Abtak Media Google News

યુપી સહિત પાંચ વિધાનસભાઓની નજીકના ભવિષ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ માટે અને કેન્દ્ર સરકારની નીતિઓ તથા કોરોના તેમજ રસીકરણની પરિસ્થિતિ અંગે ઉંડી ચર્ચા-વિચારણા કરવાની કવાયત ભાજપમાં શરૂ થઈ ગઈ છે. આજે યોજાયેલી મહત્વની બેઠકમાં પાંચ રાજ્યોની ચૂંટણીઓ જીતવાની વ્યૂહ રચના પર અને ભાજપના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે વ્યાપક અને જોરદાર મનોમંથન કરવામાં આવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય વડામથકે મળેલી આ મહત્વની બેઠકમાં સંખ્યાબંધ કેન્દ્રીય મંત્રીઓ અને પક્ષના ટોચના આગેવાનોએ હાજરી આપી હતી.

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પક્ષમાં પુરેપુરી તૈયારીઓ કરી લેવામાં આવે અને કાર્યકરો કેન્દ્ર સરકારની નીતિઓ તથા કાર્યક્રમોની હકીકતો આમ આદમી સુધી પહોંચાડે તે દિશામાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન આપવા માટેનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયા, સ્મૃતિ ઈરાની, ભુપેન્દ્ર યાદવ, અરૂણસિંઘ, કિરણ રિઝીજ્જુ અને કૃષિમંત્રી તોમર સહિત સંખ્યાબંધ કેન્દ્રીયમંત્રીઓ તથા અગ્રણીઓએ હાજરી આપી હતી.

ગૃહમંત્રી અમીત શાહે આગામી ચૂંટણીઓની તૈયારી માટે સજ્જ થઈ જવા આગેવાનો અને કાર્યકરોને હાકલ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આમ આદમી માટે અમલમાં મુકવામાં આવેલી યોજનાઓ અને તેના ફાયદાઓથી છેવાડાના વર્ગ સુધીના લોકોને અવગત કરાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. કેન્દ્રીય યોજનાઓ સહિતની કલ્યાણકારી યોજનાઓની હકીકતો લોકો સુધી પહોંચાડવા દેશભરમાં અને ખાસ કરીને જ્યાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોમાં મહેનત કરવા માટે જે તે રાજ્યના આગેવાનોને તાકીદ કરવામાં આવી હતી. પોત-પોતાના રાજ્યોમાં આ જવાબદારી સંભાળી લેવા અને લોકો સાથે જીવંત સંપર્ક વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

ભાજપ દ્વારા શરૂ થયેલી આ કવાયતને રાજકીય નિરીક્ષકો ખુબજ મહત્વ આપી રહ્યાં છે. કોરોના કાળમાં મોદી સરકાર પર ખુબજ માછલા ધોવાયા હતા. એ કારણે ભાજપ સરકાર અને પક્ષની પ્રતિષ્ઠાને પુન: ચમકાવવા માટે ખુબજ પ્રયત્નશીલ બન્યું છે. લોકોમાં જે છાપ ઉભી થઈ છે તે દૂર કરવા માટે અને મોદી સરકારે ઘડેલી કલ્યાણકારી યોજનાઓથી લોકો વાકેફ બને તે દિશામાં કાર્યકરો ફૌજને અત્યારથી જ કામે લાગી જવાનો સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.