Abtak Media Google News

ગૌણ સેવા પસંદગી પેપર લીક કાંડ, સૌ.યુનિ.નું ભરતી કૌભાંડ, બેરોજગારી,ડ્રગ્ઝ કાંડ, ખેડુતો સહિતના પ્રશ્ર્ને વિપક્ષે સરકારને ઘેરી: મોક મુખ્યમંત્રીએ આપ્યા ઉડાવ જવાબ

કોંગ્રેસ દ્વારા આજે મોક વિધાનસભાનું આયોજન થયું હતુ જેમાં શાસક ભાજપ પર આકરા પ્રહારો કરી સત્તાધીશોની હાંસી ઉડાવવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા આજે ધારાસભ્યો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં હેમુગઢવી હોલ ખાતે મોક વિધાનસભાનું આયોજન કરવામા આવ્યું હતુજેમાં કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર મુખ્યમંત્રીની ભૂમિકામાં હતા. તો પૂર્વ મુખ્યમંત્રીની ભૂમિકામાં બાબુભાઈ વાઝા, શિક્ષણ મંત્રી તરીકે રૂત્વીક મકવાણા, ગૃહમંત્રી પદે જશવંતસિંહ ભટ્ટી, કૃષિમંત્રી લાખાભાઈ ભરવાડ, મહેસુલ મંત્રી પ્રવિણભાઈ મુછડીયા, તો વિપક્ષમાં નેતા તરીકે સી.જે. ચાવડા, ઉપ નેતા લલીત વસોયા, દંડક પૂંજાભાઈ વંશ, વિધાનસભાના અધ્યક્ષ તરીકે સુર્યસિંહ ડાભી અને સચીવ તરીકે મહેશ રાજપૂત રહ્યા હતા.

આ મૂક વિધાનસભામાં વિપક્ષના સભ્યોએ ગૌણ સેવા પસંદગીનું પેપર લીક કાંડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ભરતી કૌભાંડ, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની સહાય, તોકતે વાવાઝોડા પછીની ગીર-સોમનાથ પંથકની બેહાલી, બેરોજગારી, યુવાનોના પ્રશ્ર્નો સહિતના મુદે શાસકોને ઘેર્યા હતા.

મુખ્યમંત્રીનીભૂમિકા નિભાવતા શૈલેષ પરમારે હાસ્યાસ્પદ અને ઉડાવ જવાબો આપીને લોકોનું મનોરંજન કર્યું હતુ અને ભારતીય જનતાપાર્ટીના શાસકોપર આકરા પ્રહારો કર્યા હતા.

લગભગ 1 કલાક સુધી ચાલેલી પ્રશ્ર્નોતરી દરમ્યાન વિપક્ષે ધારદાર સવાલો કર્યા હતા. જેના મુખ્યમંત્રી અને મંત્રીઓએ રમુજી જવાબો આપ્યા હતા. પ્રશ્ર્નોતરી દરમ્યાન વિક્રમ માડમને સારજન્ટોએ ગૃહની બહાર ધકેલી દીધા હતા. આમ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે કોંગ્રેસે મોક વિધાનસભા દ્વારા વિરોધ કરી લોકોના ધ્યાને સરકારની નીતિરીતિ મૂકવા પ્રયાસ કયો હતો.

આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય ઈતિહાસની સૌથી જુના બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષ અને આઝાદીની લડતમાં જેનું સૌથી મોટું યોગદાન છે એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 137 માં સ્થાપના દિવસની ઉજવણી પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી.

જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક રાષ્ટ્રીય ચળવળના રૂપમાં અસ્તિત્વમાં આવેલ અને સમય જતા તે દરેક ભારતીયનો અવાજ બનીને ઉભરી આવેલ પક્ષ છે. તેનો શહાદત, ત્યાગ, સંઘર્ષ, આંદોલન અને દેશભક્તિ થી ભરપુર છે. હિટલર અને સરમુખત્યારોની વિચારધારા વાળા અંગ્રેજોને આ દેશ માંથી ભગાડતી કોંગ્રેસ કે જે આઝાદીની લડાઈ લડ્યું છે.

ઈતિહાસના પાના જો વાંચવામાં આવે તો કેટલીક પાર્ટીઓ વિશ્વમાં દેશને આઝાદ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોય પણ સતા ઉપર આવી અને દેશનું નવનિર્માણનું કામ ન કર્યું હોય તેવી કેટલીઓ પાર્ટીઓ છે. પણ આપને ગૌરવ લઈ શકીએ અંગ્રેજોના જુલમમાંથી આ દેશ ને કોંગ્રેસે આઝાદ કરાવ્યો અને માત્ર આઝાદ નહિ કરાવ્યો પરંતુ એ વખતે અંગ્રેજો કહેતા હતા કે ગરીબ ભૂખમરા વાળો દેશ અમે જતા રહેશું તો આ દેશ નું શું થશે એ વખતે કોંગ્રેસે અંગ્રેજો ને આ દેશ માંથી કાઢ્યા.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પક્ષે દેશના અનેક મહા સપૂતોએ નેતૃત્વ પૂરું પાડ્યું છે અને અને તેમના મહાન વિચારોનો ભવ્ય વારસો આપણને પ્રાપ્ત થયો છે. પુ.મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, લાલબહાદુર શાસ્ત્રી, ડો. આંબેડકર, શ્રીમતી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા ત્યાગ અને બલિદાનના પ્રતિક સમા અનેક મહાપુરુષો એ આ પક્ષનું નેતૃત્વ કાર્ય છે. આઝાદી બાદ પણ જયારે જ્યારે રાષ્ટ્ર ની એકતા અને અખંડિતતા પર જોખમ ઉભું થયું છે ત્યારે ત્યારે દરેક કોંગ્રેસી માતૃભૂમિના રક્ષણ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દેવા પણ તત્પર રહ્યો છે.

આ ધ્વજવંદન કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મનપા ના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હેમાંગભાઈ વસાવડા, પૂર્વ પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઇ મકવાણા, રહીમભાઈ સોરા, નિદતભાઇ બારોટ, ધરમભાઇ કાબલીયા, મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પૂર્વ મનપાના ઉપનેતા મનસુખ કાલરીયા, દીપ્તિબેન સોલંકી, ભાર્ગવભાઇ પઢીયાર તેમજ વોર્ડ પ્રમુખો અશોકભાઈ જોષી, કૃષ્ણદત્તભાઇ રાવલ, અલ્પેશભાઈ ટોપીયા, દીપકભાઈ મકવાણા, શૈલેષભાઇ સાકરીયા, કેતનભાઈ જરિયા, ગીરીશભાઈ ઘરસંડિયા, જગદીશભાઈ ડોડીયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, વિજયસિંહ જાડેજા, બીજલભાઈ ચાવડીયા, વાસુંભાઇ ભંભાણી,  સહિતના આગેવાનો કાર્યકરો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

એક પખવાડિયામાં કોંગ્રેસ કાર્યક્રમો ચૂંટણીની રણનીતિ
જાહેર કરશે : જગદીશ ઠાકોર

2022 ની અમે રણનીતિ બનાવી રહ્યા છીએ લોકસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરી , 2017 ના ઇલેક્શન ની સમીક્ષા કરી ત્યાર બાદ 2022 ની રણનીતિના ભાગરૂપે સમગ્ર જિલ્લાવાર સંગઠનના લોકોને મળી રહ્યા છીએ.તેમજ અમારી રણનીતિ બનાવી રહ્યા છીએ અમે આગામી દિવસોમાં દર પંદર દિવસે અમારી રણનીતિ અને અમારા કાર્યક્રમો આપની સમક્ષ રજૂ કરતા રહેશું

હું પણ 11 મહિના માટે જ મુખ્યમંત્રી છું: મોક મુખ્યમંત્રી કોંગ્રેસની મોક વિધાનસભામાં અબતકે પુછયા સવાલો

અબતકે કોંગ્રેસની મોક વિધાનસભામાં મુખ્યમંત્રીને અણીયાળા સવાલો કર્યા હતા. યુવાનોને 11 મહિનાના સમયગાળા માટે ફ્રીકસ પગારથી નોકરી અપાય છે. એ મુદે સવાલ કરાતા મોક મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે હું પણ 11 મહિના માટે મુખ્યમંત્રી બન્યો છું જો મુખ્યમંત્રી પણ ફીકસ ટાઈમ માટે હોય તો પછી નોકરીયાતોને પણ એ જ લાગુ પડે છે.

બીજો સવાલ યુવાનો બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. એ મુદે કરતા મોક મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે યુવાનો હવે ધીમેધીમે ડ્રગ્ઝના રવાડે ચડતા જાય છે. એટલે હવે આવતા દિવસોમાં નોકરી માંગવા માટે કોઈ નહી આવે આ અમારો એજન્ડા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.