Abtak Media Google News

લૂંટફાટ, ચીલઝડપ, દુષ્કર્મ વગેરે જેવા ગુનાઓમાં નંબર પ્લેટ વગરના વાહનોના થતા ઉપયોગની મોડસ ઓપરેન્ડી બાદ લુધિયાના પોલીસ કમિશનરનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

કેન્દ્ર અને રાજય સરકારે તાજેતરમા અમલમાં મુકેલા નવા મોટર વ્હીકલ એકટમાં વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ન હોવા માટે આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ હવે વાહનોમાં નંબર પ્લેટ ન રાખવા માટે દંડની સાથે જેલની સજા પણ થઈ શકે છે. સામાન્ય રીતે લૂંટફાટ, ચીલઝડપ, દુષ્કર્મ વગેરે જેવા ગુન્હાઓમાં ગુન્હેગારો નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરવાની મોડસ ઓપરેન્ડસ અપનાવતા હોય છે. જેથી, આવી અસામાજીક પ્રવૃત્તિઓને ડામવા લુધીયાના પોલીસ કમિશ્નર દ્વારા નંબર પ્લેટ વગર વાહન ચલાવવા બદલ માત્ર દંડ જ નહી પરંતુ પોલીસ ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો છે. આ હુકમ મુજબ એકથી છ માસ સુધીની જેલની સજા થઈ શકે છે.

લૂધિયાના પોલીસ કમિશ્નર રાકેશ અગ્રવાલ દ્વારા શનિવારે જાહેર કરેલા પરિપત્ર મુજબ લૂંટ, ચીલઝડપ, દુષ્કર્મ જેવા નાના-મોટા ગુન્હાઓ આચરનારા અસામાજીક તત્વો પોતાની ઓળખ છુપાવવા નંબર પ્લેટ વગરના વાહનો વાપરે છે. જેથી આવા અસામાજીક તત્વોની ભાળ મેળવવા માટે નંબર પ્લેટ વગરનાં વાહનો ચલાવનારાઓ સામે સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ હુકમ ફરમાવવા આવ્યો છે. આ હુકમનો ભંગ કરનારા વાહન ચાલકો સામે આઈપીસીની કલમ ૧૮૮ મુજબ જાહેર સેવક દ્વારા ફરજીયાત આદેશોની અવગણના બદલ પોલીસ ફરિયાદ નોંધવાની તમામ પોલીસ સ્ટાફને સુચના આપવામાં આવી છે. આઈપીસીની કલમ ૧૮૮ના ભંગ બદલ આરોપીને એક માસથી લઈને છ માસ સુધીની કેદની સજા થઈ શકે છે.

લૂધિયાના પોલીસ કમિશ્નર રાકેશ અગ્રવાલે આ હુકમ અંગે જણાવ્યું હતુકે શહેરમાં ગુનાઓ કરવાની રીતનું વિશ્લેષણ કર્યા પછી ખ્યાલ આવ્યો હતો. કે મોટાભાગના ગુનાઓમાં ગુનેગારો પોતાની ઓળખ છુપાવવા ગુનામાં વાપરતા વાહનોમાં નંબર પ્લેટ કાઢી નાખતા હોય છે. જેથી આવા ગુનાઓની પોલીસ તપાસમાં તેની અસર પડતી હોય તેને રોકવા માટે કડક પગલા લેવાની જરૂર ઉભી થઈ હતી. જેથી આ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. તેમ જણાવીને અગ્રવાલે ઉમેર્યું હતુ કે અગાઉ નંબર પ્લેટ વગરના વાહનોના ચાલકો પાસેથી નવા મોટર વ્હીકલ એકટ હેઠળ એક હજાર રૂા.નો દંડ વસુલવામાં આવતો હતો પરંતુ હવે આ હુકમનો ભંગ કવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.

અગ્રવાલે અંતમાં ઉમેર્યું હતુ કે આ હુકમનો પાલન યોગ્ય રીતે કરવામાં આવ્યા બાદ તેમનું લક્ષ્ય વાહનો પરની નકલી નંબર પ્લેટો પર હશે ગત ૨૫મી ધૂગરીમાં ઈમીગ્રેશન ઓફીસ બહાર કારમાં આવેલા બે ત્રાસવાદીઓએ ફાયરીંગ કર્યું હતુ આ કારમાં ત્રાસવાદીઓએ નકલી નંબર પ્લેટ લગાવી હતી જેથી નકલી નંબર પ્લેટ વાળા વાહનોને ઓળખવા પણ એટલા જ જરૂરી છે. આ અંગે મદદનીશ પોલીસ કમિશનર સુરિન્દર મોહને જણાવ્યું હતુકે મોટાભાગના ચીલઝડપ કરનારી સમડીઓ અને લૂંટારૂઓ નંબર પ્લેટ વગરનાં વાહનોનો ઉપયોગ કરે છે. કેટલાક આરોપીઓ નકલી નંબર પ્લેટોનો ઉપયોગ પણ કરે છે. સામાન્ય રીતે આવી પ્રવૃત્તિઓ જાહેરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. પરંતુ નંબર પ્લેટ વગરના કે નકલી નંબર પ્લેટવાળા વાહનોનાં કારણે પોલીસને આરોપીઓને શોધવામાં મુશ્કેલી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.