Abtak Media Google News

જનરલ બોર્ડ જનરલ વોર્ડમાં ફેરવાઈ ગયું!!!

સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની દારૂની પરમીટની ઝેરોક્ષ કોપીઓ સભાગૃહમાં ઉડાડી, વીડિયો ક્લિપ પ્રદર્શિત કરી: રોગચાળા મામલે ભાજપ અને કોંગ્રેસનાં નગરસેવકોએ સામ-સામા બેનરો દેખાડયા

નીતિન ભારદ્વાજની અપીલ બાદ બંને પક્ષો રોગચાળાની તંદુરસ્ત ચર્ચા માટે તૈયાર થયા પણ પુરી ૧૫ મિનિટ ચર્ચા ન થઈ: સામ-સામી આક્ષેપબાજી, તંત્ર પર વિપક્ષની તડાપીટ

રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠક ફરી એક વખત તમાશા બની હતી. શહેરમાં ફાટી નિકળેલા ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતનાં રોગચાળા અને વિરોધ પક્ષનાં નેતા વશરામ સાગઠીયાની દારૂની પરમીટનાં મામલે બોર્ડમાં ભારે ધમાલ મચી હતી. પ્રજાનાં પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચાને જાણે રાજકીય ઈન્ફેકશન લાગી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ભાજપનાં સિનિયર કોર્પોરેટર નિતીન ભારદ્વાજની અપીલ બાદ બંને પક્ષોનાં કોર્પોરેટરોએ રોગચાળા અંગે તંદુરસ્ત ચર્ચા માટે સહમત ચોકકસ થયા હતા પરંતુ બોર્ડમાં પુરી ૧૫ મિનિટ આ મુદ્દે ચર્ચા થઈ ન હતી. સામ-સામી આક્ષેપબાજીઓથી ફરી એક વખત બોર્ડ સમરાંગણમાં ફેરવાયું હતું. તંત્રની આરોગ્યલક્ષી કામગીરી પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા.

Dsc 2586

મહાપાલિકામાં આજે મળેલી દ્વિ-માસિક જનરલ બોર્ડની બેઠક અપેક્ષા મુજબ તોફાની બની રહી હતી. વિપક્ષે રોગચાળાનાં મુદ્દે બોર્ડનાં આરંભેથી જ દેકારો બોલાવવાનું શરૂ કરી દીધું હતું. અન્ય પ્રશ્ર્નોની ચર્ચા કરવાનાં બદલે રોગચાળાની ચર્ચા કરવાની માંગણી કોંગ્રેસનાં નગરસેવકોએ કરી હતી. સામાપક્ષે ભાજપ પણ ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. પ્રશ્ર્નોતરી કાળનાં પ્રથમ ૩૦ મિનિટ હંગામામાં વેડફાઈ ગયો હતો. ગઈકાલે પત્રકાર પરીષદમાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે વિરોધ પક્ષનાં નેતા વશરામ સાગઠીયાએ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ સમક્ષ દારૂની પરમીટ માટે ૬ અરજીઓ કરી હતી જે પૈકી ૫ અરજીઓ નામંજુર કરવામાં આવતા કોંગ્રેસ છેલ્લા કેટલાક દિવસથી સિવિલમાં હોબાળો મચાવી રહી છે અને રોગચાળાનાં મુદ્દાને ચગાવી રહી છે તેવો આક્ષેપ લગાવ્યો હતો. આજે જનરલ બોર્ડમાં પણ દારૂની પરમીટનો મુદ્દો ચગ્યો હતો. સ્ટેન્ડિંગ ચેરમેને દારૂની પરમીટની ઝેરોક્ષ કોપીઓ સભાગૃહમાં ઉડાડતા સભાગૃહમાં ખળભળાટ મચી ગયો હતો. આટલું જ નહીં પોતાને દારૂની પરમીટ મળી હોવાની વિપક્ષી નેતાને વિડીયો કલીપ પણ બોર્ડમાં પ્રદર્શિત કરી હતી.

Dsc 2634

શહેરમાં રોગચાળાએ માઝા મુકી છે ત્યારે તંત્ર રોગચાળાનાં સાચા આંકડા છુપાવી રહ્યું છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસનાં કોર્પોરેટરોએ સભાગૃહમાં બેનરો દેખાડયા હતા તો સામાપક્ષે ભાજપનાં કોર્પોરેટરોએ રોગચાળાને નાથવા માટે તંત્રએ કરેલી આરોગ્યલક્ષી કામગીરીનાં ફોટા સાથેનાં બેનરો સભાગૃહમાં પ્રદર્શિત કર્યા હતા. સતત અડધો કલાક સુધી જનરલ બોર્ડમાં રોગચાળા અને દારૂની પરમીટ મામલે ઉગ્ર હોબાળા બાદ ભાજપનાં સિનિયર કોર્પોરેટર નિતીનભાઈ ભારદ્વાજે સભાગૃહ સમક્ષ એવી અપીલ કરી હતી કે, આજનાં બોર્ડમાં અન્ય કોઈપણ પ્રશ્ર્નની ચર્ચા થવાનાં બદલે માત્ર રોગચાળા અંગે જ ચર્ચા થવી જોઈએ અને પ્રજાનાં ચુંટાયેલા પ્રતિનિધિઓએ રોગચાળાને નાથવા માટે શું કરવું જોઈએ તેના સુચનો આપવા જોઈએ. તેઓની આ અપીલને ભાજપ તથા કોંગ્રેસનાં નગરસેવકોએ સ્વિકારી લીધી હતી. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સભાગૃહ સમક્ષ રોગચાળાનાં આંકડાઓ અને તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, એલીઝા ટેસ્ટને જ ડેન્ગ્યુ માટે ક્ધફોર્મ માનવામાં આવે છે. શહેરમાં આજ સુધીમાં ડેન્ગ્યુનાં ૪૧૮ કેસો નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા ૧૦ લાખથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે જયારે ૯૮૨૧ ઘરોમાં પોરાભક્ષક માછલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

 

૬૭૫૫ જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને આખા રાજકોટમાં ૩ વખત ફોગીંગ કરાયું છે. ૭૬,૮૭૧ ઘરોમાં હેન્ડ ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છરોની ઉત્પતિ સબબ ૪૨૬૬ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે અને શાળાઓમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. રેપીટ ડાયગ્નોસ્ટીક કીટ દ્વારા કરવામાં આવતા ટેસ્ટમાં પણ પ્લેટલેકમાં ઘટાડો થતો હોય છે અને તેમાં પણ ડેન્ગ્યુની માફક જ સારવાર આપવામાં આવી હોય છે. તંત્રની કામગીરી સામે પણ વિપક્ષે સવાલો ઉભા કર્યા હતા. રાજકોટમાં ૩ વખત ફોગીંગ થયા હોવાની વાતનો સ્વિકાર કરવાનો ઈન્કાર કર્યો હતો. સામાપક્ષે ભાજપે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તમામ તાવ કે વાયરલને કોંગ્રેસ ડેન્ગ્યુ ગણાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહી છે. પ્રશ્ર્નોતરીકાળનો સમય પૂર્ણ થતા કોંગ્રેસે રોગચાળાની ચર્ચા કરવા સમયમાં વધારો કરવાની માંગણી કરી હતી જે સભા અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યએ ઠુકરાવી દીધી હતી. જનરલ બોર્ડ સમક્ષ મંજુરી અર્થે રજુ કરવામાં આવેલી તમામ દરખાસ્તો ઉપરાંત અરજન્ટ બિઝનેસ સ્વરૂપે રજુ કરાયેલી ૨ દરખાસ્તોને મંજુરીની મહોર મારવામાં આવી હતી અને એક શોક ઠરાવ પસાર કરાયો હતો.

Dsc 2638

દર બે મહિને મહાપાલિકામાં મળતી જનરલ બોર્ડની બેઠકમાં પ્રજાનાં પ્રશ્ર્નોની ચર્ચા કરવા માટે એક કલાકનો સમય ફાળવવામાં આવે છે. રાબેતા મુજબ આજે પણ આ સમય ખોટા હોબાળામાં વેડફાઈ ગયો હતો. ભાજપ અને કોંગ્રેસનાં ૩૩ કોર્પોરેટરોનાં ૭૯ સવાલો પૈકી એક પણ સવાલની ચર્ચા જનરલ બોર્ડમાં થઈ શકી ન હતી. રોગચાળાની ચર્ચા કરવા માટે બંને પક્ષો ચોકકસ સહમત થયા હતા પરંતુ ૧૫ મિનિટ પણ તંદુરસ્ત ચર્ચા થઈ ન હતી અને સામ-સામી આક્ષેપબાજીમાં બોર્ડનો સમય વેડફાઈ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.