃતિને કથાકિર્તનોને, અને વિદ્યાપીઠો-યુનિવર્સિટીઓ, જ્ઞાનવિજ્ઞાનમાં કોઈને કોઈ પ્રકારની ભેળસેળથી મૂકત નથી.

ભેળસેળે આપણા સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક ઉત્સવોને ભરડો લીધો છે.

ભેળસેળ એવી જગ્યા રહેવા દીધી નથી કે જયાં એની ગોબરાઈ આંબી ગઈ ન હોય !

જે દેશ ભેળસેળ મુકત તે મહાન…

જે સમાજ ભેળસેળમુકત તે મહાન

જે મનુષ્ય ભેળસેળ મુકત તે બધી રીતે લાયક.

જો વિશ્ર્વ પ્રદુષણ સહિતના ભેળસેળ મૂકત બની જાય તો તે સ્વર્ગ બની શકે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.