Abtak Media Google News

રાજકોટ જિલ્લા પંચાયતની બે બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીત: ભાજપે શિવરાજપુર બેઠક ગુમાવી

કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધા બાદ પણ ડો.ભરત બોઘરા અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અંદરો-અંદર લડી રહ્યાં છે. આ લડાઈથી ભાજપને પારાવાર નુકશાની વેઠવી પડે છે. રાજકોટ જિલ્લા પંચાયતની બે બેઠકો માટે ગત રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીના મતદાન બાદ આજે હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા છે.

બન્ને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે. આ બન્ને બેઠકો જસદણ તાલુકામાં આવતી હોય મતદારોએ બાવળીયા અને બોઘરાની આંતરીક લડાઈથી જનતા નારાજ હોવાનો સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. અગાઉ ફેબ્રુઆરી માસમાં યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં પણ કોંગ્રેસે જસદણ અને વિંછીયા તાલુકા પંચાયત આ બન્ને નેતાની આંતરીક લડાઈમાં ગુમાવવાનો વારો આવ્યો હતો.

અગાઉ વર્ષો પહેલા કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં આવેલા ડો.ભરત બોઘરાને પક્ષે સમયાંતરે યોગ્ય માન-મોભા અને હોદ્દા આપ્યા હતા. દરમિયાન કોળી મતદારોને આકર્ષવા માટે કુંવરજીભાઈ બાવળીયાને પક્ષાંતર કરાવી ભાજપે કેબીનેટ મંત્રી બનાવી નવાજ્યા હતા. પરંતુ જસદણ પંથકમાં ડો.ભરત બોઘરા અને કુંવરજીભાઈ બાવળીયાની આંતરીક લડાઈના કારણે ભાજપે પારાવાર નુકશાની વેઠવી પડે છે.

ગત  ફેબ્રુઆરી માસમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો પર કમળ ખીલ્યું હતું. પરંતુ જસદણ અને વિંછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કોરોનાના કારણે રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી બેઠક અને શિવરાજપુર બેઠકના સભ્યોના મોત નિપજતાં આ બન્ને બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે.

કોંગ્રેસ સાણથલી બેઠક ભાજપ પાસેથી આંચકી લેવામાં સફળ રહ્યું છે. જ્યારે શિવરાજપુર બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. જિલ્લા પંચાયતની સાણથલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શારદાબેન વિનુભાઈ ધડુક અને ભાજપના ઉમેદવાર રસીલાબેન વેકરીયા વચ્ચે સીધો જંગ હતો જેમાં શારદાબેનને 5103 મતો મળ્યા હતા અને રસીલાબેનને 4868 મતો મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ફાળે 2868 મત ગયા હતા જ્યારે નોટામાં 210 મત પડ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર શારદાબેનનો 235 મતે વિજય થયો હતો.

જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિનુભાઈ મેણીયા અને ભાજપના ઉમેદવાર છગનભાઈ તાવયા વચ્ચે સીધો જંગ હતો. જેમાં વિનુભાઈ મેણીયાને 5621 અને ભાજપના ઉમેદવાર છગનભાઈને 4868 મતો પ્રાપ્ત થયા હતા. આમ આદમી પાર્ટીને ફાળે 1990 અને નોટામાં 244 મતો પડ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર વિનુભાઈ મેણીયાનો 2084 મતોથી વિજય થયો હતો.

બોઘરા અને બાવળીયા વચ્ચેની લડાઈથી ભાજપને નુકશાની થઈ રહી હોવાનું વધુ એક વખત પ્રસ્થાપિત થયું છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે એક વર્ષ જેટલો સમયગાળો બાકી છે. ભાજપ પાસે હજુ સમય છે. જો આ બન્ને મોટાગજાના નેતાઓ વચ્ચે સમાધાનનો સેતુ રચાય જાય તો પક્ષ માટે ફાયદાકારક છે. અન્યથા વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે કળ ન વળે તેવી નુકશાની વેઠવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.