Abtak Media Google News

સાયબર ક્રાઇમ અધિકારીએ બે આરટીઓ ઇન્સ્પેક્ટર તથા એજન્ટની ધરપકડ કરી

બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ ના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે અમદાવાદથી બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડ ઝડપાયું છે જેમાં સાયબર ક્રાઇમ અધિકારીઓએ બે આરટીઓ ઇન્સ્પેક્ટર સમીર રતનધારીયા તથા જયદીપસિંહ ઝાલાની ધરપકડ કરી છે એટલું જ નહીં આરટીઓ એજન્ટ ભાવિન શાહ ને પણ પકડી પાડવામાં આવ્યો છે. આ અંગેની જાણ થતા એ વાતનો ખુલાસો થયો કે બંને આરટીઓ ઇન્સ્પેક્ટર ના લોગીન આઈડી એજન્ટ ભાવિન શાહ પાસે હતા અને તે અનેક અરજદારોને ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ કર્યા હતા જે અંગેનો ઘટસ્ફોટ થતા તેની ધરપકડ કરાય છે.

અમદાવાદ શહેર આરટીઓ તરફથી એક ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓમાં અરજદારોની ટેસ્ટ લીધા વિના ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવે છે. તે ઉપરાંત ટેસ્ટમાં નાપાસ થયેલા અરજદારોને ટેકનિકલ છેડછાડ કરી પાસ કરાય છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવતું હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ થતા હોય તેમજ ટેકનિકલ છેડછાડ કરીને લાઇસન્સ ઇશ્યુ કરાયા હોવાનું તપાસમાં ખુલતા આરટીઓ અધિકારી તેમજ એજન્ટોની સંડોવણી સામે આવી હતી. આ ગુનાની તપાસમાં સમીર રતનધારીયા, જયદિપસિંહ ઝાલા તથા ભાવીન શાહની અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને બે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.