Abtak Media Google News
  • મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશ મળ્યો : છ સ્થળોએ બોમ્બ મુકવાની માહિતી

મહારાષ્ટ્રની રાજધાની તેમજ દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈને સતત રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવે છે. ફરી એકવાર માયાનગરીમાં બોમ્બ વિસ્ફોટની ધમકી મળી છે, જેના કારણે સમગ્ર પોલીસ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયો છે. મુંબઈ પોલીસને એક ધમકીભર્યો સંદેશ મળ્યો છે, જેમાં છ સ્થળોએ બોમ્બ મૂકવાની માહિતી આપવામાં આવી છે.મેસેજમાં લોકેશનની માહિતી આપવામાં આવી નથી. આ પછી મુંબઈ પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે શહેરના તે તમામ સંવેદનશીલ સ્થળોનું સ્કેનિંગ શરૂ કર્યું, જે આતંકવાદીઓના ટાર્ગેટ લિસ્ટમાં ટોચ પર છે. હાલમાં, પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ કેસની તપાસ શહેર પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ આવ્યો છે. ટ્રાફિક પોલીસે તાત્કાલિક શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસને જાણ કરી હતી. આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જે નંબર પરથી મેસેજ આવ્યો છે તેને ટ્રેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અગાઉ પણ બોમ્બ વિસ્ફોટોનો ભોગ બનેલા મુંબઈમાં વારંવાર આવી ધમકીઓ મળતી રહે છે. ડિસેમ્બર 2023માં પણ આવી બે ધમકીઓએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી. 30 ડિસેમ્બરે જ્યારે સમગ્ર માયાનગરી નવા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહી હતી, ત્યારે પોલીસને ફોન આવ્યો કે ’મુંબઈમાં બ્લાસ્ટ થશે’. જોકે, આ ધમકી નકલી નીકળી હતી.

એ જ રીતે થોડા દિવસ પહેલા મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના મુખ્યાલયને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આરબીઆઈ ઓફિસ સહિત 11 જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે. આરોપીઓએ મેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું રાજીનામું પણ માંગ્યું હતું. આ વ્યક્તિએ પોતાને ખિલાફત ઈન્ડિયા નામની સંસ્થા સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું. આ પછી આરબીઆઈ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. તેણે તરત જ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આની જાણ કરી હતી. મેઈલના આઈપી એડ્રેસને ટ્રેક કરીને પોલીસે 24 કલાકમાં ગુજરાતના વડોદરાથી મેઈલ મોકલનાર આરોપીને પકડી પાડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.