Abtak Media Google News

૧૩૦ વખત રક્તદાન અને ૪ વાર પ્લાઝ્મા આપી સમાજને દાનનો પ્રેરણાદાયી રાહ ચીંધ્યો

લોહી અને તેનો ઘટક પ્લાઝ્મા દુનિયાની કોઈ ફેકટરીમાં નિર્માણ કરી શકાતો નથી. જરૂરિયાતમંદ દર્દીઓને લોહી આપવામાં રેકોર્ડરૂપ ૧૩૦ વખત રક્તદાન કરી ચૂકેલા બિલ્ડર સંજયભાઈ લાખાણીએ સતત ચોથી વખત પ્લાઝ્મા દાન કરી સમાજને અનન્ય પ્રેરણા પુરી પાડી છે.

Advertisement

બિલ્ડીંગ નિર્માણ એટલે કે ક્ધસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા સંજયભાઈ જાણે છે કે ઇમારતના નિર્માણમાં પાયો મજબૂત હોવો જરૂરી છે તે જ રીતે માનવ શરીરમાં સ્વાસ્થ્ય માટે શુદ્ધ લોહી જરૂરી હોઈ તેઓએ લોહીનું દાન કરી અનેક માનવરૂપી ઇમારતને સ્વસ્થ કરવામાં સંજયભાઈ સહભાગી બન્યા છે.

એક વારનું પ્લાઝમાં દાન કોરોનાના બે દર્દીઓને ઉભા કરી શકે છે. પ્લાઝમા દાન કરવાથી કોઇ જ નુકશાન થતું નથી. સેલ્ફ ડ્રાઈવ કરીને પ્લાઝ્મા દાન કરવા આવતા સંજયભાઈ પ્લાઝમા આપ્યા પછી સ્વસ્થતાપૂર્વક કાર જાતે ચલાવી ઘરે જાય છે. પ્લાઝ્માને ક્ધયાદાન સમાન ગણાવી કોરોનાથી સ્વસ્થ થયેલા દરેક લોકોએ આ મહાદાનનો લાભ લેવો જોઈએ તેમ સંજયભાઈ પ્લાઝ્મા ડોનેટ કરતી વખતેજણાવે છે.

સંજયભાઈ સિવિલ હોસ્પિટલને સારામાંસારી સંસ્થા ગણાવી અહીંના ડોક્ટર્સ ટીમની ભારોભાર પ્રશંસા કરતા કહે છે કે, અહીંની ટીમ ખુબજ કો-ઓપરેટીવ છે. અહીં આવું ત્યારે મને દરેક વખતે ફેમિલી જેવી લાગણી થાય છે.

અહીંની બ્લડબેંક આધુનિક હોવાનું, તેનું સુયોગ્ય સંચાલન અને કીટ એક વાર વાપરવામાં આવતી હોઈ કોઈ ઇન્ફેક્શનનો ભય નો હોવાનું જણાવી દરેક લોકોને પ્લાઝ્મા આપવા આગળ આવવા લાખાણીભાઈ અનુરોધ કરે છે.

પેથોલોજી લેબના સંચાલન કરતા ડો. કૃપાલ પુજારા સંજયભાઈનો કૃતજ્ઞતા ભાવ સ્વિકારી તેમનો ખાસ આભાર માનતા અન્ય લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવા આવકારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.