Abtak Media Google News

પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ-એલોટમેન્ટ અને જમીન શાખાના મહત્વપૂર્ણ દસ્તાવેજો હવે એક જ જગ્યાએથી મળી રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપતો નવતર અભિગમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-જી.આઈ.ડી.સી. મારફતે અપનાવ્યો છે.જી.આઈ.ડી.સી.ની પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ એલોટમેન્ટ અને જમીન શાખા એમ ત્રણ મુખ્ય શાખાના મહત્વપૂર્ણ દસ્તાવેજોના સંકલન એવા કમ્પોડિયમનું મુખ્યમંત્રી ના હસ્તે ગાંધીનગરમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

ઉદ્યોગમંત્રી  બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં લોન્ચ થયેલા આ કમ્પોડિયમની ઓનલાઈન સુવિધા પણ સ્ટેકહોલ્ડર્સ માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

આ કમ્પોડિયમમાં ત્રણ મુખ્ય શાખાઓના મહત્વપૂર્ણ પરિપત્રો, નીતિ-નિયમોની અદ્યતન માહિતી એક જ જગ્યાએથી મળતી થવાને પરિણામે સ્ટેકહોલ્ડર્સનો સમય બચશે અને કામકાજ સરળ બનશે.

એટલું જ નહીં, વિવિધ પરિપત્રોની લાગુ પડતી ગૂંચવણો દૂર થઈ જવાથી અરજીઓનો ઝડપી નિકાલ આવશે. તેમ જ જી.આઈ.ડી.સી.ની સેવાઓનો લાભાર્થીઓને વધુ વિસ્તૃત લાભ મળી રહેશે.

આ ઉપરાંત રોકાણકારોને જી.આઈ.ડી.સી.ની વર્તમાન નીતિઓ વિશે વધુ સારી રીતે માહિતગાર કરી શકાશે. જેથી તેઓ પરિણામલક્ષી, અસરકારક પગલાં લઈ શકશે.

મુખ્યમંત્રી એ આ વનસ્ટોપ કમ્પોડિયમનું વિમોચન કર્યું તે વેળાએ જણાવવામાં આવ્યું કે જી.આઈ.ડી.સી.એ તેની ગુડ ગર્વનન્સ પહેલ હેઠળ 17 ઓનલાઈન મોડ્યુલ વિકસાવ્યા છે અને અત્યાર સુધીમાં 95000થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પહેલ હેઠળ, 4 અરજીઓ આઈ.એફ.પી. સાથે સંકલિત કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 35000થી વધુ અજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત તમામ ઓનલાઈન સેવાઓની પ્રક્રિયા ડિજિટલ હસ્તાક્ષર(ડી.એસ.સી.) દ્વારા કરવામાં આવે છે અને 3.90 લાખથી વધુ ફાઈલોને સ્કેન કરીને ડિજિટલી લિંક કરવામાં આવી છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે જી.આઈ.ડી.સી.ની સ્થાપના 1962માં જી.આઈ.ડી.સી. કાયદા હેઠળ રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગવાન બનાવવા અને રોજગાર ઊભા કરવા માટે કરવામાં આવી હતી. જી.આઈ.ડી.સી. ઔદ્યોગિક હેતુઓ માટે અનુકૂળ સ્થાનોની ઓળખ કરીને તેને વિકસાવવાનું કામ કરે છે, જેથી તેમને ઉદ્યોગસાહસિકની જરૂરિયાતોને અનુરૂપ બનાવી શકાય.

આજ સુધીમાં, જી.આઈ.ડી.સી.એ 239 એસ્ટેટને વિકસાવીને સમગ્ર ગુજરાતમાં 70,125થી વધુ એકમોનો સમાવેશ કરીને 41,899 હેક્ટરમાં જમીન સંપાદિત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.