Abtak Media Google News

રૈયા રોડ, બીજો રીંગ રોડ, યુનિવર્સિટી રોડ અને મવડી વિસ્તારમાં 35 ઝુંપડા સહિત 50 દબાણો કરાયા જમીનદોસ્ત: 86.66 કરોડની 11,974 ચો.મી.જમીન ખૂલ્લી કરાવાઇ

કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. કોર્પોરેશનની માલિકીના અલગ-અલગ હેતુ માટેના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૈયા રોડ, સેક્ધડ રીંગ રોડ, યુનિવર્સિટી રોડ અને મવડી વિસ્તારમાં 35 ઝુંપડા સહિત 50 દબાણોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતાં. 86.66 કરોડની 11,947 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે શહેરના વોર્ડ નં.1, 9, 10 અને 11માં અલગ-અલગ ટાઉન પ્લાનિંગ સ્કિમ અંતર્ગત કોર્પોરેશનને પ્રાપ્ત થયેલા અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના વોર્ડ નં.1માં રૈયા રોડ પર નયારા પેટ્રોલ પં5 પાસે વિદ્યુતનગર સોસાયટીમાં ટીપી સ્કિમ નં.22 (રૈયા)ના વાણિજ્ય હેતુ માટેના અંતિમ ખંડ નં.40/એ માં 2,102 ચો.મી. જમીન પર ખડકાયેલી ઓરડીઓના બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બીજા રીંગ રોડ પર એન્ટીક ફર્નિચરની સામે ટીપી સ્કિમ નં.18 (મુંજકા)ના વાણિજ્ય હેતુ માટેના અનામત પ્લોટ અંતિમ ખંડ નં.22/એની 1901 ચો.મી. જમીન પર ચાંપણીયાની દિવાલ અને રૂમનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીપી શાખાનો કાફલો  યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી હોસ્પિટલ પાછળ ત્રાટક્યો હતો. અહિં ટીપી સ્કિમ નં.16 (રૈયા)માં વાણિજ્ય વેંચાણ હેતુના અંતિમ ખંડ નં.86/એમાં 4,776 ચો.મી. જમીન પર ખડકાયેલા 20 ઝુંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતાં.

અહિં આગળ ટીપી સ્કિમ નં.16 (રૈયા)માં એસઇડબલ્યુએસ હેતુ માટેના અનામત પ્લોટ એવા અંતિમ ખંડ નં.31/એમાં 2221 ચો.મી. જમીન પર 15 ઝુંપડા બની ગયા હતાં. જે તોડી પાડવામાં આવ્યા હતાં. જ્યારે વોર્ડ નં.11માં મવડી વિસ્તારમાં રંગ રેસિડેન્સીની સામે અંબિકા ટાઉનશિપ વાળા બ્રિજની બાજુમાં ટીપી સ્કિમ નં.20 (નાનામવા)માં વાણિજ્ય વેંચાણ હેતુ માટેના અનામત પ્લોટ એવા અંતિમ ખંડ નં.50/બીમાં 974 ચો.મી. જમીન પર દિવાલ અને ઓરડીનું ગેરકાયદે ખડકાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

આજે અલગ-અલગ ચાર વોર્ડમાં ચાર ટીપી સ્કિમમાં કોર્પોરેશનને મળેલા અલગ-અલગ હેતુ માટેના અનામત પ્લોટ પર ખડકાયેલા કાચા-પાકા 50 જેટલા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.