Abtak Media Google News

નરેન્દ્ર મોદીના રાહબરી હેઠળ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ઈતિહાસમાં ચાર ચાંદ લગાવ્યા

આખરે ગુજરાતની જનતાએ સરકાર ચૂંટી લીધી ! તમામ અટકળોનો અંત આવ્યો છે. મોદી લહેરના કારણે એક્ઝિટ પોલ પણ ફરી એકવાર ખોટા પડ્યા છે. જનતાએ ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના 156 ધારાસભ્યોને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે. જ્યારે કોંગ્રેસના 17 અને આમ આદમી પાર્ટી 4 અને અન્ય પક્ષના 4 ધારાસભ્યોને પોતાના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં મોકલ્યા છે.

Advertisement

વડાપ્રધાન પોતાના દરેક ભાષણમાં કહેતા હતા કે આ વખતે આપણે નરેન્દ્રના રેકોર્ડ તોડવાના છે. વડાપ્રધાનની વાત જાણે કે, લોકોએ માથે ચડાવી લીધી હોય તેમ માત્ર નરેન્દ્રના જ નહીં પરંતુ માધવસિંહ સરકારમાં 149 બેઠકો જીતવાના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર કોઈ પક્ષે 150નો આંકડો વટાવ્યો છે. આ સિદ્ધિમાં પણ ઉડીને આંખે વળગે તેવી 5 બેઠકો છે. આ બેઠકો પર પ્રથમ વખત ભાજપને જીતવામાં સફળતા મળી છે. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો ત્યારથી ભાજપ આ બેઠક જીતી શકી ન હતી. 2002માં મોદી લહેરમાં ભાજપે 127 બેઠક જીતી ત્યારે પણ આ 5 બેઠક જીતવામાં ભાજપ સફળ રહી ન હતી.

બોરસદ

આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક. જે પટ્ટો સામાન્ય રીતે કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે. ગુજરાત અલગ પડ્યું એ પછી બોરસદની સીટ પરની પહેલી ચૂંટણી સ્વતંત્ર પાર્ટીના મગન પટેલ જીત્યા હતા. એ અપવાદને બાદ કરતાં અત્યારસુધીની ચૂંટણીમાં અહીં કોંગ્રેસનું જ રાજ રહ્યું છે. માધવસિંહ સોલંકી પણ 1990ની ચૂંટણીમાં અહીંથી જીત્યા હતા. ત્યારબાદ ભરતસિંહ સોલંકીએ બોરસદની બેઠક જાળવી રાખી હતી. એવું કહેવાતું હતું કે બોરસદમાં કોંગ્રેસ હારે તો સમજવું કે ગુજરાતમાં કોંગ્રેસનું પતન થયું અને આ વખતે થયું પણ એવું જ છે. ભાજપે બોરસદનો અભેદ કિલ્લો ભેદી નાખ્યો છે.

ઝઘડિયા

આદિવાસી મતદારોનું વર્ચસ્વ ધરાવતા ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પર અત્યાર સુધીમાં જેટલા ઉમેદવારો જીત્યા છે તે બધા વસાવા અટકધારી જ છે. 1962ની પહેલી ચૂંટણીમાં ધનુબેન વસાવા જીત્યા ત્યારથી આ ક્રમ જળવાયેલો રહ્યો છે. 2002 સુધી બધા વસાવા અટકધારી વિજેતા કોંગ્રેસના હતા. જે ક્રમ છોટુ વસાવાએ તોડ્યો હતો. જોકે આ વખતે ભાજપના રિતેશ વસાવાએ જીતીને નવો જ વિક્રમ સર્જ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં ભાજપે આ બેઠક પર પ્રથમવાર પગપેસારો કર્યો છે.

વ્યારા

તાપી જિલ્લો 2007માં અલગ થયો એ પહેલાં સુરતમાં સામેલ હતો અને વ્યારા વિધાનસભા બેઠક સુરતમાં જ આવતી હતી. પરંપરાગત રીતે આદિવાસી મતદારોના પ્રભુત્વવાળી આ બેઠકને અમરસિંહ ચૌધરીની બેઠકના નામે ઓળખવામાં આવે છે. વ્યારા બેઠક પર વચ્ચે 2002માં એક વખત અમરસિંહના પુત્ર તુષાર ચૌધરી પણ જીત્યા છે. જોકે અત્યારસુધી પ્રતાપ ગામીત એકમાત્ર એવા ઉમેદવાર છે, જે અપક્ષ તરીકે ચૂંટાયા છે. આ આખો ક્રમ હવે ભાજપના મોહન કોંકણીએ તોડ્યો છે.

મહુધા

મહુધાની સીટ ખેડા જિલ્લામાં આવેલી છે, જેને મતદારો નટવરસિંહની સીટ તરીકે પણ ઓળખે છે. મહુધાની બેઠક 1972ની ચૂંટણીમાં પહેલીવાર અસ્તીત્વમાં આવી હતી. ત્યાં સુધી તે ખેડાની બેઠકમાં જ સામેલ હતી. બેઠક પર કોંગ્રેસ વતી નટવરસિંહ ઠાકોર લાગલગાટ છ વખત જીતી ચૂક્યા છે. આ કારણથી જ મહુધાને કોંગ્રેસની મજબૂતમાં મજબૂત સીટ ગણવામાં આવે છે. મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો જાળવવામાં મહુધા બેઠકના ઠાકોર મતદારોનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. જોકે સંજયસિંહ મહિડાએ આ વખતે મહુધા બેઠક પર ભગવો લહેરાવ્યો છે.

ગરબાડા

ગુજરાત અલગ થયું ત્યારથી 52 વર્ષ સુધી ગરબાડા વિધાનસભા બેઠક અસ્તીત્વમાં આવી નહોતી. 2012માં નવા સીમાંકન બાદ ગરબાડા બેઠક દાહોદ જિલ્લાની સ્થાપના સાથે અલગ કરવામાં આવી હતી. આ બેઠક પર સળંગ બે ચૂંટણીમાં કોંગ્રેસના ચંદ્રિકા બારિયાએ જીત મેળવી છે. જોકે ત્રીજી વખતની ચૂંટણીમાં ભાજપના મહેન્દ્ર ભાભોરે બાજી મારી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.