Abtak Media Google News

કોઈપણ પાડોશી દેશે હવે ભારતીય કંપનીઓમાં રોકાણ કરવા સરકારની મંજુરી લેવી પડશે

ચીની ડ્રેગન પાછલા બારણેથી ભારતમાં ખુબ મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું હતું

કોરોના વાયરસનાં પગલે સમગ્ર વિશ્ર્વની આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે ત્યારે વુહાનમાંથી ઉદભવિત થયેલા કોરોના વાયરસથી દેશ આખાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે આવેલી આર્થિક મંદીનાં કારણે ઘણાખરા તકવાદીઓ ભારતીય કંપનીઓને ટેકઓવર અને હસ્તાંતરણ કરવાનાં પ્રયત્નો હાથધરી છે.

Advertisement

આ તકે ભારત સરકારે વિદેશી રોકાણ એટલે કે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ પોલીસીમાં તાત્કાલિક અસરથી ફેરફાર કર્યો છે. ચીની ડ્રેગન ઘણા સમયથી ભારત સહિત એશિયાનાં દેશોમાં આવેલી મંદીનો લાભ ઉઠાવવા માટે ઘણી કંપનીઓમાં રોકાણ પણ કરી રહ્યું છે. વિશ્ર્વનાં અન્ય દેશોમાં પાકિસ્તાન બાદ ચાઈના પોતાની વિશ્ર્વાસનિયતાને ગુમાવી રહી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ચીન બાદ બીજી સૌથી મોટી માર્કેટ હોય તો તે ભારતની બજાર છે ત્યારે ભારતમાં મંદ પડેલી મુખ્યત્વે કંપનીઓને ટેકઓવર કરવા જે ચાઈના પ્રયત્નો કરી રહ્યું છે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ફોરેન ડાયરેક ઈન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈમાં ઘણો ફેરબદલ કર્યો હોવાનું સામે આવ્યું છે. ચીનની સેન્ટ્રલ બેંકે એચડીએફસીમાં સૌથી મોટુ રોકાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ તકે નવી નીતિ અનુસાર ભારતની સરહદ સાથે જોડાયેલા કોઈપણ દેશ અથવા દેશમાં વસતો નાગરીક રોકાણ કરવા ઈચ્છતા હોય તો તેઓએ હવે સરકાર મારફતે જ રોકાણ કરી શકાશે. અગાઉ આ પ્રકારની શરતો માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ પુરતી જ હતી.

કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ટવીટ કરી બિરદાવ્યું છે. કારણકે વિશ્ર્વમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, સ્પેન અને ઈટાલી પહેલેથી જ આ પ્રકારનાં કડક નિયમની અમલવારી કરી ચુકયા છે. ફોરેન ડાયરેકટ ઈનવેસ્ટમેન્ટ હેઠળ આવતા રોકાણોને સીધા જ ભારતમાં લાવવા માટેની પહેલા પરવાનગી મળેલી હતી જે હવેના સમયમાં સરકાર હસ્તે જ આગળ આવવા જણાવાયું છે. કોવિડ-૧૯નાં ફેલાવા દરમિયાન ઉભી થયેલી નાણાકિય કટોકટી બાદ ચીને વિશ્ર્વભરમાં નબળી પડેલી અનેકવિધ કંપનીઓને ટેકઓવર કરી છે અને આ વાતથી ઘણાખરા દેશો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. ભારતમાં પણ ચીનનો પગપેસારો જોવા મળી રહ્યો છે ત્યારે સાવધાનીપૂર્વક ભારત સરકારે વિદેશ રોકાણનાં નિયમોને વધુ કડક બનાવ્યા છે. કોરોના પહેલા ચીન દ્વારા વધી રહેલા રોકાણને નિયંત્રણમાં રાખવા અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ થોડા સમય પહેલા ચીન દ્વારા કરવામાં આવતા રોકાણ પર વિવિધ પ્રકારે નિયંત્રણો લાગુ કર્યા છે જેમાં હવે ભારત પણ જોડાયું છે.

વિદેશી રોકાણ કરનારાઓ માટે જરૂરી નિયંત્રણ લાદવાના સુચનોને ધ્યાને લેવા બદલ રાહુલ ગાંધીએ સરકારનો આભાર વ્યકત કર્યો

એફડીઆઈ મુદ્દે સરકાર દ્વારા જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ સરકારનો આભાર વ્યકત કર્યો છે સાથો સાથ એફડીઆઈ ક્ષેત્રને લઈને રાહુલ ગાંધીએ સરકારને જે સુચારુ પગલાઓની હિમાયત કરી હતી તેના પર કેન્દ્ર સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સરકારે વિશ્ર્વનાં અન્ય દેશોમાંથી આવતા રોકાણ અને શેર હોલ્ડિંગની મર્યાદા અંગે મંજુરીની જોગવાઈ કરી છે. કોરોના સંક્રમણની પરિસ્થિતિ વચ્ચે વિદેશી મુડીરોકાણને મંજુરીનાં દાયરામાં લેવાનાં કારણે ચીનનાં મુડી રોકાણ પર નિયંત્રણ આવશે. રાહુલ ગાંધીએ સરકારનાં પગલાની સરાહના કરી ટવીટ કર્યું હતું કે, એફડીઆઈનાં નિયમોમાં સુધારો કરવાની ભલામણ અને ચેતવણીની નોંધ લઈએ. સરકારે જે પગલા લીધેલા છે તે માટે સરકારનો આભાર વ્યકત કરુ છું. રાહુલ ગાંધીનાં જણાવ્યા મુજબ સરકારે વર્તમાન કટોકટીનો લાભ લઈ કોઈપણ વિદેશીઓને દેશની કોર્પોરેટર કંપનીઓ સસ્તા ભાવે પડાવી લેવાની તક ન આપવી જોઈએ. ઉધોગ અને આંતરીક વ્યાપાર, વિકાસ વિભાગ દ્વારા જણાવાયું છે કે, કોઈપણ કંપનીઓમાં મુડી રોકાણ કે હસ્તાંતર કે પછી માલિકી વિનીમયની સાથોસાથ કંપનીને ખરીદતા પહેલા ભવિષ્યના મુડી રોકાણ ભારતમાં કરવા માટે મંજુરી લેવી ફરજીયાત બનાવવામાં આવી છે. સરકાર દ્વારા ભારતની કોઈપણ કંપનીઓને ટેકઓવર કરવા માટે વિદેશી કંપનીઓએ શેર હોલ્ડીંગનાં રૂપમાં મુડી રોકાણ, કંપનીના માલિકી હકકમાં તબદીલી જેવી એફડીઆઈ જેવી કોઈપણ ગતિવિધિઓ માટે સરકારની મંજુરી ફરજીયાત બનાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.