Abtak Media Google News

બાઇકને કારની ઠોકર મારી છ શખ્સોએ પાઇપ અને લાકડીથી માર મારી ઢીમઢાળી દીધું: હત્યાના ગુનામાં ત્રણ શખ્સોની ધરપકડ

ચાર વખત થયેલા હુમલાના બનાવના પગલે મૃતકને એસઆરપીનું અપાયેલું રક્ષણ પરત ખેચાતા કાવતરૂ રચી કરાઇ હત્યા: ખૂનના ગુનામાં સંડોવાયેલા તમામની તાકીદે ધરપકડ કરવા રોષે ભરાયાલે પરિવારજનોની માગ

બોટાદ જિલ્લાના રાણપુર નજીક આવેલા જાળીલા ગામમાં ચૂંટણીના મનદુ:ખના કારણે બરવાળા-જાલીયા સરપંચના પતિના બાઇક સાથે કાર ભટકાડી છ શખ્સોએ પાઇપ અને લાકડીથી માર મારી હત્યા કર્યાની ઘટના પોલીસમાં નોંધાતા ઘેરાપ્રત્યાઘાત પડયા છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોએ અત્યાર સુધી ચાર વખત હુમલો કર્યા હોવાથી એક વર્ષ પહેલાં રાજયના પોલીસ વડાને રક્ષણ માટે રજુઆત કરી હોવા છતાં બે માસ સુધી સુરક્ષા પુરી પાડયા બાદ પરત ખેચી લેવાતા હત્યા થયાના આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા તમામની તાકીદે ધરપકડની માગણી કરી છે.

Advertisement

જાળીલા ગામના સરપંચ ગીતાબેન અને તેમના પતિ ઉપસરપંચ મનજીભાઇ જેઠાભાઇ સોલંકી પોતાના જી.જે.૧એલયુ. ૨૪૯૧ નંબરના બાઇક પર બરવાળાથી જાળીલા ગામે જઇ રહ્યા હતા ત્યારે જી.જે.૬બીએ. ૬૦૦૩ નંબરની કારના ચાલકે ઠોકર મારતા મનજીભાઇ જેઠાભાઇ સોલંકી બાઇક પરથી ફંગોળાયા હતા તે દરમિયાન કારમાંથી ભગીરથ, કિશોર, ભરત બુટાનો પુત્ર સહિત છ શખ્સોએ પાઇપ અને લાકડીથી માર માર્યો હતો.

મનજીભાઇ સોલંકી પર હુમલો થતા જોઇ ખેતરમાં કામ કરતા મજુરો ઘટના સ્થળે દોડી આવતા હુમલાખોરો કાર લઇ બરવાળા તરફ ભાગી ગયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા મનજીભાઇ સોલંકીને સારવાર માટે ધંધૂકા હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓ પર ભગી, કિશોર સહિત છ શખ્સોએ ચૂંટણીના મનદુ:ખના કારણે હુમલો કર્યાનું નિવેદન મોબાઇલમાં રેકોર્ડીગ કરાયું હતું. મનજીભાઇ સોલંકીને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા તે દરમિયાન તેઓનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. મનજીભાઇ સોલંકીની હત્યાની જાણ થતા અમદાવાદ હોસ્પિટલે મોટી સંખ્યામાં દલિત સમાજ એકઠો થઇ ગયો હતો અને પોલીસની બેદરકારીના કારણે હત્યા થયા આક્ષેપ કરતા તંગદીલી સર્જાય હતી.

મૃતક મનજીભાઇ સોલંકીના પત્ની ગીતાબેન ૨૦૧૦માં સૌ પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણી લડયા ત્યારે તેઓ પર હુમલો થયો હતો ત્યાર બાદ ૨૦૧૧, ૨૦૧૬ અને ૨૦૧૮માં હુમલા થયા હોવાથી મૃતક મનજીભાઇ સોલંકી એક વર્ષ પહેલાં રાજયના પોલીસ વડાને રૂબરૂ મળી પોતાના જીવનું જોખમ હોવાની રજૂઆત કરી રક્ષણ આપવાની માગણી કરતા ગૃહ વિભાગ દ્વારા તા.૫-૩-૧૮ ચાર હથિયારધારી એસઆરપીનું રક્ષણ આપવામાં આવ્યું હતું અને તા.૧૮-૫-૧૮ના રોજ રક્ષણ પરત ખેચી લેવામાં આવ્યું હતું. દરમિયાન ૨૦૧૬ના રોજ તેઓ પર થયેલા હુમલાના આરોપીઓનો નિર્દોષ છુટકારો થતા નાનાએવા જાળીલા ગામમાં ફરી બંને સમાજ વચ્ચે વૈમનશ્ય સાથે તંગદીલી રહેતી હોવાથી જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા ગામમાં સુલેહ શાંતિ જળવાય રહે તેવા કાર્યવાહી કરી ન હોવાથી મનજીભાઇ સોલંકીની હત્યા થયાના મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

હત્યાના ગુનામાં સંડોવાયેલા તમામ શખ્સોની તાકીદે ધરપકડ કરવી અને તેઓ સામે અગાઉ હુમલાના નોંધાયેલા કેસની સુનાવણી બોટાદ નહી અમદાવાદ કોર્ટમાં તાત્કાલિક ચલાવવા માગી કરવામાં આવી રહી છે.

મનજીભાઇ સોલંકીની હત્યાના બનાવની જાણ થતાં બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ, એલ.સી.બી.પી.આઇ. એચ.આર.ગૌસ્વામી, સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક મનજીભાઇના પુત્ર તુષારની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી સાયલાથી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.

ઉપસરપંચ પર ચાર વખત  હુમલા બાદ હત્યા કરાઇ,રાજયના પોલીસ વડાને એક વર્ષ પહેલાં રજૂઆત કરાતા બે માસ એસઆરપી સુરક્ષા અપાઇ’તી

જાળીલા ગામના ઉપસરપંચ મનજીભાઇ સોલંકીની થયેલી હત્યા અંગે મૃતકના પરિવાર પર છેલ્લા નવ વર્ષમાં ચાર વખત હુમલો થયાની અને રાજયના પોલીસ વડાને રક્ષણ માટે કરાયેલી રજૂઆત બાદ માત્ર બે માસ સુધી જ ચાર હથિયાર એસઆરપીનો બંદોબસ્ત મંજુર કરાયો હતો.

ગ્રામ પંચાયતની ચૂંટણી ગીતાબેન મનજીભાઇ સોલંકી સૌ પ્રથમ ૨૦૧૦માં લડયા ત્યારે ચૂંટણી દરમિયાન તેમના પરિવાર પર હુમલો થયો હતો.ત્યાર બાદ ચાર વખત હુમલો થયો હોવાથી રક્ષણ પુરૂ પાડવામાં આવ્યું હતું પરંતુ બે માસમાં જ બંદોબસ્ત પરત ખેચી લેવામાં આવ્યો હતો અને ૨૦૧૬ના હુમલાના કેસના આરોપીનો નિદોર્ષ છુટકારો થતા મનજીભાઇ સોલંકીના જીવનું જોખમ વધી ગયું હોવાનું મૃતકના પરિવારજનો જણાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.