Abtak Media Google News

જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને આયોજન અંગેની બેઠક મળી: ડીડીઓ, એડીએમ, ડીએસઓ અને પ્રાંત અધિકારીને તૈયારીમાં લાગી જવાના આદેશ અપાયા

આગામી તા.૧૫ નવેમ્બરી રાજયસરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા જઇ રહી છે, તેના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતાં કલેકટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજયસરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ. પાંચ હજારના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. જેમાં રૂ. ૪૮૯૦ કેન્દ્ર સરકાર અને રૂ. ૧૧૦ રાજય સરકાર ભોગવશે. આ ખરીદી માત્ર માર્કેટીંગ યાર્ડ ખાતે જ કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ખેડૂતોએ ફરજિયાત ઓનલાઇન  રજીસ્ટ્રેશન અને આધાર કાર્ડની ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે પ્રત્યેક ખેડૂત પાસેથી રાજયસરકાર એક દિવસના વધુમાં વધુ ૧૫૦૦ કિલોગ્રામ મગફળીની ખરીદી કરશે.

ખરીદીના વારાના દિવસે જો ખેડૂત હાજર ન હોય તો એક અઠવાડિયામાં તે ખેડૂતનો વારો ફરીથી લઇ શકાશે. રાજય સરકારે ખરીદેલા માલના પૈસા સામાન્ય સંજોગોમાં ત્રણ દિવસમાં ખેડૂતોના ખાતામાં  જમા થઇ જશે, પણ બેંકની અવ્યવસ સર્જાવાના કિસ્સામાં આ પૈસા વધુમાં વધુ ૧૫ દિવસમાં ખેડૂતના ખાતામાં જમા થઇ જશે. રાજય સરકારે ખરીદેલો માલ સંબંધિત માર્કેટીંગ યાર્ડની ૩૦ કિલોમીટરના ઘેરાવાના વિસ્તારના ગોડાઉનમાં જ સંગ્રહ કરવાનો રહેશે. માલનું પરિવહન ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (જી.પી.એસ.) ધરાવતા વાહન મારફતે જ કરવાનું રહેશે.

ખરીદીની તમામ પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડીંગ કરવામાં આવશે. આ પ્રક્રિયા પર નજર રાખવા માટે એન્ટી કરપ્શન બ્યુરો, પોલિસ, ગોડાઉન મેનેજર, નાયબ મામલતદાર અને ગ્રામસેવક મળી કુલ પાંચ સભ્યોની બનેલી ફલાઇંગ સ્કવોડ ટીમ પ્રત્યેક તાલુકા દીઠ પાંચ-પાંચ લેખે મુકવામાં આવશે. આ ટીમને તા.૩૦ ઓકટોબરે રાજય સરકાર દ્વારા તાલીમ આપવામાં આવશે.

રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓ મળી કુલ એક લાખ દસ હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાની રાજય સરકારની ધારણા છે. આ ખરીદીમાં ભાગ લેવા માટે ખેડૂત ખાતેદાર પાસે ૭/૧૨નો ઉતારો અવા તલાટીનું પ્રમાણપત્ર ફરજિયાત છે. લોધિકા અને પડધરી તાલુકામાં માર્કેટીંગ યાર્ડ ન હોવાથી ત્યાંના ખેડૂતો તેમનો માલ રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં અને કોટડાસાંગાણી તાલુકાના ખેડૂતો તેમનો માલ ગોંડલના માર્કેટીંગ યાર્ડ ખાતે  રાખી શકશે.

તમામ માલના સંગ્રહ માટે ગુજરાત સ્ટેટ વેર હાઉસ કોર્પોરેશનના ગોડાઉન, ખાનગી ગોડાઉન, રાજય સરકારના અન્ય વિભાગોના ગોડાઉન વગેરેની મદદ લેવામાં આવશે. તમામ પ્રાંત અધિકારીઓને આ ખરીદી માટે  ઝીણવટભરી તૈયારીમાં લાગી જવા કલેકટર ગુપ્તાએ આદેશો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા, જિલ્લા આયોજન  અધિકારી યોગેશ જોષી, એ.સી.પી. શ્રુતિબેન મહેતા, પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહ રાયજાદા, તુષાર જોષી, મામલતદાર, વિવિધ તાલુકાઓની માર્કેટીંગ યાર્ડના પ્રમુખો, વગેરે ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.