Abtak Media Google News

તમામ વિધાનસભા બેઠકમાં મહોલ્લે મહોલ્લે સેવા કાર્યોનો રિપોર્ટ અપાશે

છેલ્લા પાંચ વર્ષ દ્વારા રાજય સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રજાલક્ષી કામગીરીથી લોકોને વાકેફ કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા રાજયની તમામ 182 વિધાનસભા બેઠકોમાં એલઇડી રથ (પ્રચાર વાહન) દ્વારા મહોલ્લે મહોલ્લે જઇ જનતાને સરકારની કામગીરીનો રિપોર્ટ આપશે.

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા રાજયના 182 વિઘાનસભામાં એલઇડી રથ (પ્રચાર વાહન)નું  એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું. આ રથ કેન્દ્ર અને રાજય સરકારની પાંચ વર્ષના કામની સિદ્ધીઓ અને વિવિધ યોજનાઓની માહીતી વિઘાનસભા દીઠ પહોંચાડશે.  એલઇડી રથ ફ્લેગઓફ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ ઉપપ્રમુખ  વર્ષાબેન દોશી, પ્રદેશ મહામંત્રી  ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યના મંત્રી  જગદીશભાઈ વિશ્વકર્માં, ગાંધીનગરનાં પ્રમુખ રૂચિરભાઈ ભટ્ટ, મેયર હિતેશભાઈ મકવાણા, પ્રદેશ સહ પ્રવક્તા  ડો.ઋત્વિજ પટેલ, પ્રદેશ મીડિયા વિભાગના ક્ધવીનર ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા.

ગોરઘનભાઇએ  મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભારતીય જનતા ગુજરાત પ્રદેશ પ્રજા સાથે સંવાદ કરવા વર્ષોથી વિવિધ યાત્રાઓ નીકાળી રહ્યા છે. આ વખતે ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પાંચ વિવિધ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે થકી રાજયના તમામ ગ્રામીણ વિસ્તારોને કવર કરવામાં આવશે અને રાજ્યની 144 વિઘાનસભા વિસ્તારમાં યાત્રા ફરશે. આજે જે એલઇડી રથને પ્રસ્થાન કરાવ્યું છે તે રથ આગામી ચૂંટણી સુઘી એક એક વિઘાનસભામાં મહોલ્લે-મહોલ્લે, ગામડે-ગામડે, શહેરે-શહેરે રાજય અને કેન્દ્ર સરકારના કામોનો રીપોર્ટ પ્રજા સમક્ષ રજુ કરશે.

ગોરધનભાઈ ઝડફિયાએ વધુમાં જણાવ્યું કે, રાજનીતિક જીવનમાં પ્રજાએ આપેલ મેન્ડેટ પછી પ્રજાની અપેક્ષા પર ખરા ઉતરવાની જવાબદારી સત્તા પક્ષની હોય છે. ભારતીય જનતા પાર્ટી  હરહંમેશ પ્રજાની સાથે પ્રજાની પડખે ઉભી રહીને સેવાકાર્ય કરે છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પ્રજા સુધી પહોંચે અને તેના મહત્તમ લાભો લાભાર્થીઓને મળી રહે તે હેતુથી આ યાત્રાઓ તેમજ એલઇડી પ્રચાર રથનું ખુબ મહત્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.