Abtak Media Google News

કોંગ્રેસની કુનીતિઓને પ્રજાએ ફરી એકવાર પરાજયનો સ્વાદ ચખાડયો: ૬૦ ટકાથી વધુ પાલિકામાં કેસરીયો લહેરાયો

ગુજરાતની નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય સફળતાનો શ્રેય રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આપતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ અધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, ‘આ ચૂંટણી પરિણામો મુખ્યમંત્રીના અસરકારક નેતૃત્વ, પ્રજાલક્ષી શાસન અને લોકહિતમાં અત્યંત ઝડપી નિર્ણયો લેવાની તેમની નિષ્ઠા તેમજ કાર્યશૈલીમાં પ્રજાએ મુકેલા વિશ્ર્વાસનો વિજય છે. ગત વિધાનસભા ચૂંટણીઓમાં ગુજરાતની ગાદી કબજે કરવાના નિષ્ફળ સપના નિહાળનાર કોંગ્રેસને પ્રજાએ ફરી એકવાર દરવાજો દેખાડી દીધો છે.

વધુમાં ધ્રુવે જણાવ્યું કે, રાજયની ૭૫ નગરપાલિકા ચૂંટણીઓમાં ૬૦ ટકાથી વધુ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે તે હકીકત દર્શાવે છે કે, સુધરાઈથી સંસદ સુધી ભાજપની લોકપ્રિયતા અકબંધ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના સુશાસનને લોકોએ દિલથી વધાવી લીધું છે અને કોંગ્રેસની કુનીતિઓને કારમો જાકારો આપ્યો છે.

ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા કોંગ્રેસના પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલીમાં નગરપાલિકા કબજે કરીને ભાજપે કોંગ્રેસને જબરદસ્ત મહાત આપી છે તો બીજી તરફ કોંગ્રેસના મોટા નેતા ગણાતા કુંવરજીભાઈ બાવળીયાના પોતાના મતક્ષેત્ર જસદણમાં પણ કેસરિયો લહેરાયો છે તે હકીકત લોકોએ કોંગ્રેસને ‘રૂક જાવ’નો આદેશ આપ્યા બરાબર છે.

ગુજરાતનો પાણી પ્રશ્ર્ન હોય કે, ખેડૂતો માટે પાકના ટેકાના ભાવ હોય કે ગુજરાતની પ્રજાના સુખાકારી સંબંધી કોઈપણ પ્રશ્ર્ન હોય, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સમગ્ર મંત્રીમંડળ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત સહુકોઈ સતત પ્રજાની પડખે ઉભા હોય છે અને દિવસ-રાત ગુજરાતના વિકાસની ચિંતા, ખેવના કરે છે અને તે હકીકત લક્ષમાં લઈને જ પ્રજાએ ફરી એકવાર ભાજપને હૃદય સિંહાસન પર બેસાડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.